ગુર્જરત્રા – ગૂર્જરત્રા : દેશવાચક સંજ્ઞા. સંસ્કૃતીકરણ પામેલા ‘ગૂર્જરત્રા’ શબ્દનો ઉલ્લેખ દેશવાચક તરીકે રાજસ્થાનના ઘટિયાલ-(વિ. સં. 918 – ઈ. સ. 862)ના લેખમાં અને પ્રતિહાર કક્કુક(નજીકના સમય)ના લેખમાં જોવા મળે છે. ઘટિયાલ(એ જ વર્ષ)ના પ્રાકૃત લેખમાં ‘ગુજ્જરત્તા’ પ્રાકૃતીકરણ જોવા મળે છે. ગુર્જર પ્રતિહારોનું રાજ્ય પશ્ચિમ મારવાડમાં હતું અને આ પ્રદેશના એ રાજવી હોઈ આ સંજ્ઞાથી પશ્ચિમ મારવાડનો પ્રદેશ સમજાય છે. આનાથી પૂર્વે મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં ‘ગુર્જરત્રાભૂમિ’ તરીકે જાણવામાં આવ્યો છે. સ્કંદપુરાણ (7–2–39–141)માં એ ‘ગુર્જરાત્ર’ છે. ગુર્જરો ચોથી-પાંચમી સદી લગભગમાં પશ્ચિમ એશિયામાંથી ભારતવર્ષના વાયવ્ય ખૂણાના ઘાટોમાંથી આવી પ્રથમ પંજાબમાં વિસ્તરી, જ્યાં ‘ગુજરાત’ અને ‘ગુજરાનવાલા’ પરગણાંમાં એ પ્રજાની સંજ્ઞા રહેલી છે. ત્યાંથી મારવાડના પશ્ચિમ ભૂભાગમાં પ્રસરી સત્તાધીશ પણ બની. હરિશ્ર્ચંદ્ર ગુર્જર પ્રતિહારોનો પહેલો રાજવી હતો. પછીથી દક્ષિણ ગુજરાતમાં નાંદોલ(રાજપીપળા)માં આ વંશનું આધિપત્ય હતું.
દેશવાચક આ શબ્દનો ‘ગૂર્જરાત’ કામસૂત્ર(5–1–30)ની જયમંગલા ટીકામાં અને ‘ગુર્જરાટ’ ગર્ગસંહિતા (7–7–12)માં જોવા મળ્યો છે. આ બધે સ્થળે એ પશ્ચિમ મારવાડના વાચક છે. સોમનાથ પાટણની કુમારપાલના સમય(વિ. સં.1273 – ઈ. સ. 1215)ની શ્રીધર-પ્રશસ્તિમાં ‘ગૂર્જરાત્રા’ સંજ્ઞા સૂચવાઈ છે. તે હવે ઉત્તર ગુજરાતની વાચક છે.
મૂળ પ્રજાવાચક ‘ગુર્જર’ શબ્દ સંસ્કૃત ભાષાનો નથી; મૂળ પ્રજાવાચક શબ્દ ‘જુજ્ર’ ‘ગુજ્ર’ હતો. અરબી ભાષામાં સ્ત્રીલિંગનો ‘આત’ પ્રત્યય લાગી ‘ગુજ્રાત’ થાય છે. અગિયારમી સદીના આરંભના અરબ મુસાફર અલ્બેરૂનીએ એના ભારતવર્ષના પ્રવાસના ગ્રંથ ‘અલ્-હિંદ’માં દેશવાચક નામ તરીકે આ શબ્દ આપ્યો છે. એ આબુથી લઈ બઝાન (નારાયણ-જયપુર) સુધીના પ્રદેશ માટે વપરાયો છે. આમ, મૂળ સ્ત્રીલિંગ બહુવચનમાં પ્રજાવાચક શબ્દ પ્રદેશવાચક થયો, જેનું પ્રાકૃતીકરણ ‘ગુજ્જરત્તા’ અને તેનું સંસ્કૃતીકરણ ‘ગુર્જરત્રા’ થયું જે પણ સ્ત્રીલિંગમાં ‘સુરાષ્ટ્રા’ની જેમ છે. ‘કાન્હડદેપ્રબંધ’માં આજના ઉત્તર ગુજરાતને ઉદ્દેશી ‘ગુજરાતિ તે કહીઇ કિસી’માં એ સ્પષ્ટ રીતે સ્ત્રીલિંગ છે.
ડેડવાણક(હાલના જોધપુર પ્રદેશમાં)ના મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં સં. ‘ગુર્જરત્રાભૂમિ’ શબ્દ પશ્ચિમ મારવાડને માટે જ વપરાયો છે. એક બીજા અભિલેખ(ઈ. સ. 850)માં ‘ગુર્જરત્રામંડળ’ છે તે પણ આ જ ભૂમિ છે.
સોમનાથ પાટણની શ્રીધર-પ્રશસ્તિમાં ચૌલુક્યોની સત્તાના ઉત્તર ગુજરાતને માટે ‘ગૂર્જરાત્રા’ વપરાયો છે. એ જ અર્થમાં આચાર્ય હેમચંદ્રે ‘દ્વયાશ્રય’ કાવ્ય(6-7)માં સં. ‘ગૂર્જરત્રા’ પ્રયોજ્યો છે.
ઉત્તર ગુજરાત અને પછી તરતમાં મધ્ય ગુજરાતને આવરી લે એ પ્રમાણે થયું.
જ્યારે ચાવડાઓનું ‘સારસ્વતમંડલ’ (ઉત્તર ગુજરાત) ઉપર શાસન હતું ત્યારે છેલ્લા ચાવડા રાજવી સામંતસિંહનો બનેવી અને કાન્યકુબ્જના પ્રતિહાર રાજવીનો પ્રતિનિધિ ચૌલુક્ય વંશનો રાજિ ભિન્નમાલમાં રહી પશ્ચિમ મારવાડનું શાસન કરતો હતો. એ સમયે એ પ્રદેશ ‘ગુર્જર દેશ’ હોઈ એ ‘ગુર્જરેશ્વર’ હતો. મોસાળમાં અવારનવાર આવતો મૂળરાજ ધીમે ધીમે શક્તિમાન થતો જતો હતો. લાગ મળતાં મદિરામત્ત મામા સામંતસિંહની હત્યા કરી એણે ‘સારસ્વતમંડલ’ની સત્તા હસ્તગત કરી. પિતાનું ‘ગુર્જરેશ્વર’નું બિરુદ એણે પિતાનું અવસાન થયેલું હોઈ ચાલુ રાખ્યું અને થોડા જ સમયમાં ‘સારસ્વતમંડલ’ને સ્થાને પશ્ચિમ મારવાડ માટે ઉપર પ્રયોજાયેલી વિવિધ સંજ્ઞાઓ વપરાતી થઈ, નજીકના સમયમાં પશ્ચિમ મારવાડને માટે એ લુપ્ત થઈ. મૂળરાજથી સિદ્ધરાજ સુધીના સમયમાં એ સંજ્ઞા ઉત્તર ગુજરાત અને એ સાથોસાથ મધ્ય ગુજરાતને માટે પણ રૂઢ થઈ ચૂકી. તેથી જ આચાર્ય હેમચંદ્રે ‘દ્વયાશ્રય’ કાવ્યમાં ‘ગૂર્જરત્રા’ શબ્દ ચૌલુક્યોની સત્તાના પ્રદેશ માટે વાપર્યો. અલ્બેરૂનીએ પોતાના પ્રવાસગ્રંથમાં જે ‘ગુજ્રાત’ પશ્ચિમ મારવાડને માટે નિર્દેશ્યો હતો તે સરળ બનીને ‘ગુજરાત’ થયો; જેનો પહેલો જાણવામાં આવ્યો હોય તેવો ઉલ્લેખ ‘આબુરાસ’(ઈ. સ. 1233)માં જોવામાં આવે છે.
કે. કા. શાસ્ત્રી