ગુરુંગ, માર્ટિન માઇકલ

February, 2011

ગુરુંગ, માર્ટિન માઇકલ (જ. જાન્યુઆરી 1926, રુંગનીત ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : જાણીતા નેપાળી વિવેચક અને વાર્તાકાર. તેમને તેમના ‘બિરસિયકો સંસ્કૃતિ’ નામક સાંસ્કૃતિક અભ્યાસગ્રંથ (1980), માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કેટલોક વખત દાર્જિલિંગ ખાતે સેંટ જૉસેફ્સ કૉલેજમાં નેપાળીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓએ મુંગપૂ ખાતે સરકારી ચિન્ચોના પ્લાન્ટેશનમાં મૅનેજર તરીકે પણ કામ કર્યું. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈને પછી તેઓ સ્વતંત્ર લેખક બન્યા.

તેમના બે વાર્તાસંગ્રહો ‘ઘરસંસાર’ (1957) અને ‘તીસ્તા બાગચા સદાય જસ્યો’ (1980) તેમજ પ્રસ્તુત પુરસ્કૃત વિવેચનગ્રંથ પ્રગટ થયા છે. તેમણે નેપાળી લોકસંસ્કૃતિ વિશે વિપુલ પ્રમાણમાં લખ્યું છે.

1987થી તેઓ સરકારી સંસ્થા કલિમ્પૉન્ગ કૉલેજના પ્રમુખ રહ્યા. તેમણે નૅશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના સભ્ય તરીકે પણ સેવા આપી. 1982માં તેમને દાર્જિલિંગ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો, તે અગાઉ 1981માં તેમને ભાનુ ઍવૉર્ડ અને દીયાલો ધૂળચંદ સુવર્ણચંદ્રક આપવામાં આવેલા.

તેમનો પુરસ્કૃત ગ્રંથ ‘બિરસિયકો સંસ્કૃતિ’ લોક-સંસ્કૃતિના દસ્તાવેજીકરણ અને અર્થઘટન માટે મૌખિક સાહિત્યિક પરંપરાના જતનના અનોખા પ્રયત્ન તરીકે તેમજ એમાં નિરૂપિત સામગ્રીની પ્રમાણભૂતતા અને સરળ શૈલી માટે નેપાળી સાહિત્યમાં મહત્વનો લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા