ગુર્જર દેશ : ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ઉપયોગમાં લેવાતી સંજ્ઞા. આ સંજ્ઞાના જૂનામાં જૂના ઉલ્લેખ પ્રમાણે રાષ્ટ્રકૂટ વંશના દંતિદુર્ગે ઉજ્જનમાં ઈ. સ. 754માં હિરણ્યગર્ભદાન આપેલું ત્યારે ત્યાં હાજર થયેલા બહારના રાજવીઓમાં એક ‘ગુર્જર દેશ’નો પણ રાજવી હતો. આ પછીના અમોઘવર્ષના ઈ. સ. 871–72ના અભિલેખમાં ‘ગુર્જરદેશાધિરાજક’ શબ્દમાં દેશનામ નોંધાયું છે. આ બંને ઉલ્લેખ પશ્ચિમ મારવાડને લગતા છે. આ સંજ્ઞાનો ઉત્તર ગુજરાતને માટે ઉપયોગ થયો હોય તો એ ક્ષેમેન્દ્રની ‘ઔચિત્યવિચારચર્ચા’માં. ‘વિવિધ તીર્થકલ્પ’માં માળવાના મુંજના પુત્ર સિંઘલે ગુર્જર દેશમાં આવી ‘કાશહ્રદ’માં છાવણી નાખી એ ઉત્તર અને મધ્ય ગુજરાત જણાય છે, તો ચંદ્રસૂરિકૃત ‘મુનિસુવ્રત ચરિત’(ઈ. સ. 1136)માંનો ‘ગુજ્જર દેશ’ પણ હવે એ જ છે. વાઘેલો વીરધવલ ‘ધવલક્કક’(ધોળકા)માં રાજ્ય કરતો હતો ત્યારે કાન્યકુબ્જના રાજાની કુંવરી ‘ગુર્જરધરા’માં આવી મરણ પામી, ‘ગુર્જર દેશ’ની અધિષ્ઠાત્રી વ્યંતરી બની વીરધવલના સ્વપ્નમાં આવી એવો ‘પ્રબંધકોશ’માંનો ઉલ્લેખ પણ હવે ઉત્તર-મધ્ય ગુજરાતને માટે થયો છે.

કે. કા. શાસ્ત્રી