ગુરુજાડ અપ્પારાવ (જ. 21 સપ્ટેમ્બર 1862, રામવરમ્, જિ. વિશાખાપટ્ટનમ્ આંધ્રપ્રદેશ, અ. 30 નવેમ્બર 1915, વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશ ) : તેલુગુ કવિ, નાટકકાર, વાર્તાકાર તથા સમીક્ષક. પિતા વેંકટરામદાસ અને માતા કૌસલ્યમ્મા વિજયનગરના રાજા ગણપતિ રાજુલુનાં આશ્રિત હતાં. ગણપતિ રાજુલુને કાવ્યશાસ્ત્ર અને નાટ્યમાં સવિશેષ રસ હતો. અપ્પારાવનું શિક્ષણ આ રાજાનાં આશ્રય અને દેખરેખ હેઠળ વિજયનગર ખાતે થયેલું. શિક્ષણ દરમિયાન જ કાવ્યરચનાનો પ્રારંભ કર્યો. 1886માં બી.એ. થયા. શિક્ષણ પછી તેમણે રાજાના દરબારમાં નોકરી સ્વીકારી હતી. ત્યારપછી તે વિજયનગરના બીજા રાજા આનંદ ગણપતિ(1850–1897)ના સંપર્કમાં આવ્યા. આ રાજાને સાહિત્યમાં ખાસ રુચિ હોવાથી તેમની દ્વારા અપ્પારાવની સાહિત્યસાધનાને વિશેષ પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થયાં. 1896-1915 દરમિયાન તેમણે સાહિત્યનાં વિવિધ સ્વરૂપો ખેડ્યાં છે.

અર્વાચીન તેલુગુ કવિઓના સામાન્ય રીતે ત્રણ વર્ગો જોવા મળે છે : (1) સંસ્કૃતપ્રચુર શૈલીમાં કાવ્યો લખનારા, (2) સંસ્કૃત ઉપરાંત અંગ્રેજીના પ્રભાવ હેઠળ કાવ્યરચના કરનારા, અને (3) સંસ્કૃત અને અંગ્રેજી બંને આત્મસાત્ કરીને પોતાની ભાષામાં કાવ્યરચના કરનારા. અપ્પારાવ ત્રીજા વર્ગના, આદ્યકવિ ગણાય છે. મહાકવિ, કવિઓના કવિ કે કાવ્યગુરુ જેવાં બિરુદો તેમણે પ્રાપ્ત કર્યાં હતાં. ‘મુત્યાલ સરમુલુ’ નામનો તેમનો કાવ્યસંગ્રહ છે તથા ‘મુત્યાલસરમ્’ નામના નવા વૃત્તનું પણ તેમણે સર્જન કર્યું છે. તેમણે તેમની કાવ્યરચનાઓમાં મૂર્તિપૂજા અને જ્ઞાતિપ્રથાનું ખંડન તથા ભારતમાં વિદેશી રાજસત્તાનો વિદ્રોહ દર્શાવ્યાં છે.

અપ્પારાવની કવિતામાં સામાજિક સભાનતાના આવિષ્કાર રૂપે ભારતમાં પ્રચલિત કેટલીક અનિષ્ટ સામાજિક પરંપરાઓ સામે જેહાદ પોકારેલી જણાય છે. દેશની સ્વતંત્રતાની સંકલ્પના પણ તેમાં આગવું સ્થાન ભોગવે છે.

અપ્પારાવની રચનાઓ પર અંગ્રેજીનો પ્રભાવ હતો એટલું જ નહિ; પરંતુ તેમણે અંગ્રેજી ભાષામાં પણ કાવ્યરચના કરી છે. તેમની આવી કેટલીક રચનાઓ 1883માં વિજયનગરથી પ્રકાશિત થતા ‘ધ ઇન્ડિયન લિઝર અવર’માં પ્રગટ થઈ હતી. ત્યારપછી કોલકાતાથી પ્રકાશિત થતા ‘રેઇસ ઍન્ડ રૈયત’ પત્રિકામાં તે પુનર્મુદ્રિત થઈ હતી.

1891માં તેમણે તે જમાનાની વૃદ્ધલગ્ન જેવી સામાજિક સમસ્યા પર કાવ્ય અને ‘કન્યાશુલ્કમ્’ (1897) નામનું નાટક લખેલું. આંધ્ર રાજ્યમાં આજે પણ આ નાટકના પ્રયોગો થાય છે. આ નાટક પરથી તૈયાર થયેલું ચલચિત્ર પણ ઘણું લોકપ્રિય બનેલ છે. ‘સુભદ્રા’ નામક તેમની કાવ્યરચના પણ જાણીતી છે. ‘દિદદુબાટુ’, ‘મી પેરેમિટિ’, ‘મેટિલ્ડા’, ‘સંસ્કર્તહૃદય’ જેવી વાર્તાઓમાં તેમણે તે જમાનાનાં સામાજિક દૂષણો વખોડી કાઢ્યાં છે. વિવેચનસાહિત્યમાં પણ તેમનું પ્રદાન મહત્વનું ગણાય છે. ‘નન્નય’, ‘કાવ્યમાં શૃંગારરસ’, ‘કવિતા’ અને ‘વર્ડ્ઝવર્થ’ નામના લેખો તથા ‘કોંડુમટ્ટીયમ્’ અને ‘વિલ્ડણીયમ્’ નાટકો અને ‘કલિંગેતિહાસ’ નામક ઇતિહાસગ્રંથ પણ તેમણે લખેલ છે.

તેમની રચનાઓના અનુવાદ તમિળ, કન્નડ, બંગાળી અને હિંદી જેવી ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી અને રશિયન જેવી પરદેશી ભાષાઓમાં પણ થયેલા છે.

આંધ્ર રાજ્યમાં 1962માં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે