ગુરુકોણ સ્પંદનદિશા : ઑપ્ટિક અક્ષ વચ્ચેના ગુરુકોણને દુભાગતી કિરણ સ્પંદનદિશા. પ્રકાશીય ગુણધર્મોને આધારે ખનિજોના બે પ્રકાર પાડેલા છે : (1) સાવર્તિક અને (2) અસાવર્તિક. આ પૈકી અસાવર્તિક ખનિજોના એકાક્ષી અને દ્વિઅક્ષી એમ બે પેટાપ્રકારો પણ પાડેલા છે. દ્વિઅક્ષી ખનિજોમાં બે ઑપ્ટિક અક્ષ હોય છે અને તે એકબીજાને જુદાં જુદાં ખનિજોમાં જુદા જુદા ખૂણે છેદે છે. આ પ્રમાણે ઑપ્ટિક અક્ષના છેદવાને કારણે એક લઘુકોણ અને એક ગુરુકોણ બને છે. દ્વિઅક્ષી ખનિજોમાં આ બંને પ્રકારના ખૂણાને ‘X’ અને ‘Z’ કિરણ સ્પંદનદિશા દુભાગે છે. જે કિરણ સ્પંદનદિશા ઑપ્ટિક અક્ષ વચ્ચેના ગુરુકોણને દુભાગે છે તે ગુરુકોણ સ્પંદનદિશા કહેવાય છે. કેટલાંક દ્વિઅક્ષી ખનિજોમાં ‘X’ ગુરુકોણ સ્પંદનદિશા હોય છે જ્યારે કેટલાંક દ્વિઅક્ષી ખનિજોમાં ‘Z’ ગુરુકોણ સ્પંદનદિશા હોય છે.

ગુરુકોણ સ્પંદનદિશા

ઑર્થોરૉમ્બિક મૉનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક સ્ફટિક વર્ગનાં ખનિજો દ્વિઅક્ષી છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે