ગુરુ : વેદ, શાસ્ત્ર અને લૌકિક વિદ્યા ભણાવે તે સામાન્ય અર્થમાં ગુરુ કહેવાય. गुणाति उपदिशति इति गुरु: એવી આ શબ્દની વ્યુત્પત્તિ આ અર્થનું સમર્થન કરે છે. ગુ – અજ્ઞાન, રુ – રોકનાર. અજ્ઞાનને રોકનાર નિર્વચન પણ અપાયું છે. ઉપદેશના ક્ષેત્રમાં વેદ, શાસ્ત્ર, પુરાણ, કાવ્ય, અધ્યાત્મવિદ્યા, ધર્મ, વ્યવહાર અને સર્વ વિષયો આવે. તેથી આ વિષયોના ઉપદેશક તે ગુરુ કહેવાય. કોશ અને ધર્મશાસ્ત્રમાં આચાર્ય, પિતા, પિતામહાદિ કુલવૃદ્ધ, પિતૃવ્ય જ્યેષ્ઠ ભ્રાતા આદિ પિતૃપક્ષીય; મામા, માતામહ આદિ માતૃપક્ષીય; શ્વશુર, વર્ણજ્યેષ્ઠ, રક્ષણકર્તા એ સૌને ગુરુ ગણ્યા છે. ગુરુના અર્થમાં પ્રયોજાતા શબ્દો – આચાર્ય, પ્રવક્તા, શ્રોત્રિય, અધ્યાપક વગેરેનો પાણિનિની અષ્ટાધ્યાયીમાં નિર્દેશ છે. વેદ, ઉપનિષદ અને પરવર્તી સાહિત્યમાં આચાર્યનું ઘણું મહત્વ ગણાયું છે. શિષ્ય સમિત્પાણિ થઈ અધ્યયનાર્થે આચાર્ય પાસે જતો. હાથમાં સમિધ હોવી એ શિષ્યની સેવાતત્પરતાની નિશાની ગણાતી. બ્રહ્મવિદ્યા શીખવા ઇચ્છનારે સમિત્પાણિ થઈ ગુરુ પાસે જવું એવું ઉપનિષદમાં કહેલું છે. ‘तद्विज्ञानार्थ स गुरुमेवाभिगच्छेत, समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम् ।’ ત્રૈવર્ણિક વિદ્યાર્થી ઉપવીત સંસ્કાર પછી ગુરુગૃહે વસતો. ગુરુને ત્યાં વાસ એ ગુરુના કુટુંબમાં વાસ હતો. મોટાં ગુરુકુલો મોટાં વિદ્યાલયો જેવાં હતાં. ત્યાં કુલપતિ તે પ્રધાન ગુરુ અને તેમના સહકારી અનેક અધ્યાપકો રહેતા. વિદ્યાર્થી ત્યાં છાત્રાવાસમાં રહેતો. અને ત્યાં પણ અગ્નિચર્યાદિ બ્રહ્મચારીનાં વ્રતોનું પાલન કરતો. ધર્મશાસ્ત્ર અનુસાર શિષ્યના નિષેક (ગર્ભાધાન) આદિ ઉપવીત પર્યન્તના સંસ્કાર આચાર્ય કરતા અને પછી શિષ્યે આચાર્યગૃહે વસવાનું થતું. કાલક્રમે નિષેકાદિ ઉપનયન પર્યંતના સંસ્કારો કુલપુરોહિત કરાવવા લાગ્યા. ગુરુકુલમાં પ્રવક્તા ગુરુ વેદાદિ વિદ્યાઓ અને શાસ્ત્રોનું પ્રવચન કરતા. શ્રોત્રિય ગુરુ અંગો સહિતના સાર્થવેદનો સંહિતાપાઠ અને મંત્રાર્થનો ઉપદેશ કરતા. અધ્યાપક વ્યાકરણ આદિ લૌકિક શાસ્ત્રો ભણાવતા. આ સૌ માટે ગુરુ શબ્દનો વ્યવહાર સર્વસામાન્યપણે થાય છે. અધ્યાત્મનો ઉપદેશ કરનાર, યોગવિદ્યા શીખવનાર અને સંપ્રદાયાનુસાર મંત્રોપદેશ કરનાર પણ ગુરુ કહેવાય છે. સંપ્રદાયગત મંત્રોપદેશનું મહત્ત્વ એટલું તો વધ્યું કે એવો મંત્રોપદેશ એ બ્રહ્મસંબંધ કહેવાય છે.
ગુરુને ત્યાં કે ગુરુકુલમાં રહેવા અંગે કોઈ શુલ્કનો નિર્દેશ મળતો નથી. ગૃહસ્થોનાં દાન પર ગુરુગૃહ અને ગુરુકુલનો નિભાવ થતો. વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે ગુરુદક્ષિણા આપતો, પણ તે વિશે કશો આગ્રહ ન હતો. અનેક શિષ્યો ગુરુગૃહે ગુરુસેવા કરીને વિદ્યા ભણતા. સત્યકામ જાબાલ, ઉદ્દાલક આરુણિ અને ઉપમન્યુ જેવા ઘણા વિદ્યાર્થીઓ ગુરુસેવા કરી ભણેલા. સમર્થ શિષ્ય પાસેથી ગુરુ ઇષ્ટ વસ્તુની દક્ષિણા મેળવતા. ઉત્તંકે ગુરુપત્નીને રાજરાણીનાં કુંડળો લાવી આપેલાં. કૃષ્ણે સાંદીપનિ ગુરુનો ખોવાયેલો પુત્ર લાવી આપેલો. આમ છતાં, ‘रिक्तपाणिस्तु नोपेयाद् राजानं देवतां गुरुम् ।।’ (રાજા, દેવ અને ગુરુ પાસે ખાલી હાથે ન જવાય.) એવો એક સર્વસ્વીકૃત વ્યવહાર સ્વીકારાઈ ગયેલો અને આજે પણ એ વ્યવહાર ચાલે છે.
ગુરુનો આચાર ઉદાહરણરૂપ હોવો જોઈએ. તેમના સદાચાર, નિત્ય-નૈમિત્તિક ધર્મકર્મોમાં તેમની નિષ્ઠા, તેમનું શાસ્ત્રજ્ઞાન, પવિત્રતા, વ્યવહારબુદ્ધિ, કુલવૃદ્ધોની ભક્તિ વગેરેનું ઉદાહરણ શિષ્યો લે છે. તૈત્તિરીય ઉપનિષદમાં સ્નાતક થયા પછી સ્વગૃહે જતા વિદ્યાર્થીને આચાર્યે આપેલી મનનીય શિખામણ છે. તેમાં આચાર્ય કહે છે કે : ‘અમારાં સુચરિતોનું અનુસરણ કરજે. બીજાં દોષયુક્ત આચરણો તરફ લક્ષ આપીશ નહિ. કોઈ શાસ્ત્રના વિષયમાં કે આચરણના વિષયમાં તને સંદેહ થાય તો તારી નજીકના વિચારશીલ, સદાચારી, ઋજુ, ધર્મકામી લોકો પાસેથી એમનું સમાધાન મેળવજે.’ એટલે કે ગુરુ પોતાના ગુણદોષો વિશે સભાન રહેતા.
હિંમતરામ જાની