ગુરદાસપુર (Gurdaspur) : પંજાબ રાજ્યના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 32° 02´ ઉ. અ. અને 75° 31´ પૂ. રે.ની આજુબાજુનો 3,570 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બિયાસ અને રાવી નદીઓ વચ્ચે આવેલો છે. તેની ઉત્તર તરફ જમ્મુ-કાશ્મીર રાજ્યની સીમા અને હિ. પ્ર. રાજ્યનો ચમ્બા જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ હિમાચલ પ્રદેશ–કાંગડા જિલ્લાની સીમા, પૂર્વ તરફ હોશિયારપુર જિલ્લો, અગ્નિકોણ તરફ થોડા અંતર માટે કપુરથલા જિલ્લો, દક્ષિણ તરફ અમૃતસર જિલ્લો તથા પશ્ચિમ તરફ રાવી નદીથી અલગ પાડતી પાકિસ્તાનની સીમા આવેલાં છે. જિલ્લામથક ગુરદાસપુર જિલ્લાની મધ્યમાં આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે. અગાઉ આ સ્થળ એક નાનું ગામ હતું, જ્યાં ગુરુજી નામના મહંત બીજે ગામથી અહીં આવીને વસેલા, તેમણે આ ગામનું નામ ગુરદાસપુર પાડેલું. વખત જતાં આ સ્થળ તેના મધ્યસ્થ સ્થાન તેમજ આબોહવાને કારણે જિલ્લામથક બની રહ્યું.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લાને ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : (i) ટેકરીઓ, (ii) મેદાનો, (iii) ટેકરીઓનો તળેટી વિભાગ.

શિવાલિક હારમાળાના ભાગરૂપ અહીંની ધન્ગુ ટેકરીઓ સ્થાનભેદે 30 મીટરથી 600 મીટરની ઊંચાઈ ધરાવે છે, તે ચાકી નદીની ધારે ધારે વિસ્તરેલી છે. અહીંનાં મેદાનોનું તલ-સ્તર એકસરખું નથી, પરિણામે મેદાનોને અંધાર, પઠાણી, રિયાર્કી અને બાંગર નામોથી ઓળખવામાં આવે છે. ટેકરીઓનો તળેટી વિભાગ, ઓગણીસમી-વીસમી સદી દરમિયાન કરવામાં આવેલા વનનાશથી, ઉજ્જડ બની રહેલો છે, આથી અહીંનું સ્થળર્દશ્ય વિવિધ કદવાળા અને આકારોવાળા પાષાણોથી તથા કાંટાળાં ઝાંખરાંથી આચ્છાદિત બની રહેલું છે. પરિણામે અહીં વેગથી વહેતાં ઝરણાંએ ઠેકઠેકાણે પંકભૂમિની રચના કરી મૂકી છે.

ગુરુદાસપુર

જળપરિવાહ : રાવી અને બિયાસ અહીંની મુખ્ય નદીઓ છે. આ બંને નદીઓ વચ્ચેનો પ્રદેશ ઉપલી બડી દોઆબ નહેરથી સિંચાઈ મેળવે છે. રાવી-બિયાસને નહેરોના ફાંટાઓથી સાંકળી લેવામાં આવે છે.

ખેતીપશુપાલન : જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, ડાંગર, મકાઈ અને શેરડીનો સમાવેશ થાય છે. ખેતીના પાકો માટે ઉપલી બડી દોઆબ નહેરમાંથી સિંચાઈ ઉપલબ્ધ કરાય છે. આ ઉપરાંત અન્યત્ર કૂવા અને નળકૂપ (Tube wells) દ્વારા પણ સિંચાઈ થાય છે. ખેતીમાં સુધારેલાં બિયારણ, રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

જિલ્લામાં ઘણી સંખ્યામાં ગાયો અને ભેંસોનું પાલન કરવામાં આવે છે. ઘેટાંઉછેર પણ થાય છે. દૂધાળાં ઢોરને કારણે જિલ્લામાં દૂધનું ઉત્પાદન લેવાય છે. વધારાનું દૂધ નજીકના જિલ્લાઓમાં મોકલાય છે. પશુઓની સ્વાસ્થ્યસુધારણા માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયો ઊભાં થયાં છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લાએ ઔદ્યોગિક ર્દષ્ટિએ સારો વિકાસ સાધ્યો છે. બટાલામાં યાંત્રિક ઓજારો તથા ખાંડ-ઉદ્યોગે હરણફાળ ભરી છે. ઉપલી દોઆબના પ્રદેશમાં ઊર્જામથક બનાવાયું છે. પઠાણકોટ ખાતે ઉત્તર ભારતનું લાકડાનું મોટું બજાર વિકસ્યું છે. કાંડી વિસ્તારમાં માલબેરી વૃક્ષોના વાવેતરથી રેશમનો ઉદ્યોગ વિકસ્યો છે.

બટાલા અને પઠાણકોટ અહીંનાં મુખ્ય વેપારીમથકો છે. અહીં લાકડાંનો વેપાર મોટા પાયા પર ચાલે છે. આ જિલ્લો તેના બાસમતી ચોખા માટે જાણીતો છે. અહીંથી બાસમતી ચોખા, યાંત્રિક ઓજારો, ઊની વસ્ત્રો, ચામડાં, ખાંડ અને ઇજનેરી પેદાશોની નિકાસ થાય છે. જિલ્લામાં દસ જેટલાં કૃષિબજારો ઊભાં થયાં છે. ગુરદાસપુર સમૃદ્ધ કૃષિઊપજવાળા ક્ષેત્રમાં આવેલું હોવાથી કૃષિપેદાશોનું વ્યાપારી મથક બની રહ્યું છે.

પરિવહન : અમૃતસર, જલંધર અને જમ્મુ તરફથી આવતી બ્રૉડ ગેજ રેલવે આ જિલ્લામાંથી પસાર થાય છે, તેના પર પઠાણકોટ મુખ્ય રેલજંક્શન છે. તે જોગિન્દરનગર સાથે પણ નૅરો ગેજ રેલમાર્ગથી જોડાયેલું છે. બટાલાથી પણ નાનો ફાંટો આવે છે. જિલ્લામાં સડકમાર્ગો સારી રીતે વિકસ્યા છે. રાવી નદી પરના ત્રણ પુલ અને ચાકી પરનો એક પુલ આ જિલ્લાને કાંગડા, હોશિયારપુર અને જલંધર જિલ્લાઓ સાથે સાંકળે છે. જિલ્લામાં માર્ગોની કુલ લંબાઈ 3000 કિમી.થી વધુ છે.

પ્રવાસન : ગુરદાસપુર, દીનાનગર, ધારીવાલ, કલનોર, બહેરામપુર, પિંડોરી મહન્તન, બટાલા, ક્વાદિયન, ડેરા બાબા નાનક, ફતેહગઢ ચુરિયન, શ્રી હરગોવિંદપુર, પઠાણકોટ, શાહપુર-કંડી અને માધોપુર અહીંનાં જોવાલાયક સ્થળો છે. જિલ્લામાં વારતહેવારે જુદાં જુદાં સ્થળે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

શ્રી હરગોવિંદપુર

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 20,96,889 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. જિલ્લામાં પંજાબી અને હિન્દી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં હિન્દુ અને શીખ લોકોની વસ્તી સરખી છે, જ્યારે ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ અને જૈન લોકોની વસ્તી ઓછી છે. આ જિલ્લો શિક્ષણની ર્દષ્ટિએ આગળ પડતો છે, જેનો યશ મૂળ આર્યસમાજને જાય છે; તે પછીથી અહીં શીખોએ અને મુસ્લિમોએ શિક્ષણ સંસ્થાઓનો વ્યાપ વધાર્યો છે. જિલ્લામાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની શાળાઓ અને કૉલેજોની સંખ્યા ઘણી સારી છે. શહેરો અને ગામડાંઓમાં સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 75 % અને 60 %થી વધુ છે, સરેરાશ પ્રમાણ 65 % જેટલું છે. જિલ્લામાં દવાખાનાં, ચિકિત્સાલયો અને જાહેર સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા સારી છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 3 તાલુકાઓ અને 13 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે; અહીં 12 નગરો અને 1626 (83 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. ગુરદાસપુર, બટાલા અને પઠાણકોટ મુખ્ય શહેરો છે.

ઇતિહાસ : આર્યોએ ભારતમાં આવીને પંજાબમાં વસવાટ કર્યો હતો. આ પ્રદેશમાં વેદોની રચના થઈ હતી. આ પ્રદેશમાં 13મીથી 15મી સદીમાં દિલ્હીના સુલતાનો, 16મીથી 17મી સદીમાં મુઘલ સમ્રાટો તથા 18મી સદીમાં મહારાજા રણજિતસિંહની સત્તા પ્રવર્તતી હતી. અંગ્રેજોએ 1849માં પંજાબ ખાલસા કર્યું અને બ્રિટિશ સત્તા સ્થપાઈ. ગુરદાસપુરમાં ગુરુદ્વારાના બાંધકામ વખતે ગુરુ નાનકે તેની મુલાકાત લીધી હતી. મહારાજા રણજિતસિંહના પુત્ર શેરસિંહે ત્યાં રંગમહેલ બંધાવ્યો હતો. ગુરદાસપુરથી 24 કિમી. દૂર આવેલા કાલાનોરમાં શીખ રાજા ખડકસિંહે મહાદેવનું મંદિર બંધાવેલું. તેમાં શિવલિંગ ઘણું મોટું છે. સમ્રાટ અકબરનો પ્રથમ રાજ્યાભિષેક કાલાનોરમાં થયો હતો. આ જિલ્લામાં આવેલ બેહરામપુર ગામ અકબરના વાલી બહેરામખાને (બૈરમખાન) વસાવ્યું હતું. આ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલા ‘દેરા બાબા નાનક’ નામના ગામમાં ગુરુ નાનકદેવે ઈશ્વરનું ધ્યાન ધર્યું હતું. ઘણા લોકો આ સ્થળની યાત્રાએ આવે છે. શ્રી હરગોવિંદપુર નગર ગુરુ અરજણદેવે વસાવ્યું હતું. મુઘલ સૈન્યો સામે 17,000 શીખો શહીદ થયા હતા. તેની યાદમાં આ નગરમાં ‘શહીદી ગુરુદ્વારા દમદામા સાહિબ’ બાંધવામાં આવેલ છે.

ગુરદાસપુર (શહેર) : ગુરદાસપુર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 32° 10´ ઉ. અ. અને 75° 24´ પૂ. રે. તે જિલ્લાની મધ્યમાં અમૃતસરને પઠાણકોટ સાથે જોડતા ધોરી માર્ગ પર અમૃતસરથી આશરે 71 કિમી. દૂર ઈશાનમાં અને પઠાણકોટથી નૈર્ઋત્યમાં 59 કિમી.ને અંતરે આવેલું છે. અહીંનું ગુરુદ્વારા ઐતિહાસિક મહત્વ ધરાવતા જુલા મહલ ખાતે આવેલું છે. તેની દીવાલમાં એક એવી ખાસિયત છે કે તેને ધક્કો લગાવવાથી તે પાયામાંથી ઉપર સુધી હલે છે. આ વિશિષ્ટતા માટેની લોકવાયકા એવી છે કે જ્યારે આ સ્થાનકનું બાંધકામ ચાલતું હતું ત્યારે ગુરુ નાનકે તેની મુલાકાત લીધેલી; તે વખતે કડિયાએ એવી બડાશ મારેલી કે દીવાલ ખૂબ જ મજબૂત બનાવી છે. ગુરુ નાનક તેની પર ચઢ્યા ત્યારે તે હાલવા માંડી. તે વખતના ગુરુ નાનકના દીવાલ પરના પગલાની છાપ જાળવી રાખવામાં આવેલી છે. આ ઉપરાંત આ શહેર ખાતે મહારાજા રણજિતસિંહના પુત્ર રાજા શેરસિંહે બનાવેલો રંગમહેલ આવેલો છે, પરંતુ આજે તેનું ખંડિયેર માત્ર જોવા મળે છે.

બીજલ પરમાર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ