ગુરુ (ગ્રહ) : સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. ઈ. સ. 1609માં ગૅલિલિયોએ સૌપ્રથમ દૂરબીનથી ગુરુનાં અવલોકન લીધાં હતાં. ત્યારબાદ ચારસો વર્ષમાં વધારે વધારે વિભેદનશક્તિ ધરાવતાં દૂરબીનો દ્વારા ગુરુના ગ્રહની માહિતી મેળવવામાં આવી છે. 1972થી 1977 દરમિયાન ચાર અવકાશયાનો આંતરગ્રહીય મહાયાત્રા (grand tour) માટે પ્રક્ષેપિત કરવામાં આવેલાં. તેમાં પાયોનિયર–10 યાન 3 માર્ચ 1972ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલું. તે ગુરુના ગ્રહની નજીકથી ડિસેમ્બર 1973માં પસાર થયું હતું, પાયોનિયર–11 યાન 6 એપ્રિલ 1973ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલું. તે ગુરુ નજીકથી ડિસેમ્બર 1974માં પસાર થયેલ. વૉયેજર–1 યાન 20 ઑગસ્ટ 1977ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલ. તે ગુરુ નજીકથી માર્ચ 1979માં પસાર થયેલ. વૉયેજર–2 યાન 5 સપ્ટેમ્બર 1977ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલ. તે ગુરુ નજીકથી જુલાઈ 1979માં પસાર થયેલ. આ યાનોને ગુરુના ગ્રહ, તેના ઉપગ્રહો, તેના વાતાવરણ વગેરેની અનેક તસવીરો મોકલી હતી.

ગુરુ (ગ્રહ)

તે પછી ગુરુના ગ્રહ અને તેના ઉપગ્રહોના નજીકથી અવલોકન લેવા માટે 18 ઑક્ટોબર 1989ના રોજ અમેરિકા અને જર્મનીના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરાયેલું ‘ગૅલિલિયો’ નામનું યાન પ્રક્ષેપિત કરાયેલ હતું. તે 1995માં ગુરુના ગ્રહ નજીક પહોંચ્યું હતું. જુલાઈ 1995 તે યાનમાંથી ઉપકરણયુક્ત અન્વેષક (probe) ગુરુના વાતાવરણમાં ઉતારવામાં આવ્યું. ત્યારબાદ ડિસેમ્બર 1985માં ‘ગૅલિલિયો’ને ગુરુની પ્રદક્ષિણા ફરતું કરવામાં આવ્યું હતું.

આ બધાં અવકાશયાનોએ ગુરુના ગ્રહ, તેના ઉપગ્રહો અને તેના વાતાવરણ અંગે સચોટ માહીતિ આપી હતી. સૂર્યથી અંતરના ક્રમે જોતાં ગુરુ પાંચમો ગ્રહ છે. પૃથ્વી ઉપરથી જોતાં તેના બિંબનો સરેરાશ વ્યાસ 47 વિકળા જેવડો દેખાય છે. તે શુક્રના કરતાં ઓછો; પરંતુ સૌથી તેજસ્વી દેખાતા તારક વ્યાધ-લુબ્ધક(Sirius)ના કરતાં વધારે તેજસ્વી દેખાય છે. ભ્રમણકક્ષામાં પૃથ્વીથી વધુમાં વધુ નજદીક હોય ત્યારે તેનો તેજવર્ગ – 2.5 થાય છે. સૂર્યથી તેનું સરેરાશ અંતર 5.2 A. U. (1 એસ્ટ્રૉનૉમિકલ યુનિટના લગભગ 77.9 કરોડ કિમી.) છે અને સૂર્ય – ગુરુ મહત્તમ અને લઘુતમ અંતર વચ્ચે 7.6 કરોડ કિમી. જેટલો તફાવત રહે છે. તેનું ભ્રમણતલ ક્રાંતિવૃત્ત સાથે 1° 18´ જેટલો ખૂણો રચે છે, તેનો કક્ષીય વેગ 13.1 કિમી./સેકન્ડ અને સૂર્યપરિભ્રમણકાળ 11 વર્ષ 10 માસ 9.6 દિવસ છે. તેનું કદ પૃથ્વીના કરતાં 1,317 ગણું અને વજન 318.4 ગણું છે જે સૂર્યના કરતાં લગભગ એક હજારમા ભાગનું છે. તેની સરેરાશ ઘનતા 1.34 ગ્રામ/સેમી3 છે, અને તેનો અક્ષભ્રમણકાળ લગભગ 9 કલાક 55 મિનિટ – બાહ્યગ્રહોમાં સૌથી ઓછો – હોવાને કારણે તે સ્પષ્ટપણે ચપટો દેખાય છે; તેની વિષુવવૃત્તીય અને ધ્રુવીય ત્રિજ્યા અનુક્રમે 71,350 કિમી. અને 66,770 કિમી. છે. તેના વિષુવવૃત્ત અને ભ્રમણતલ વચ્ચે 3° જેટલો નાનો કોણ રચાતો હોવાથી ગુરુના વર્ષ દરમિયાન ઋતુચક્ર જેવું નોંધપાત્ર પરિવર્તન દેખાતું નથી. ક્ષેત્રકલન સમયે ગુરુ 12° જેવડો કલાકોણ રચે છે એટલે પૃથ્વી ઉપરથી જોતાં તેનું બિંબ લગભગ પૂરેપૂરું દેખાય છે. તેનું દ્રવ્યમાન 1.9 × 1030 ગ્રામ જેટલું હોવાને કારણે તેની શ્ય સપાટી ઉપર સરેરાશ ગુરુત્વીય પ્રવેગ 26 મીટર/સેકન્ડ2 જેટલો થાય છે; પરંતુ તેની મોટી ત્રિજ્યા અને ઝડપી અક્ષભ્રમણને કારણે વિષુવવૃત્ત ઉપર લાગતું કેન્દ્રત્યાગી (centrifugal) બળ 2.25 કિગ્રા. મી/સેકન્ડ2 હોઈ, તેનો અસરકર્તા ગુરુત્વીય પ્રવેગ લગભગ 24 મી/સેકન્ડ2 જેટલો થાય છે. ગુરુ ઉપરથી અવકાશમાં જવા માટેનો જરૂરી વિમોચનવેગ 59.5 કિમી./સેકન્ડ છે, તેથી તે પોતાના વાતાવરણમાં હાઇડ્રોજન જેવા હલકા વાયુને પણ જાળવી શક્યો છે. આ રીતે જોતાં સૌર મંડળની ઉત્પત્તિના આદિકાળનું વાતાવરણ તે જાળવી શક્યો છે. સૂર્યની જેમ ગુરુમાં પણ હીલિયમ કરતાં હાઇડ્રોજનનું પ્રમાણ 10 ગણું વધારે જણાય છે. ગુરુનું વાતાવરણ લગભગ 2000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તેમાં 82 % હાઇડ્રોજન, 17 % હીલિયમ જ્યારે બાકીના બે ટકામાં મિથેન, એમોનિયા વગેરે વાયુઓ છે.

સામાન્ય કદના ટેલિસ્કોપમાંથી જોતાં ગુરુના બિંબ ઉપર વિષુવવૃત્તને સમાંતર રતાશ પડતા બદામી રંગના પટ્ટાઓ અને વચ્ચે દૂધિયા બદામી રંગના પહોળા વિભાગો જણાય છે. આ વિભાગો મુખ્યત્વે કરીને, ઊંચે ચડતા પ્રવાહો સાથે દેખાતા ઘનરૂપ એમોનિયાના તંતુવાદળ (cirrus) છે; જેમનું તાપમાન 164 K કરતાં ઓછું હોય છે. હાઇડ્રોજન તેમજ હીલિયમ ઉપરાંત ગુરુના વાતાવરણમાં ઉપરના સ્તરોએ એમોનિયા (NH3), મિથેન (CH4), પાણી (H2O), એસિટિલીન(C2H2), ઇથેન (C2H6), હાઇડ્રોજન સાઇનાઇડ(HCN), કાર્બન મૉનોક્સાઇડ (CO), કાર્બન ડાયૉક્સાઇડ (CO2), એમોનિયમ હાઇડ્રોસલ્ફાઇડ (NH4SH), ફૉસ્ફિન (PH3) અને જર્મેન(GeH4)ની હાજરી જોવા મળે છે. વાદળ ટોચનું તાપમાન લગભગ 125 K જણાયું છે; વાતાવરણના ઉપલા ભાગમાં 2.5 K / કિમી.ના દરે તાપમાન વધતું જાય છે. ઉપલાં વાદળોની વચ્ચે પડતી ખાલી જગ્યામાંથી નજરે ચડતા છેક નીચેના ભાગમાં હાઇડ્રોજનને કારણે ભૂરો રંગ, પછી ઊંચાઈ સાથે ઉપર તરફના સ્તરોમાં બદામી, ત્યારબાદ સફેદ અને ઉપરની સપાટી પાસે લાલ રંગ દેખાય છે. રંગ માટે ગંધક તત્વ અને તેનાં સંયોજનો કારણભૂત છે, તેમજ NH3 અને H2Sના NH3 સંયોજન NH4SHનું પણ યોગદાન રહે છે. આયનો, શક્તિશાળી ફોટૉન, વીજભાર તેમજ ઊર્ધ્વગામી ગતિ વગેરેમાં વધારો થતાં રંગદ્રવ્યોમાં નોંધપાત્ર વધારો જણાય છે. વૉયેજર –1 અને –2 અંતરીક્ષયાનોએ બતાવ્યું છે કે ગુરુ-વાતાવરણમાં વાદળના પટ્ટાઓ અને વિભાગોની વચ્ચેના ભાગમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં પવનો વાતા રહે છે; પૂર્વ દિશાના પવનનો મહત્તમ વેગ 450 કિમી./કલાક, 23° ઉત્તર અને 7° દક્ષિણ અક્ષાંશે જોવામાં આવેલ છે. ગુરુના વાતાવરણમાં વિવિધ સ્તરે દબાણ, ઘનતા, તાપમાન અને દ્રવ્યમાનનાં મૂલ્યો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યાં મુજબનાં છે :

ગુરુવાતાવરણમાંના નોંધપાત્ર વિભાગો

ગુણધર્મ મૂલ્ય
આંશિક ત્રિજ્યા

10.0 વાતાવરણની

બાહ્ય સપાટી

7.6 1.5 0 (ગ્રહકેન્દ્ર)
દબાણ (પૃથ્વીનું

વાતાવરણ  = 1)

1 30 લાખ 4.2 કરોડ 8 કરોડ
ઘનતા,

ગ્રામ / સેમી3

2 × 104 1.1/1.2 4.4/15 20
તાપમાન K 165 10,000 20,000 25,000
આંશિક દ્રવ્યમાન % 100 77 8 0

આંશિક ત્રિજ્યા 76 % એ, એટલે કે વાતાવરણની બાહ્યસપાટીથી લગભગ 17,000 કિમી. નીચે તાપમાન લગભગ 10,000 K થાય છે અને દબાણ પૃથ્વીના વાતાવરણ કરતાં 30 લાખ ગણું થતાં હાઇડ્રોજનનું ધાત્વીય હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે, જ્યારે આંશિક ત્રિજ્યા 15 % જેટલી એટલે કે ગ્રહકેન્દ્રથી લગભગ 11,000 કિમી. ત્રિજ્યાએથી ખડકોનાં મૂળતત્વોથી બંધાયેલ તરલ ઘનકેન્દ્ર ભાગનો વિભાગ છે, વાતાવરણના અતિશય દબાણને કારણે તરલ અર્થાત્ પ્રવાહી રૂપે હાઇડ્રોજન હોવો જોઈએ. પ્રવાહી ધાતુના રૂપમાં હાઇડ્રોજન અતિવાહક (super conductor) બની જાય છે. પૃથ્વી પર અતિવાહક હાઇડ્રોજન તૈયાર કરવો અશક્ય છે. જેમાં પૃથ્વી કરતાં લગભગ 25 ગણું દ્રવ્યમાન સમાયેલું જણાય છે.

ધાત્વીય તરલ હાઇડ્રોજનની હાજરી અને ઝડપી અક્ષભ્રમણને કારણે પૃથ્વીના કરતાં 15 ગણો વધારે શક્તિશાળી અને લગભગ 65 કરોડ કિમી. પર્યન્ત વિસ્તરેલો મૅગ્નેટોસ્ફિયર ગુરુની આસપાસ જોવા મળે છે. ગુરુના આ મહાશક્તિશાળી મૅગ્નેટોસ્ફિયરની અસર તેના સૌથી નજદીકના ગૅલેલિયન ઉપગ્રહ આયો (IO) ઉપર તો થાય છે જ; પરંતુ છેક શનિના મૅગ્નેટોસ્ફિયર ઉપર પણ થાય છે. ગુરુને પોતાનું સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર છે તે સૌરમંડળમાં સૌથી વધુ શક્તિશાળી છે.

ગુરુઉત્સર્જિત રેડિયો-વિકિરણો વિશેની જાણકારી આપણને 1955 પછીના ચાર દાયકામાં સાંપડી છે. ગુરુના ચુંબકીય ક્ષેત્રના સીમિત વિસ્તારમાં ઇલેક્ટ્રૉન, પ્રોટૉન તેમજ ઉપગ્રહ આયો ઉપરના સક્રિય જ્વાળામુખી દ્વારા ઉત્સર્જિત ધાત્વીય આયનો વગેરે વિદ્યુતભારયુક્ત કણો પકડાઈ જાય છે. આ ક્રિયાને કારણે પૃથ્વી ઉપરના વાનઍલન પટ્ટાઓ જેવા; પરંતુ પ્રચંડ વિકિરણી પટ્ટાઓ ગુરુ ઉપર પેદા થાય છે, જેનો વ્યાપ ગુરુના નિકટતમ 6 ઉપગ્રહોની ભ્રમણકક્ષાને આવરી લે છે. એ પટ્ટાઓમાંથી લાક્ષણિક સમયાંતરે રેડિયો વિકિરણો ઉત્સર્જિત થાય છે. 9 ક., 55 મિ., 29.7 સેકન્ડનો રેડિયો-આવર્તનકાળ દર્શાવે છે કે ગુરુનો અંતર્ભાગ બાહ્યાવરણના કરતાં 13 સેકન્ડ જેટલું વહેલું અક્ષભ્રમણ પૂરું કરે છે.

ગુરુ ત્રણ વિશિષ્ટ પ્રકારનાં રેડિયો વિકિરણોનું ઉત્સર્જન કરે છે : 100 – 130 K તાપમાન ધરાવતા ઉચ્ચ સ્ટ્રેટોસ્ફિયરમાંથી 10 સેમી. કરતાં નાનાં ઉષ્મીય વિકિરણો ઉદભવે છે તેમજ પ્રચંડ વિકિરણી પટ્ટાઓમાંના ઇલેક્ટ્રૉન દ્વારા ઉત્સર્જિત સમકાલીય (synchronous) સીન્ક્રોટ્રૉન વિકિરણમાં 3-70 સેમી. તરંગલંબાઈના રેડિયો તરંગ પેદા થાય છે. 8 મીટર કરતાં મોટા છૂટાછવાયા (sporadic) રેડિયો ઘોંઘાટ – ‘સ્ટૉર્મ્સ’નો ઉદભવ ગુરુના ચુંબકીય ધ્રુવ પાસે સર્પિલ કક્ષાઓમાં ઘૂમતા ગાઇશે આવૃત્તિયુક્ત ઇલેક્ટ્રૉનને કારણે થાય છે. પૃથ્વી ઉપરથી જોતાં ઉપગ્રહ – આયોનાં ગુરુ-કેન્દ્રી સ્થાન જ્યારે લગભગ 66° અને 87° થાય છે ત્યારે 8-30 MHz આવૃત્તિના રેડિયો-વિકિરણોનાં અલ્પસ્થાયી રેડિયો-પ્રસ્ફોટ (bursts) પેદા થતા જણાય છે, જે દર્શાવે છે કે આ પ્રસ્ફોટનો સ્રોત આયોના પ્લાઝમા વૃત્તવલય(torus)માંનાં ઇલેક્ટ્રૉન છે.

ગુરુના અંતરાલમાં તાપમાન વધીને 25,000 K જેટલું થાય છે, જે હાઇડ્રોજનને હીલિયમમાં રૂપાંતર કરતા પરમાણ્વિક સંગલન (fusion) પ્રક્રિયાને શરૂ થવા માટેના જરૂરી તાપમાન 1,00,00,000 K કરતાં ઘણું ઓછું છે; જો આટલું ઊંચું તાપમાન ગયું હોત તો ગુરુ આપણા સૂર્યનો જોડિયો તારક બની ગયો હોત; પરંતુ એકત્રિત થયેલી અંતરાલી ઊર્જાને કારણે સૂર્યમાંથી આપાત થતી ઊર્જા કરતાં 1.66 ગણી ઇન્ફ્રા-રેડ વિકિરણી ઊર્જા ઉત્સર્જિત થાય છે. ગુરુની રચના થયાને આજે લગભગ 4.6 અબજ વર્ષ થયાં છે. પ્રારંભિક કાળમાં ગુરુની તેજસ્વિતા અત્યારના કરતાં 10,000 ગણી વધારે હતી, તેમજ તેની આસપાસ તાપમાનપ્રવણતા (gradient) પણ ઘણી વધારે હતી. વળી, આ સમયગાળામાં ઉપગ્રહોનું સર્જન થઈ રહ્યું હતું, જેને કારણે ગુરુના ઉપગ્રહોમાં આજે જોવા મળતી લાક્ષણિક વિભિન્નતાઓ ત્યારથી જ પેદા થઈ હતી.

ગુરુના ઉપગ્રહો : ઈ. સ. 1610માં મહાન ખગોળશાસ્ત્રી ગૅલિલિયોએ ગુરુના ચાર મુખ્ય ઉપગ્રહો (Galilean Satellites) શોધી કાઢ્યા હતા. સમગ્ર સૌરમંડળમાં જેમ ગુરુનું સ્થાન વિશિષ્ટ છે, તેવી જ રીતે તેના ચાર ઉપગ્રહો પણ અનન્ય અને આશ્ચર્યસભર છે. ઈ. સ. 1978માં વૉયેજર 1, 2 અવકાશયાનોની ગુરુની ‘ઊડતી મુલાકાત’ દરમિયાન તેના ચાર ઉપગ્રહોની થોડી તસવીરો અને અન્ય માહિતી મળી હતી; પરંતુ ડિસેમ્બર 1995થી ગુરુની પ્રદક્ષિણા કરતા ‘ગૅલિલિયો’ અવકાશયાનની મદદથી અત્યંત નજીકથી તેના ચાર ઉપગ્રહોની સ્પષ્ટ તસવીરો તથા અન્ય માહિતી મળી છે. ખાસ નોંધવું જોઈએ કે ‘ગૅલિલિયો’ યાનની કક્ષા ગુરુના વિશાળ ચુંબકમંડળના અત્યંત હાનિકારક વિ-કિરણ પટ્ટામાંથી પસાર થતી હતી. તેમ છતાં તેના કૅમેરા તથા મોટા ભાગનાં વીજાણુ-સાધનોએ સારી રીતે કાર્ય કર્યું હતું. ગુરુના ચાર ઉપગ્રહો અંગેની મુખ્ય માહિતી નીચે પ્રમાણે છે :

આયો : ગુરુના ચાર મુખ્ય ઉપગ્રહોમાં આયો ચંદ્રથી થોડો મોટો છે. તેની કક્ષા ગુરુની સૌથી નજીક છે. સૌરમંડળમાં કોઈ પણ ગ્રહના ઉપગ્રહને તેનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી; પરંતુ આયોને તેનું સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આયો ઉપર સંખ્યાબંધ સક્રિય જ્વાળામુખી છે. આયોની સપાટી લાવાને લીધે સતત બદલાયા કરે છે અને તેથી તેની સપાટી ઉપર કોઈ પણ ઉલ્કા-ગર્ત દેખાતા નથી. ગરમ લાવારસના ગંધકયુક્ત રસાયણને લીધે આયો લાલ-પીળા રંગનો દેખાય છે. ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણના ખેંચાણને લીધે થતી ભરતી જેવી પ્રક્રિયાથી આયોના જ્વાળામુખી સક્રિય બને છે. ગુરુના વિકિરણ પટ્ટામાંથી પસાર થતી કક્ષામાં આયો તેની સાથે અસંખ્ય વીજકણોને ઘસડી જાય છે. ગુરુના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગિત થતા આવા ઇલેક્ટ્રૉનના ધોધને કારણે ‘સિન્ક્રોટ્રોન’ પ્રક્રિયા દ્વારા તૂટક-તૂટક ‘રેડિયો-તરંગોના વિસ્ફોટ’ સર્જાય છે. ઈ. સ. 1950માં પૃથ્વી પરથી આકસ્મિક રીતે તે અંગે શોધ થઈ હતી.

યુરોપા : આયો પછીના ક્રમે આવતો યુરોપા ચંદ્રથી થોડો નાનો છે. તેની લગભગ સમગ્ર સપાટી બરફથી છવાયેલી છે તથા થોડા ઉલ્કા-ગર્ત પણ છે. તેની સપાટીનું તાપમાન–170° સે. જેટલું ઠંડું છે. તેની સપાટી પરના બરફમાં હજારો કિમી. લાંબી તિરાડો પડેલી દેખાય છે, જ્યારે બરફની નીચે પાણીનો વિશાળ સાગર હોવાની શક્યતા છે. ભરતી જેવી પ્રક્રિયાને કારણે એ પાણીનું તાપમાન ઊંચું હોવાનું માનવામાં આવે છે, તથા તેમાં પ્રાથમિક કક્ષાની જીવ-સૃષ્ટિની સંભાવના હોવાની પણ શક્યતા છે. યુરોપાના કેન્દ્રમાં ખડકોનો ગર્ભ હોવાનું માનવામાં આવે છે.

ગેનિમિડ : સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ ‘ગેનિમિડ’ મંગળ ગ્રહથી થોડો નાનો છે. તેની બરફયુક્ત સપાટી ઉપર સંખ્યાબંધ ઉલ્કા-ગર્ત દેખાય છે. આમ, ભૂસ્તરીય ર્દષ્ટિએ ‘ગેનિમિડ’ લગભગ નિષ્ક્રિય છે. ‘ગૅલિલિયો’ અવકાશયાન દ્વારા મળેલી આશ્ચર્યજનક માહિતી એ છે કે ગેનિમિડને પણ તેનું સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર છે. એમ માનવામાં આવે છે કે તેની સપાટી પરના બરફના સેંકડો કિમી. જાડા સ્તરની નીચે કોઈ સુવાહક પ્રવાહી ગર્ભ હોવો જોઈએ, જેની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, કદાચ પીગળેલા લોહનો ગર્ભ અથવા ક્ષારયુક્ત પાણી પણ હોઈ શકે.

કેલિસ્ટો : ગુરુના ચાર મુખ્ય ઉપગ્રહોમાં કેલિસ્ટોની કક્ષા ગુરુથી સૌથી દૂર છે. કેલિસ્ટો બુધ ગ્રહથી થોડો નાનો છે. તેની સંપૂર્ણ સપાટી ઉલ્કા-ગર્તોથી ખીચોખીચ ભરેલી છે. કેટલાક ઉલ્કા-ગર્તોની લાંબી હાર પણ દેખાય છે. ત્યારબાદ અવકાશી અન્વેષણોના પરિણામે આજ સુધીમાં ગુરુના ગ્રહના 63 ઉપગ્રહો શોધાયા છે. સંભવ છે તેમાંના મોટા ભાગના ગુરુના પ્રચંડ ગુરુત્વાકર્ષણના લીધે પકડાયેલા લઘુગ્રહો હોઈ શકે.

ગુરુનું વિરાટ રક્તલાંછન (great red-spot) : ગુરુના વાતાવરણમાંના ઉપલા સ્તરોમાં ટૂંક સમય સુધી દેખાતાં ચિહનો તો અનેક છે અને વૈવિધ્યપૂર્ણ જણાય છે; પરંતુ કેટલાંક ચિહનો લગભગ કાયમી જણાય છે, જેમાંનાં કેટલાંક દાયકાઓ, તો કેટલાંક સદીઓ સુધી કાયમ દેખા દે છે. આજથી લગભગ 300 વર્ષ પૂર્વે ખગોળશાસ્ત્રી કેસિનીએ ગુરુનું વિરાટ રક્ત-લાંછન સૌપ્રથમ જોયાનું નોંધાયું છે. ઈ. સ. 1878થી તો તેનાં સાતત્યપૂર્ણ અવલોકનો લેવાયાં છે. તે 22° દક્ષિણે આવેલું છે અને તેનો ભ્રમણકાળ 9 કલાક, 55 મિનિટ 38 ± 6 સેકન્ડ નોંધાયો છે. સો વર્ષમાં 1878, 1879–82, 1893–94, 1903–07, 1911, 1924, 1919–20, 1926–27, 1936–37, 1961–68 અને 1973–74 એ વર્ષો દરમિયાન તેની તેજસ્વિતા નોંધપાત્ર પ્રમાણમાં વધારે જણાઈ છે, જ્યારે કેટલીક વખત તે એટલું તો ઝાંખું દેખાય છે કે દક્ષિણ ઉષ્ણ વિભાગ(south tropical zone)માં તેની બાહ્ય કિનારી જેવો આકાર નજરે ચડે છે. તેનો વ્યાપ (રેખાંશમાં) 26,000 × (અક્ષાંશમાં) 14,000 કિમી. જેટલો છે; તેના કેન્દ્રમાં વાદળો સ્થિર દેખાય છે તો તેની કિનારી ઉપર 360 કિમી./સેકન્ડ વેગથી પવન વહે છે. તે પ્રતિઘડી દિશામાં ઘૂમે છે અને 6 દિવસમાં કેન્દ્રની આસપાસનું ભ્રમણ પૂરું કરે છે. ગુરુના વાતાવરણમાંનાં આસપાસનાં વાદળો કરતાં તેની ઊંચાઈ લગભગ 16 કિમી. વધારે જોવા મળે છે, તેનો લાક્ષણિક લાલ રંગ ફૉસ્ફરસ સંયોજનોને કારણે ઉદભવે છે – જે સંયોજનો વાતાવરણની નીચેના સ્તરોમાંથી ઊર્ધ્વગામી ગતિને કારણે સતત ઉપર આવતાં રહે છે. આ અંડાકાર રક્તલાંછન પૃથ્વી કરતાં પણ મોટું છે. એકમત પ્રમાણે તે કોઈ મોટો ચક્રવાત લાગે છે. તેની ચક્રીય ગતિ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ છે. તેનાં વાદળાંમાં વીજળી પણ થાય છે.

ગુરુનું વલય : વૉયેજર યાન 1 અને 2 એ 1979–80માં ગુરુના વલયની સૌપ્રથમ તસવીર આપી તેમાં પાતળું, તેજસ્વી વલય 1.72થી 1.81 Rj વચ્ચે પથરાયેલું દેખાય છે. વલયની જાડાઈ નહિવત્ છે કારણ વલયમાંના સ્વ-પ્રકાશરહિત ટુકડાઓ 1 કિમી. કરતાં પણ નાના છે; તેમની ઉપર પાણી, એમોનિયા કે મિથેન ઠરેલાં નથી. મોટા ભાગના તો રજકણ જેવા છે જેમનો વ્યાસ 0.1થી 0.5 × 10-6 મીટર જેવડો જ છે. આ વલયની અંદરના ભાગથી શરૂ કરીને ગુરુના વાતાવરણમાંના ઉપલા સ્તરો પર્યન્ત વિસ્તરેલો, ખૂબ ઝાંખો પટ પથરાયેલો દેખાય છે. આ વલયમાંના રજકણો, ગૅલિલિયન ઉપગ્રહ આયોના સક્રિય જ્વાળામુખીઓ તેમજ વલયમાંના અન્ય ખડક-ટુકડાઓની સપાટી ઉપરથી ઊડેલા રજકણો હોવાનું મનાય છે. ગુરુનું ગુરુત્વાકર્ષણ તો એટલું પ્રચંડ છે કે કેટલાક ધૂમકેતુઓ તેનાથી ખેંચાઈને તેનું પરિભ્રમણ કરવા લાગે છે. કેટલાક તો ગુરુના ગ્રહ પર પ્રપાત પામે છે. જુલાઈ 1994માં શુમેકર-લેવી નામના ધૂમકેતુના સાત ટુકડા તેના પર પ્રપાત પામ્યા હતા.

પ્ર. દી. અંગ્રેજી