ગુમલા (Gumla) : ઝારખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 03´ ઉ. અ. અને 84° 33´ પૂ.રે.ની આજુબાજુનો 5,321 ચોકિમી.  જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાલામૌ અને લોહરદગા જિલ્લા, પૂર્વ તરફ રાંચી અને પશ્ચિમ સિંગભૂમનો થોડોક ભાગ, દક્ષિણ તરફ ઓરિસા રાજ્યનો સુંદરગઢ જિલ્લો તથા પશ્ચિમ તરફ છત્તીસગઢ રાજ્યનો રાયગઢ જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગુમલા જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

ગુમલા

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : જિલ્લાનો ઉત્તર ભાગ (તેમજ પાલામૌ જિલ્લાનો દક્ષિણ ભાગ) સપાટ શિરોભાગ ધરાવતી ઊંચી ટેકરીઓથી બનેલો છે. અહીંની સ્થાનિક ભાષામાં ‘પાટ’ તરીકે ઓળખાતી આ ટેકરીઓ લૅટરાઇટના આવરણથી આચ્છાદિત છે. તેમની સ્થાનભેદે સરેરાશ ઊંચાઈ 750થી 900 મીટર જેટલી છે, નેતરહાટ પાટ, લમિતિ પાટ અને ગલગલ પાટ પ્રમાણમાં વધુ ઊંચાઈ ધરાવે છે. નેતરહાટ પાટનો શિરોભાગ 6 કિમી. લાંબો અને 4 કિમી. પહોળો છે. રાજ્યની રાજધાની રાંચી કરતાં પણ તે ઠંડી આબોહવા ધરાવે છે.

આ જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી તે વિષમ આબોહવા ધરાવે છે. અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા હોય છે.

દક્ષિણ કોયેલ અને શંખ અહીંની મુખ્ય નદીઓ છે. કારા અને પારસ કોયેલની સહાયક નદીઓ છે.

ખેતીપશુપાલન : જંગલો ક્રમશ: સાફ કરીને વધુ ભૂમિને ખેડાણ હેઠળ લાવવામાં આવી છે. નીચાણવાળા ભાગોને સોપાન આકારમાં ફેરવીને તેમાં ડાંગરનું વાવેતર થાય છે; જ્યારે ઊંચાણવાળા ભાગોમાં, જાડા ચોખા, કઠોળ અને તેલીબિયાંના પાક લેવાય છે. અહીં ખેતી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. અન્યત્ર કૂવા અને ઝરણાંના પાણી દ્વારા સિંચાઈ અપાય છે.

ગાયો, ભેંસો, આખલા, બળદ, ઘેટાં, બકરાં અને ડુક્કર અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. સારી ગોચરભૂમિ અને પોષણને અભાવે અહીંનાં પશુઓ નાના કદનાં છે, તેથી તેમની ઓલાદ-સુધારણાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પશુ-દવાખાનાં અને ચિકિત્સાલયો ઊભાં કરાયાં છે. જિલ્લામાં ઠેકઠેકાણે મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા નથી. મીણબત્તી, બીડી, સાબુ અને લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ બનાવવાના નાના પાયા પરના એકમો કાર્યરત છે.

અહીં ગુમલા અને સીમડેગા વેપારનાં મુખ્ય કેન્દ્રો છે. અહીંથી ચોખા, શાકભાજી, ઘઉં, મહુડાનાં ફૂલ, દોરી અને મરઘીઓની નિકાસ થાય છે તથા તમાકુ, કેરોસીન, ખાંડ વગેરેની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારી રીતે વિકસેલી છે. રાંચી-ગુમલા-સીમડેગા-રુરકેલા અહીંનો મુખ્ય માર્ગ છે, તેની લંબાઈ 270 કિમી. જેટલી છે. અન્ય મુખ્ય માર્ગોમાં ગુમલા-ચૈનપુર, ગુમલા-સિસાઈ અને સીમડેગા-કુર્દેગનો સમાવેશ થાય છે. રાંચી અહીંનું નજીકનું હવાઈ મથક છે.

પ્રવાસન : વસુદેવકોરા, ચિંગરી, દેવગાંવ, નગર, બાગડેગા, નાગફેણી, પાલકોટ, રાજડેરા, રામરેખા, તૈસર અને તરાલોયા અહીંનાં પ્રવાસીમથકો છે. વર્ષના કેટલાક અગત્યના તહેવારોએ અહીં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 11,44,435 જેટલી હતી. તે પૈકી સ્ત્રી-પુરુષોનું વસ્તીપ્રમાણ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 95% અને 5% જેટલું છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. અહીં હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે, જ્યારે મુસ્લિમ, જૈન, શીખ અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ ગામડાંઓમાં 40% જેટલું છે, જ્યારે શહેરોમાં તે 75% જેટલું છે. મુખ્ય શિક્ષણ સંસ્થાઓ ગુમલા અને સિમડેગા ખાતે આવેલી છે. બાકીના વિસ્તારોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગો અને સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 2 નગરો અને 1398 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1981ના અરસામાં ગુમલા જિલ્લાનો વિસ્તાર રાંચી જિલ્લાનો એક ભાગ હતો. ત્યારબાદ ગુમલા અને સિમડેગા ઉપવિભાગોને અલગ કરીને તેનો ગુમલા જિલ્લો બનાવવામાં આવેલો છે. આથી ગુમલા જિલ્લાનો ઇતિહાસ તેના મૂળ માતૃજિલ્લા રાંચીના ઇતિહાસ સાથે સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા

શિવપ્રસાદ રાજગોર