ગુપ્ત મન્મથનાથ (જ. 1908 વારાણસી, અ. –) : ક્રાંતિકારી આંદોલનના સક્રિય સભ્ય. 1937માં એમણે પ્રકાશિત કરેલ ક્રાંતિયુગ કે સંસ્મરણમાંથી તત્કાલીન સ્વાતંત્ર્યચળવળની કેટલીક મહત્વની ઘટનાઓની જાણકારી મળે છે. એમણે ક્રાંતિકારી આંદોલનનો પ્રમાણભૂત ઇતિહાસ ‘ભારતમેં સશસ્ત્ર ક્રાંતિકારી ચેષ્ટાકા ઇતિહાસ’ 1939માં પ્રસ્તુત કર્યો હતો. ગુપ્તજીના હિંદીમાં 80 જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. કથાસાહિત્ય અને સમીક્ષાને ક્ષેત્રે એમનું વિશેષ પ્રદાન ગણાયું છે. બહતા પાની (1955) નવલકથા છે જેમાં ક્રાંતિકારીઓનાં ચરિત્ર નિરૂપાયાં છે. સમીક્ષાત્મક કૃતિ ‘પ્રેમચંદ’ (1946), ‘પ્રગતિવાવકી રૂપરેખા’ (1953) અને ‘સાહિત્ય, કલા સમીક્ષા’ (1954) વિશેષ પ્રખ્યાત થયેલ કૃતિઓ છે. કામશાસ્ત્રને લગતું એમનું પુસ્તક ‘સેક્સ પ્રભાવ’ (1946) પણ ઉલ્લેખનીય છે. છેલ્લાં વર્ષોમાં ગુપ્તજી કેન્દ્ર-સરકારના પ્રકાશન વિભાગ સાથે જોડાયેલા હતા.

પ્રવીણચંદ્ર પરીખ