ગુપ્ત, ભૂપેશ (જ. 20 ઑક્ટોબર 1914, ઇટના, જિ. મૈમેનસિંગ, બાંગ્લાદેશ; અ. 6 ઑગસ્ટ 1981, મૉસ્કો) : ભારતના અગ્રણી સામ્યવાદી કાર્યકર.

ભૂપેશ ગુપ્ત

તદ્દન નાની વયે એ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા હતા. તે સમયે બંગાળમાં ‘યુગાન્તર’ અને ‘અનુશીલન’ નામનાં બે ક્રાંતિકારી જૂથો હતાં. ભૂપેશ ગુપ્ત ‘અનુશીલન’ નામના જૂથમાં હતા. તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિના પરિણામે 1930, 1931 (બે વખત) અને 1933માં તેમની ધરપકડ થઈ હતી. વિનયન વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની પરીક્ષાઓ તેમણે અટકાયતમાં રહીને જ પાસ કરી હતી.

તેમના પિતા સાધનસંપન્ન જમીનદાર હતા. તેમણે ભૂપેશને ક્રાંતિકારીઓના પ્રભાવથી અલિપ્ત રાખવા વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલી દીધા; પરંતુ ભૂપેશ ગુપ્તએ ઇંગ્લૅન્ડમાં પણ વિદ્યાર્થી પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યો. તે દરમિયાન તે સામ્યવાદી પક્ષના સંપર્કમાં આવ્યા અને સામ્યવાદી પક્ષના જૂથમાં જોડાઈ ગયા. તેની સાથે જ બ્રિટિશ પ્રજામાં ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામની પ્રવૃત્તિના પ્રચાર માટે સ્થાપવામાં આવેલ સંગઠન ‘ઇન્ડિયા લીગ’ની પ્રવૃત્તિમાં પણ તે સક્રિય સાથ આપતા હતા.

ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા પછી ભૂપેશ સીધા ભારતીય સામ્યવાદી પક્ષની ભૂગર્ભપ્રવૃત્તિ ચલાવતા તંત્રમાં જોડાઈ ગયા.

‘સોવિયેટ મિત્ર મંડળ’ નામની સંસ્થાની સર્વપ્રથમ સ્થાપના બંગાળમાં થઈ, તેમાં જ્યોતિ બસુ સાથે રહીને ભૂપેશે મુખ્ય નેતૃત્વ આપ્યું હતું.

1942માં સામ્યવાદી પક્ષ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા પછી બંગાળમાં વિકાસ પામેલા ‘જનરક્ષા આંદોલન’માં તે આગલી હરોળમાં હતા. 1946–47માં બંગાળમાં કોમી રમખાણો થયાં ત્યારે ઉદ્દામ કાર્યકરો સાથે રહીને કોમી સદભાવ અને શાંતિ માટેની પ્રવૃત્તિ કરવામાં તે મોખરે રહ્યા હતા.

1952માં ભારતીય પ્રજાસત્તાકના નવા બંધારણ અનુસાર રાજ્યસભાની સ્થાપના કરવામાં આવી તેમાં પશ્ચિમ બંગાળના પ્રતિનિધિ તરીકે ભૂપેશ ગુપ્ત રાજ્યસભામાં ચૂંટાયા અને રાષ્ટ્રીય નેતા તરીકેનું સ્થાન પામ્યા અને મૃત્યુ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. રાજ્યસભામાં બધા જ પક્ષો તેમને અત્યંત માનની ર્દષ્ટિએ જોતા હતા.

1953માં ભારતીય સામ્યવાદી પક્ષની ત્રીજી કૉંગ્રેસ મદુરાઈમાં મળી. તેમાં ભૂપેશ કેન્દ્રીય સમિતિમાં ચૂંટાયા હતા. 1956માં તે પક્ષની સર્વોચ્ચ સમિતિ પૉલિટબ્યૂરોમાં ચૂંટાયા. તેમના અવસાન સમયે તે પક્ષના કેન્દ્રીય મંત્રીમંડળ અને રાષ્ટ્રીય પરિષદના મંત્રી હતા.

તે ભારતીય સામ્યવાદી પક્ષના કેન્દ્રીય મુખપત્ર ‘ન્યૂ એજ’ના તંત્રી હતા. ત્યાર પહેલાં તે વરસો સુધી પશ્ચિમ બંગાળના સામ્યવાદી પક્ષના મુખપત્ર ‘સ્વાધીનતા’ના તંત્રીપદે રહ્યા હતા.

ભૂપેશ ગુપ્તએ અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી હતી. 1957, 1960 અને 1969માં વિશ્વ સામ્યવાદી આંદોલનની પરિષદો અને વિશ્વશાંતિ આંદોલનની પરિષદોમાં તે હાજર રહ્યા હતા.

કારાવાસ દરમિયાન તેઓ ગળા અને કાનની વ્યાધિઓનો ભોગ બન્યા હતા અને છેલ્લે તેમને કૅન્સરનો વ્યાધિ પણ લાગુ પડ્યો હતો.

જેઠાલાલ ગાંભુકર