ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી)
February, 2011
ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી) : ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાની દીકરી અને વાકાટક રાજા રુદ્રસેન બીજાની પત્ની. એના રાજકાલના તેરમા વર્ષના પુણેના તામ્રપત્રમાં તે પોતાને યુવરાજની માતા તરીકે ઓળખાવે છે. પ્રભાવતી-રુદ્રસેનના લગ્નસંબંધથી વિંધ્ય રાજ્ય સાથે ગુપ્તોની શાહી સત્તાનું ભાગીદારીપણું અને દક્ષિણ ભારતમાં ગુપ્તોને પ્રાપ્ત થયેલી સત્તાવિસ્તારની તક ધ્યાનાર્હ છે. આ લગ્નસંબંધ વાકાટક વંશના ઇતિહાસમાં સીમાચિહનરૂપ બન્યો.
વાકાટક રાજા પૃથ્વીસેન પહેલાનો પુત્ર રુદ્રસેન બીજો યુવાનવયે અવસાન પામ્યો ત્યારે એને ત્રણ સગીર પુત્રો હતા; દિવાકરસેન, દામોદરસેન અને પ્રવરસેન. આથી પ્રભાવતીએ સગીરના વાલી તરીકે યુવરાજની રાજમાતા તરીકે તેર વર્ષ સુધી શક્તિસંપન્ન સ્ત્રી તરીકે રાજશાસન સંભાળ્યું. એના અભિલેખોમાં પિતૃપક્ષ અને શ્વશુર પક્ષ ઉભયના ગૌરવનું પ્રતિબિંબ પડે છે. પ્રભાવતીના પ્રભાવ હેઠળ રુદ્રસેન વિષ્ણુનો ભક્ત બનેલો.
રસેશ જમીનદાર