ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી)

February, 2011

ગુણરત્નગણિ (આશરે સત્તરમી સદી) : ગુજરાત-રાજસ્થાનના ખરતરગચ્છના વિનયસમુદ્રગણિના શિષ્ય, ‘વાચનાચાર્ય’ પદવી ધારણ કરનાર અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ‘સારદીપિકા’ નામે ટીકાના રચયિતા. તે જૈન હોવા છતાં આચાર્ય હેમચન્દ્ર કે અન્ય જૈન આચાર્યોને અનુસરતા નથી. પણ જે તે મુદ્દા ઉપર સ્વતંત્ર અભિપ્રાયો આપે છે. આમ છતાં તેમની કાવ્યપ્રકાશટીકા ઉપર ‘બાલચિત્તાનુરંજની’ અને ‘સારબોધિની’ ટીકાઓનો ઘેરો પ્રભાવ છે. નરસિંહ ઠક્કુર, પરમાનંદ ચક્રવર્તી તથા ભીમસેન દીક્ષિત તેમના વૃદ્ધ સમકાલીનો હતા. આ સિવાય તે અન્ય આલંકારિકો અને પુરોગામી ટીકાકારોથી સુપરિચિત છે. તેમની ‘સારદીપિકા’ ટીકાનું સમીક્ષિત સંપાદન ડૉ. તપસ્વી નાન્દીએ કર્યું છે.

તપસ્વી નાન્દી