ગુણમતિ : ગુપ્તયુગના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ. સ્થિરમતિ અને ગુણમતિ નામના બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ ગુપ્તયુગમાં વલભી અને નાલંદામાં થઈ ગયા. સ્થિરમતિ અસંગ નામના વિદ્વાન બૌદ્ધ ભિક્ષુના અને ગુણમતિ એવા જ વસુબંધુના શિષ્ય હતા. પ્રખ્યાત ચીની યાત્રી યુ અન શાંગ સાતમી સદીમાં છેક વલભી સુધી આવેલા. તેમણે પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ લીધી છે કે આ બે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુઓ વલભી નજીકમાં રહી ગયા હતા. સ્થિરમતિએ महायान मार्गप्रवेशिकाનો ગ્રંથ લખેલો તેનો ચીની અનુવાદ ઈ. સ. 397–429 વચ્ચે કરવામાં આવેલો, જ્યારે ગુણમતિના લખેલા लक्षणानुसारशास्त्रનો અનુવાદ ઈ. સ. 560માં થયેલો. હજી વલભીમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તા હતી ત્યારે આ બંને વિદ્વાનો વલભીમાં હતા અને અચલે બંધાવેલા વિહારમાં લાંબો સમય રહ્યા હતા અને ગ્રંથોની રચના કરી હતી. સ્થિરમતિના બંધાવેલા બૌદ્ધ વિહારને શીલાદિત્ય ત્રીજાએ ઈ. સ. 662માં દાન આપ્યું હતું.

મૈત્રકોની સત્તા હજી નહોતી આવી તે પૂર્વે ઈ. સ. 400 આસપાસ સ્થિરમતિ અને ગુણમતિ બંને વલભી વિદ્યાપીઠમાં અધ્યાપકો હતા. નાલંદા વિદ્યાપીઠમાં એમણે અનેક વિદ્યાર્થીઓને બૌદ્ધશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો હતો. એ બંને ક્યાંના હતા એ જાણવામાં આવ્યું નથી પણ વલભી અને નાલંદા એ બેઉની કર્મભૂમિ હતી એ નોંધપાત્ર છે. એમણે વિજ્ઞાનવાદ-યોગાચારવાદનો પ્રચાર કરેલો એ પરંપરા મૈત્રકકાલ સુધી અવિચ્છિન્ન ચાલુ હતી.

કે. કા. શાસ્ત્રી