ગુણવિષ્ણુ : છાન્દોગ્યમંત્રભાષ્ય ગ્રંથના કર્તા. આ છાન્દોગ્ય ઉપનિષદ પરનું ભાષ્ય નથી; પરંતુ સામવેદની કૌથુમ શાખાના મંત્રો પરનું ભાષ્ય છે. આમાંના મોટા ભાગના મંત્રો સામવેદના મંત્ર બ્રાહ્મણમાં મળી આવે છે. જે મંત્રો નથી મળતા તે માટે આ ગ્રંથના સંપાદક શ્રી દુર્ગમોહન ભટ્ટાચાર્યનો મત છે કે એ કોઈ લુપ્ત સામમંત્રો હશે. ગુણવિષ્ણુ બંગાળ અથવા મિથિલાના કોઈ ભાગના રહેવાસી હોવાની સંભાવના છે કારણ તેમના ગ્રંથનો પ્રચાર તે પ્રદેશમાં સવિશેષ રહ્યો છે. હલાયુધમાં ગુણવિષ્ણુના ગ્રંથનો ઉપયોગ થયો છે. અને સાયણાચાર્યના ભાષ્યમાં અનેક સ્થળે ગુણવિષ્ણુના ભાષ્યને શબ્દશ: મળતાં વ્યાખ્યાનો છે. આથી દુર્ગમોહન ભટ્ટાચાર્યનું અનુમાન છે કે ગુણવિષ્ણુ સાયણાચાર્યની પહેલાં એટલે લગભગ ઈ.સ.ની બારમી શતાબ્દીના અંતભાગમાં સંભવી શકે. તે તેને મહારાજ બલ્લાલસેન અને લક્ષ્મણસેનના સભાપંડિત માનવા પ્રેરાય છે. હાઇનરિશ સ્ટોન્નર તેમનો સમય ઈ.સ.ની ચૌદમી શતાબ્દી હોવાનું માને છે. છાન્દોગ્યમંત્રભાષ્ય ઉપરાંત ગુણવિષ્ણુએ મંત્રબ્રાહ્મણ અને પારસ્કરગૃહ્ય સૂત્ર ઉપર પણ ભાષ્ય લખ્યું છે એવા નિર્દેશો મળે છે.

ગૌતમ પટેલ