ગુજરાત સભા : ગુજરાતની તમામ રાજદ્વારી પ્રવૃત્તિ ચલાવવા માટે 1884માં અમદાવાદમાં સ્થાપવામાં આવેલી સંસ્થા. અમદાવાદના જાણીતા વકીલો ગોવિંદરાવ આપાજી પાટીલ, શિવાભાઈ મોતીભાઈ પટેલ અને ડૉ. જોસેફ બેન્જામિન વરસો સુધી તેના મંત્રીઓ હતા. આ સભા લોકોની મુશ્કેલીઓ વિશે સરકારને અરજીઓ કરી ફરિયાદ કરવાનું કામ કરતી. આ સંસ્થાની સ્થાપનામાં અમદાવાદના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વકીલો, કેળવણીકારો વગેરેનો ફાળો હતો. જાણીતા સમાજસુધારક, વકીલ અને સાહિત્યકાર સર રમણભાઈ નીલકંઠ તથા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલ આ સંસ્થાના આગેવાનો હતા. 1884થી 1888 દરમિયાન ગુજરાત સભા દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી દ્વારા શિક્ષિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય, તે માટે સહી-ઝુંબેશ કરવામાં આવી હતી. ગુજરાત સભાના ઘણાખરા સભ્યો કૉંગ્રેસના મવાળજૂથના ટેકેદારો હતા. રાજકીય પ્રવૃત્તિ ઉપરાંત, ગુજરાત સભાએ અમદાવાદ મિલમજૂરો માટે રાત્રિવર્ગો શરૂ કર્યા હતા. ઉપરાંત ગોખલે સોસાયટી અને દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની સ્થાપના પણ કરી હતી. ગુજરાત સભાની પ્રવૃત્તિ હાલની ગુજરાત ક્લબના મકાનમાં થતી. સને 1916માં મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદનું અધિવેશન જનાબ ઝીણાના પ્રમુખપદે અમદાવાદમાં મળ્યું. તેની બધી તૈયારીઓ ગુજરાત સભાએ જ કરેલી. ચંપારણના વિજય પછી સને 1917માં ગુજરાત સભાએ ગાંધીજીને પ્રમુખપદે નીમ્યા. ગાંધીજી પ્રમુખપદે આવ્યા પછી, ગુજરાત સભાએ દર વર્ષે ગુજરાતમાં રાજકીય પરિષદ ભરવાનો વિચાર કર્યો. તે મુજબ ગુજરાત રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન 1917માં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભરવામાં આવ્યું. પંચમહાલના આગેવાનો મણિલાલ મહેતા તથા વામનરાવ મુકાદમની ઇચ્છાથી તેનું પ્રમુખસ્થાન ગાંધીજીએ સ્વીકાર્યું. તેના મંત્રી તરીકે વલ્લભભાઈ પટેલ ચૂંટાયા હતા. ગાંધીજી અને વલ્લભભાઈ જેવા બે મહારથીઓના હાથમાં ગુજરાત સભાનું સુકાન આવતાં ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિમાં વેગ આવ્યો. આ પરિષદથી ગુજરાતના રાજકીય જીવનમાં એક નવા યુગની શરૂઆત થઈ. વળી અત્યાર સુધી ગુજરાત સભા જે વિનીત ઢબથી કામ કરતી હતી તેના બદલે આ નવા સુકાનીઓ હેઠળ એણે એક જુસ્સાદાર નવી પદ્ધતિથી કામ કરવાનું શરૂ કર્યું. વળી આ પરિષદ ગાંધીજીના વિચારો પ્રજા સમક્ષ રજૂ કરવા માટેનું માધ્યમ પણ બની.
ગોધરાની આ પ્રથમ ગુજરાત રાજકીય પરિષદ અનેક રીતે અજોડ બની રહી. પરિષદને સફળ બનાવવામાં પંચમહાલના આગેવાનો મણિલાલ મહેતા અને વામનરાવ મુકાદમે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ ગુજરાતની રાજકીય પરિષદ હોવા છતાં તેમાં બીજા પ્રાંતોમાંથી પણ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. મુંબઈ પ્રાંતમાંથી ઝીણા, લોકમાન્ય ટિળક વગેરે અને અમદાવાદથી શેઠ મંગળદાસ ગિરધરદાસ, રમણભાઈ નીલકંઠ, વલ્લભભાઈ પટેલ, ગ. વા. માવળંકર, વડોદરાથી ડૉ. સુમંત મહેતા, શારદાબહેન તથા અબ્બાસ તૈયબજી વગેરે આવ્યાં હતાં. પરિષદની શરૂઆત ‘ગુણવંતી ગુજરાત’, ‘વંદે માતરમ્’ અને પરિષદના પ્રમુખ ગાંધીજી માટેના સ્વાગતગીતથી થઈ હતી.
અત્યાર સુધી આ સભાનાં અધિવેશનોમાં બધી કાર્યવાહી અંગ્રેજીમાં થતી. તેથી સામાન્યજન તેમાં પ્રત્યક્ષ રીતે રસ ધરાવતો ન હતો. પ્રજા પણ તેમને લગતી બાબતો સાથે સક્રિય રીતે સંકળાય તેવા શુભ હેતુથી પ્રમુખ તરીકે ગાંધીજીએ પરિષદની કાર્યવાહી ગુજરાતી ભાષામાં જ ચલાવવાનો નિર્ણય કર્યો. તેથી ગ્રામવિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પરિષદમાં આવ્યા. હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક ગણાતા ઝીણાએ પણ ગુજરાતમાં (કદાચ જિંદગીમાં પ્રથમ વાર) ભાષણ આપ્યું તેને સરોજિની નાયડુએ ગાંધીજીની એક ચમત્કારી સફળતા ગણાવી હતી. લોકમાન્ય ટિળક મરાઠીમાં બોલ્યા તેનું ગુજરાતીમાં ભાષાંતર મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં કવિ નર્મદ સાથે ભણી ચૂકેલા ખાપર્ડેએ તુરત જ કર્યું હતું. આમ આ પરિષદમાં બધાં ભાષણો ગુજરાતીમાં થયાં તેને ગોધરા પરિષદની એક અપૂર્વ સિદ્ધિ ગણાવી શકાય.
વળી, અત્યાર સુધી એવી પ્રણાલિકા હતી કે આવી પરિષદો મળે ત્યારે સૌપ્રથમ બ્રિટિશ સામ્રાજ્ય અને તેના રાજા પ્રત્યે વફાદારીનો ઠરાવ પસાર કરવામાં આવતો; તે પ્રથા નાબૂદ કરીને નવો ચીલો પાડ્યો. વળી આ પરિષદના અધિવેશનના છેલ્લા દિવસે ગોધરામાં ભંગીવાસમાં ગાંધીજીના પ્રમુખપદે અંત્યજ પરિષદ મળી. તેને સફળ બનાવવામાં ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે અને ઇન્દુલાલ યાજ્ઞિકે સારી જહેમત લીધી હતી. વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પટેલ પણ તેમાં હાજર હતા. આ પરિષદમાં અન્યાયી અને ત્રાસદાયક વેઠપ્રથા નાબૂદ કરવાનો પણ ઠરાવ પસાર કરાયો હતો. પછીથી પરિષદના સક્રિય પ્રયાસોને કારણે આ પ્રથાનો ત્રાસ ગુજરાતના બ્રિટિશ જિલ્લામાં ઘટ્યો હતો. આમ ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિ અને હરિજન ઉદ્વાર તથા વેઠપ્રથા નાબૂદી જેવા સામાજિક સુધારાની પ્રવૃત્તિ ગાંધીજીની આગેવાની હેઠળ આ પરિષદના અધિવેશનથી શરૂ થઈ એમ કહી શકાય.
ગોધરા અધિવેશનમાં એક મહત્ત્વનો ઠરાવ એ થયો હતો કે આ પરિષદ માત્ર એક ‘વાર્ષિક મેળાવડો’ ન બની રહે તે માટે અધિવેશનમાં થયેલા ઠરાવોના આખા વર્ષ દરમિયાન અમલ માટે એક કારોબારી સમિતિની રચના કરવી. તદનુસાર ગુજરાત સભાની પ્રથમ કારોબારીની રચના થઈ. ગાંધીજી તેના પ્રમુખ, વલ્લભભાઈ પટેલ તેના મંત્રી તથા ઠક્કરબાપા તથા ઇન્દુલાલ યાજ્ઞિક તેના સહમંત્રીઓ ચૂંટાયા. તેનું મુખ્ય મથક અમદાવાદમાં રખાયું. આ પ્રસંગ પછી જ વલ્લભભાઈનો રાજકીય ક્ષેત્રે સીધો પ્રવેશ થયો અને ગાંધીજી સાથે કામ કરવાની તેમને સોનેરી તક મળી.
ગુજરાત સભા રાજદ્વારી કામોની સાથે સાથે પ્રજા-કલ્યાણનાં પણ નાનાંમોટાં કામો કરતી હતી. તેના નેતાઓ અને કાર્યકરો નિષ્ઠાવાન અને નિ:સ્વાર્થ હતા તેથી તેમનાં કાર્યોને મોટે ભાગે સફળતા જ મળતી અને પ્રજાનો પણ સાથ-સહકાર મળી રહેતો. 1917માં અતિવૃષ્ટિને કારણે ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયો ત્યારે ગાંધીજીના નેતૃત્વ હેઠળ મહેસૂલ મુલતવી રાખવા ગુજરાત સભાએ સરકારને વિનંતી કરેલી તે ન સ્વીકારાતાં ખેડા સત્યાગ્રહ થયો હતો. તેવી જ રીતે 1917માં અમદાવાદમાં પ્લેગ ફાટી નીકળતાં અને 1918માં ઇન્ફ્લ્યુએન્ઝાની અસર થતાં પરિષદે લોકોની સેવા-સુશ્રૂષા માટે દવા વગેરેની વ્યવસ્થા કરી હતી. 1917–18માં અમદાવાદ જિલ્લામાં દુકાળની પરિસ્થિતિમાં દુકાળ-રાહતનાં કાર્યો પણ પરિષદે કરેલાં.
ગુજરાત રાજકીય પરિષદનું બીજું અધિવેશન 1918માં નડિયાદમાં વિઠ્ઠલભાઈ પટેલના, ત્રીજું 1919માં સૂરતમાં ગોકુળદાસ કહાનદાસ પારેખના, ચોથું 1920માં અમદાવાદમાં અબ્બાસ તૈયબજીના, પાંચમું 1921માં ભરૂચમાં વલ્લભભાઈ પટેલના, છઠ્ઠું અધિવેશન 1922માં આણંદમાં કસ્તૂરબાના અને સાતમું અધિવેશન 1923માં બોરસદમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે યોજાયાં હતાં. પછીથી પણ આ સભાની કામગીરી ચાલુ રહી. સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને માવળંકર જેવા નિષ્ઠાવાન અને ઉત્સાહી આગેવાનોના માર્ગદર્શન હેઠળ ગુજરાત સભાએ ઘણી અસરકારક કામગીરી કરી હતી. તેનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત હતું. રાજકીય કાર્યો ઉપરાંત તે દુકાળ, મહારોગ, પૂર જેવા પ્રસંગે લોકોને સહાય આપવાની પ્રવૃત્તિ પણ કરતી હતી. આમ ગુજરાતમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે તેનું પ્રદાન અનુપમ રહ્યું હતું.
શશિકાન્ત વિશ્વનાથ જાની
ર. લ. રાવળ