ગુજરાત શાળાપત્ર : શિક્ષણને લગતું સરકારી ગુજરાતી સામયિક. ઈ. સ. 1862ના જુલાઈમાં શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા અને શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો તથા નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા તરફથી મહીપતરામ રૂપરામ નીલકંઠના તંત્રીપદે ‘ગુજરાત શાળાપત્ર’ સામયિકનો પ્રારંભ થયો. શાળાપત્રમાં મહીપતરામે એમના પરદેશગમન અંગે ટીકા કરનારાઓને જવાબ આપ્યો, તેને લીધે સરકારી શિક્ષણખાતાના દબાણથી 1870ના મેમાં નવલરામ લક્ષ્મીરામ પંડ્યાને આ પત્રનું તંત્રીપદ સોંપવામાં આવ્યું. ડેમી કદના આ પત્રના મુખપૃષ્ઠ પર શિક્ષકની ફરજ સમજાવતો નવલરામે લખેલો દોહરો છપાતો. તેમજ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સામયિકનું નામ અને અનુક્રમ છપાતાં. ત્રીસ રૂપિયાનું વાર્ષિક મહેનતાણું લઈને આનું તંત્રીપદ સંભાળતા નવલરામ ‘ગુજરાત શાળાપત્ર’ને ‘ઊંચી પંક્તિ’નું પત્ર બનાવવા માટે ઘણી વાર પોતે આખોય અંક લખતા. શ્રદ્ધેય વિવેચક તરીકેની નવલરામની પ્રતિભા ‘ગુજરાત શાળાપત્ર’માં આવતા સમકાલીન સાહિત્યના વિવેચનમાં જોવા મળે છે. ‘કરણઘેલો’, ‘કાન્તા’, ‘સરસ્વતીચંદ્ર’ (ભાગ 1), ‘અંધેરીનગરીનો ગર્ધવસેન’ જેવી એ સમયે પ્રગટ થયેલી કૃતિઓનું એમણે વિવેચન કરેલું. નર્મદ-દલપત અને પ્રેમાનંદ-શામળની કવિતાની તુલના કરી બતાવી તેમજ સંસ્કૃત કૃતિઓના અનુવાદની ચર્ચા કરી. શિક્ષકો અને વિદ્યાર્થીઓને લગતા સંખ્યાબંધ લેખો આમાં પ્રગટ થયેલા. સમર્થ વિવેચક, શિક્ષણશાસ્ત્રી અને નિષ્ઠાવાન પત્રકારના ગુણો ધરાવતા નવલરામે આ પત્ર દ્વારા ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાક્ષરી પત્રકારત્વની આબોહવા સર્જવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

પ્રીતિ શાહ