ગુજરાત સમાચાર : ગુજરાતી ભાષાનું અગ્રગણ્ય દૈનિક. પ્રથમ અંક 1932ના જાન્યુઆરીની 16મી તારીખે પ્રગટ થયો. અમદાવાદમાં ખાડિયા જેઠાભાઈની પોળમાંથી 1898ના માર્ચની 6 તારીખે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કરાયું હતું. એના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાનો વૃત્તાંત લેવા સારુ એમાં જોડાયા ત્યારે ગાંધીજી સાથેની મુલાકાત દરમિયાન એક સ્વતંત્ર, નીડર દૈનિક શરૂ કરવાનું વિચારબીજ રોપાયું હતું. 1932માં ગાંધીજીના સત્યાગ્રહ-સંગ્રામવેળા અંગ્રેજ સરકારને જામીનગીરી ન આપવી પડે તે માટે સંચાલકોએ ‘પ્રજાબંધુ’નું પ્રકાશન 10 જાન્યુઆરીથી સ્વૈચ્છિક રીતે મોકૂફ રાખ્યું. પણ સ્વાતંત્ર્યસંગ્રામના સમાચાર રોજેરોજ જનતાને મળ્યા કરે તે માટે એક સમાચાર પૂર્તિ શરૂ કરી. તેને ખૂબ આવકાર મળતાં કાયમી દૈનિક પત્રના રૂપમાં ફેરવાઈ તે ‘ગુજરાત સમાચાર’. ‘પ્રજાબંધુ’નું પ્રકાશન પણ પાછળથી ફરી શરૂ કરાયું. 1905માં પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્ક્સ સ્થપાયું. ખાડિયાની જગ્યા નાની પડતાં રેવડી બજારમાં પ્રેસ ખસેડાયું. 1935માં સિલિંડર અને 1937માં રોટરી મશીન વસાવાયું, જેથી વધુ પ્રતો છાપી શકાય.

1940માં લોકપ્રકાશન લિમિટેડ નામની જાહેર કંપની સ્થપાઈ. તેના પહેલા ચૅરમૅન ગણેશ વાસુદેવ માવળંકર હતા. બોર્ડમાં ડિરેક્ટર તરીકે મૃદુલાબહેન સારાભાઈ અને ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર સહિત અનેક અગ્રગણ્ય નાગરિકોનો સમાવેશ થયો હતો. એક સમય એવો આવ્યો કે બોર્ડના 8માંથી 6 સભ્યોને સરકારે જેલમાં પૂરી દીધા છતાં અખબારનું પ્રકાશન નિયમિત થતું રહ્યું. સુરેન્દ્ર બળવંતરાય ઠાકોર અને સહતંત્રી કપિલરાય મહેતા સહિત નાનામોટા કર્મચારીઓ સૌ એના યશભાગી હતા.

ગુજરાત સમાચારનું પૃષ્ઠ

1946માં કંપનીએ ખાનપુરમાં વિશાળ જમીન ખરીદી. 1950ના ઑક્ટોબરની 4 તારીખે દેવદાસ ગાંધીએ નવા ગુજરાત સમાચાર ભવનનું ઉદઘાટન કર્યું. ઇંગ્લૅન્ડની આર. હો ઍન્ડ કેબટ્રી કંપનીએ ખાસ બનાવેલા અદ્યતન હાઈસ્પીડ સ્ટીરિયો રોટરી મશીન પર ત્યારથી ‘ગુજરાત સમાચાર’ છપાવા માંડ્યું. ‘ગુજરાત સમાચાર’ની તવારીખમાં એક નવો અધ્યાય આરંભાયો.

નવી ઇમારત તથા યંત્રસામગ્રી માટે કંપનીને ધાર્યા કરતાં ઘણો મોટો ખર્ચ કરવો પડ્યો. દેવાં તથા વ્યાજના બોજને પહોંચી વળવાનું અત્યંત મુશ્કેલ બન્યું. ‘ગુજરાત સમાચાર’નું પ્રકાશન બંધ કરી દઈ નવી ભવ્ય ઇમારત વેચી દેવાના પ્રસ્તાવો પણ થયા. અખબાર બંધ થઈ જાય તેવી ગંભીર કટોકટીની પળે શાંતિલાલ અમૃતલાલ શાહે આ દૈનિકની ડૂબતી નાવનું સુકાન સંભાળવાનું બીડું ઝડપ્યું. ઇન્દ્રવદન ઠાકોર બેંગાલુરુમાં સ્થાયી થતાં કપિલરાય મહેતા તંત્રી બન્યા. એમણે ‘ગુજરાત સમાચાર’ની રાષ્ટ્રવાદી પત્ર તરીકેની પરંપરા અને ગુણવત્તા જાળવી રાખી. શાંતિલાલ શાહે પત્ર અને સંસ્થાને પોતાના કરકસરભર્યા વહીવટ અને કુશળ સંચાલનથી થોડાંક વર્ષોમાં સંગીન આર્થિક પાયા પર મૂક્યાં. એ માટે એમને પોતાનું સર્વસ્વ હોડમાં મૂકવું પડ્યું હતું. તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે અગાઉથી સંકળાયેલા તો હતા જ. સંચાલન હાથમાં લીધા પછી એમણે દૂરંદેશી દાખવી આધુનિકીકરણ અને વિસ્તૃતીકરણની સાહસિક નીતિ અપનાવી. જીવરામ જોષીના તંત્રીપદે બાળ સાપ્તાહિક ‘ઝગમગ’ શરૂ કર્યું. તેણે થોડાક જ વખતમાં વેચાણના વિક્રમો સ્થાપ્યા. નીરુભાઈ દેસાઈના તંત્રીપદ હેઠળ સાંધ્ય દૈનિક ‘લોકનાદ’ અગાઉથી પ્રગટ થતું હતું. એમના તંત્રીપદ હેઠળ સિનેસાપ્તાહિક ‘ચિત્રલોક’ શરૂ કરાયું અને તે પણ લોકપ્રિય બન્યું. એ પછી ‘શ્રીરંગ’ (ગુજરાતી ડાઇજેસ્ટ માસિક) પણ નીરુભાઈના ર્દષ્ટિવંત અને પ્રયોગશીલ પત્રકારત્વથી લોકપ્રિય બન્યું. શ્રીમતી સ્મૃતિબહેન શાહના તંત્રીપદે મહિલા સાપ્તાહિક ‘શ્રી’નો પણ આરંભ કરાયો. આમ, શાંતિભાઈએ ‘ગુજરાત સમાચાર’માં વૈવિધ્યીકરણ માટે ભગિની પ્રકાશનો શરૂ કર્યાં. ‘ગુજરાત સમાચાર’ને પણ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા તેમણે ગુણવંતરાય આચાર્ય, કિશનસિંહ ચાવડા, યશોધર મહેતા, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, વિનોદિની નીલકંઠ, ચિનુભાઈ પટવા (ફિલસૂફ) અને બકુલ ત્રિપાઠી સહિત અનેક પ્રસિદ્ધ સાહિત્યકારોના નિયમિત લેખવિભાગો શરૂ કરીને ગુજરાતી દૈનિકોમાં નવો ચીલો પાડ્યો. ‘ગુજરાત સમાચાર’ની લોકપ્રિયતા વધતાં અન્ય શહેરોમાંથી એની આવૃત્તિઓ પ્રગટ કરવાની જરૂર ઊભી થઈ એટલે શાંતિભાઈએ પોતાના બે પુત્રો શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈને સંસ્થા સાથે સાંકળ્યા. કપિલરાયે રાજીનામું આપતાં શાંતિભાઈ તંત્રી બન્યા એટલે વહીવટમાં સહાયરૂપ થવા કુટુંબના અન્ય સભ્યોની સેવાઓની આવશ્યકતા હતી. શ્રેયાંસભાઈએ મૅનેજિંગ તંત્રી તથા મુદ્રક અને પ્રકાશકની જવાબદારી સંભાળી લીધી, જ્યારે સ્મૃતિબહેન અને બાહુબલિભાઈએ વહીવટ પર લક્ષ કેન્દ્રિત કર્યું. સૂરત અને મુંબઈની આવૃત્તિનું તંત્રીપદ બાહુબલિભાઈ શાહ સંભાળે છે. 1975માં સૂરત, 1985માં મુંબઈ, 1987માં વડોદરા અને 1990માં રાજકોટથી આવૃત્તિઓ શરૂ કરાઈ. અમેરિકામાં ન્યૂયૉર્ક ખાતેથી સાપ્તાહિક આવૃત્તિ પણ શરૂ કરાઈ છે. આ પહેલાં કોઈ પણ ભારતીય અખબારે વિદેશમાં તેની આવૃત્તિને છાપીને પ્રગટ કરી ન હતી. શ્રેયાંસભાઈના બે પુત્રો નિર્મમભાઈ અને અમમભાઈ પણ ‘ગુજરાત સમાચાર’ના વિકાસકાર્યમાં પ્રવૃત્ત છે.

‘ગુજરાત સમાચાર’ કમ્પોઝિંગ તથા પ્રિન્ટિંગ માટે આધુનિકતમ ટૅક્નૉલૉજીમાં અગ્રેસર રહ્યું છે. પછી તે મૉનોટાઇપ, લાઇનોટાઇપ, ફોટો કંપોઝ કે ઑફસેટ પ્રિન્ટિંગ હોય. સરખેજ ગાંધીનગર હાઈ-વે પાસે નીલગિરિ પ્રેસ ચાલુ કરાયું છે અને ત્યાં રમ્ય વાતાવરણમાં કાર્યાલય અને અન્ય વિભાગો માટે વિશાળ સંકુલ ઊભું થઈ રહ્યું છે.

‘ગુજરાત સમાચાર’ના વિકાસ આડે અનેક અવરોધો પણ આવ્યા છે. 1985ના એપ્રિલની 22મી તારીખે કેટલાક હિતશત્રુઓએ પ્રેસ તથા કાર્યાલયને આગ લગાડી હતી. પરિણામે અનેક દિવસો સુધી અમદાવાદમાંથી પત્ર પ્રકાશિત થઈ શક્યું ન હતું. શ્રેયાંસભાઈ ત્યારે અમેરિકા હતા. એ અમદાવાદ પાછા ફર્યા અને થોડાક જ દિવસોમાં તેમણે પ્રકાશન ફરી ચાલુ કર્યું.

આ અગ્નિપરીક્ષાવેળાએ ગુજરાતની પ્રજાએ આ પત્રને વહેલી તકે ફરી શરૂ કરવા માટે જરૂરી તમામ સહાય કરવાની ઉદાર ઑફર કરી દર્શાવ્યું કે ગુજરાતી બોલતી પ્રજાની આશા અને આકાંક્ષા તથા વ્યથા અને વેદનાની અભિવ્યક્તિના શક્તિશાળી માધ્યમ તરીકે આ પત્ર ગુજરાતી પરિવારોમાં એક સ્વજન સમું બન્યું છે. પ્રજાનો અપ્રતિમ પ્રેમ સંપાદન કરનાર ‘ગુજરાત સમાચાર’ 1992માં પાંચ લાખ પ્રતોની સપાટીને આંબી જતાં તે આ વિક્રમ પ્રસ્થાપિત કરનાર સર્વપ્રથમ ગુજરાતી દૈનિક બન્યું. અત્યારે એનો કુલ ફેલાવો 5,60,000 નકલથી પણ વધુ છે અને તેની ગણના દેશનાં ટોચનાં વર્તમાનપત્રોમાં થાય છે.

મહેશ ઠાકર