ગી(યા)માં, રોજર ચાર્લ્સ (જ. 11 જાન્યુઆરી 1924, ડીઝોં, ફ્રાન્સ) : ACTH (એડ્રિનોકૉર્ટિકોટ્રોપિક હૉર્મોન)ના સંશોધન બદલ ઍન્ડ્રુ શૅલી અને રોઝેલીન યૅલો સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જૈવરસાયણશાસ્ત્રી (biochemist). તેઓ બૅયલર કૉલેજ ઑવ્ મેડિસિન(હ્યૂસ્ટન, ટેક્સાસ, યુ.એસ.)માં જોડાયા. તેમણે પીયૂષિકા

રોજર ચાર્લ્સ ગી(યા)માં

(pituitary) ગ્રંથિના અંત:સ્રાવોના વિસ્રવણનું નિયમન કરવા માટે અધશ્ર્ચેતક(hypothalamus)માંથી ઝરતાં રસાયણો ઉપયોગી છે તે અંગે સંશોધન કર્યું. 1957માં ઍન્ડ્રુ શૅલી તેમની સાથે આ સંશોધનમાં જોડાયા. લગભગ 70 લાખ ઘેટાં અને ડુક્કરના મગજનો અભ્યાસ કરીને બંનેએ મગજના પેપ્ટાઇડ – હૉર્મોનના ઉત્પાદન અંગે સંશોધન કર્યું. તે માટે તેમને રોઝેલીન યૅલો સાથે 1977માં નોબેલ પારિતોષિક એનાયત થયું. બંનેએ ACTH નામના અંત:સ્રાવનું સાથે રહીને સંશોધન કર્યું. TRH થાયરોટ્રોપિક હૉર્મોન નામના અંત:સ્રાવનું અલગ અલગ સંશોધન કર્યું હતું. ACTH વડે અધિવૃક્ક (adrenal) ગ્રંથિનું તથા TRH વડે ગલગ્રંથિ(thyroid gland)નું ઉત્તેજન થાય છે.

શિલીન નં. શુકલ