ગીમ, આન્દ્રે (Geim, Andre) (જ. 21 ઑક્ટોબર, 1958, સોચી, રશિયા) : દ્વિ-પારિમાણિક પદાર્થ ગ્રૅફીન પર અભૂતપૂર્વ પ્રયોગો માટે 2010નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની અને કૉન્સ્ટન્ટિન નોવો સેલૉવ વચ્ચે વિભાજિત થયો હતો.

આન્દ્રે ગીમ

આન્દ્રે ગેઈમનું કુટુંબ જર્મન મૂળનું હતું તથા તેમનાં માતા-પિતા બંને ઇજનેર હતાં. તેમનું બાળપણ મોસાળમાં પસાર થયું હતું. આન્દ્રે ગીમના પિતા તથા દાદા (ભૌતિકશાસ્ત્રી) બંને કેદી તરીકે સાઇબીરિયામાં મજૂરી કરતા હતા. 1982માં આન્દ્રે ગીમે મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅક્નૉલૉજીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી તથા 1987માં રશિયન એકૅડેમી ઑવ્ સાયન્સીસમાંથી ધાતુ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યાર બાદ તેમણે ઘણાં યુરોપિયન વિશ્વવિદ્યાલયોમાં સંશોધનકાર્ય કર્યું, જેમાં મુખ્યત્વે નેધરલૅન્ડ્સમાં નાઇમેગન અને આઇન્ધોવન તથા યુનાઇટેડ કિન્ગ્ડમની યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરનો સમાવેશ થાય છે.

કાર્બન કુદરતી રીતે જુદા જુદા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એવું દ્રવ્ય કે જે કાર્બનનું બનેલું હોય, જેમાં કાર્બનના પરમાણુઓ ષષ્ટકોણીય જાળીમાં ગોઠવાયેલા હોય અને જેની જાડાઈ માત્ર એક પરમાણુ જેટલી જ હોય  – તે માત્ર સૈદ્ધાંતિક ધોરણે જ સંભવ બને તેમ ઘણા લાંબા સમયથી માનવામાં આવતું હતું. 2004માં આન્દ્રે ગીમ અને કૉન્સ્ટન્ટિન નોવોસેલૉવે સફળતાપૂર્વક આવું દ્રવ્ય – ગ્રૅફીન – બનાવ્યું અને તેના ગુણધર્મોની ચકાસણી કરી. આ દ્રવ્ય અત્યંત પાતળું છતાં અત્યંત મજબૂત હતું, સારી ઉષ્મા અને વિદ્યુતવાહકતા ધરાવતું હતું તથા સંપૂર્ણપણે પારદર્શક હોવા છતાં અત્યંત ઘન હતું. દ્રવ્ય તકનીકી અને ઇલેક્ટ્રૉનિક્સક્ષેત્રે ગ્રૅફીને અનેક નવી શક્યતાઓના માર્ગ ખોલ્યા છે.

2007માં આન્દ્રે ગીમ ફેલો ઑવ્ રૉયલ સોસાયટી (લંડન) તરીકે ચૂંટાયા. 2008માં તેમને EPS યુરોફિઝિક્સ ઇનામ પ્રાપ્ત થયું. 2009માં તેમને કોર્બેર યુરોપિયન સાયન્સ પુરસ્કાર મળ્યો. અમેરિકાની નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીસે તેમને 2010માં ‘વિજ્ઞાનની ઉન્નતિ’ માટે પારિતોષિક આપ્યું. તેમને અનેક માનદ પદવીઓ પ્રાપ્ત થઈ છે. તેઓ એક માત્ર વ્યક્તિ છે જેમને નોબેલ પુરસ્કાર તથા Ig નોબેલ પુરસ્કાર, બંને પ્રાપ્ત થયા છે. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટર(યુ.કે.)માં વિવિધ સંશોધનોમાં કાર્યરત છે.

પૂરવી ઝવેરી