ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય અને બીજા દક્ષિણ એશિયાઈ દેશોની ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તપ્રતોનું મ્યુઝિયમ. ભારતીય અને એશિયાઈ કલાઓનું યુરોપમાં આવેલું આ સૌથી મોટું મ્યુઝિયમ છે. ફ્રાંસના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ

ગીમે મ્યુઝિયમમાં રહેલું એક ભારતીય શિલ્પ

એમિલ ગીમેએ પોતાના અંગત નાણાંમાંથી આ મ્યુઝિયમની શરૂઆત 1889માં કરી. આ મ્યુઝિયમ પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની સાથે દક્ષિણ એશિયાના ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, થાઇલૅન્ડ, જાપાન, કોરિયા, કમ્બોડિયા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા દેશો અને મધ્ય એશિયાની મધ્યકાલીન અને પ્રાચીન કલા પણ ધરાવે છે. આ મ્યુઝિયમમાં 5,500 ચો.મી. ગૅલરી સ્પેસ છે.

અમિતાભ મડિયા