ગીત : ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર. એની સમગ્ર સંરચના જોતાં સ્વાયત્ત સ્વરૂપ જેવી તેની મુદ્રા ઊઠે છે. ઊર્મિકવિતાની જેમ જ અહીં એક સંવેદન, વિચાર કે ઘટનાને રજૂ કરવામાં આવે છે. છતાં ગીત પ્રમાણમાં તરલ સ્વરૂપ છે. ક્યારેક ક્યારેક ઊર્મિકાવ્ય અને ગીતની સેળભેળ થતી હોય છે.
‘ગીત’ શબ્દનો ઉચ્ચાર સ્વયં એમાંના ગેયતત્વનો નિર્દેશ કરે છે. કાવ્ય અને સંગીતમાંથી તેને અનુરૂપ લાક્ષણિક તત્વો દ્વારા ગીતનું હાડ બંધાય છે. શબ્દલય, એના તાલ અને રસપ્રવણ ભાત દ્વારા ગીતનું કલેવર બંધાય છે. સફળ ઊર્મિકવિ કે કવિ તેથી જ હંમેશાં સફળ ગીતકવિ બની શકે એવું નથી.
ઊર્મિકાવ્યની જેમ ગીતમાં વિષયવૈવિધ્યને ખાસ્સો અવકાશ રહ્યો છે. ક્યારેક તો અનેક વૃંતવાળા છોડ જેવું એનું સ્વરૂપ બની રહે છે. મૂળ એક સંવેદનને અનેક બુટ્ટાથી શણગારવામાં આવતું હોય છે. વિચારો અને નાનીમોટી ઘટનાઓને પણ ઊર્મિની સાથે વણી લઈને આજના ગીતકવિએ ગીતને વિષયપસંદગી અને વિષયનિરૂપણ ક્ષેત્રે મુક્ત બનાવી દીધું છે. તીવ્ર લાગણી કે સંવેદનને, મોહક-કોમળ ભાવને ગીતકાર આવર્તન-તાલ-લય વગેરેમાં એવી દક્ષતાથી ગૂંથી લે છે જેથી કાવ્યની માફક એના રસપ્રકર્ષને પામી શકાય. ગીતકાર પોતાની આંતરિક જરૂરિયાત પ્રમાણે લયમેળ કે વૃત્તનો વિનિયોગ કરતો હોય છે. એમાં તાલ-લયથી શબ્દની રચનાની ગતિ બંધાય છે. એ જ રીતે એની પંક્તિઓ, કડીઓ અને ચરણોનું સ્વરૂપ ગૂંથાતું જાય છે. શરત માત્ર એટલી કે શબ્દોએ નિયત તાલ-લયના નિયમનમાં આવીને અર્થવાહી બનવાનું હોય છે, જે ચરણના અંત સુધીમાં વિરમી જાય. પંક્તિ કે ચરણના વિરામ સાથે અર્થના વિરામને લીધે નિરૂપણની વિશિષ્ટ શિસ્ત જન્મે છે. તે ઉક્તિલાઘવ કે અર્થલાઘવ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આવા ટૂંકા ચરણમાં ત્રણચાર કે પાંચસાતથી વધુ શબ્દો હોતા નથી. આટલા જૂજ શબ્દોમાં કવિએ વિચાર, ઊર્મિ કે ઘટનાનું રૂપ નિખારવાનું રહે છે. દેખીતી રીતે જ તેથી પ્રસ્તારનો ભય ટળે છે. ઉક્તિલાઘવ જો અર્થલાઘવ ન પ્રકટાવી શકે તો ગીતનું ગીતત્વ જોખમાય.
ઊર્મિકાવ્યનો કવિ એક વિષયને વિવિધ રૂપે આલેખતો જઈને અંતે પરાકાષ્ઠાએ પહોંચાડે છે. જ્યારે ગીતમાં તો પ્રથમ પંક્તિમાં જ કાં તો પરાકાષ્ઠાથી પ્રારંભ થાય. ગીતની પ્રથમ પંક્તિને આથી જ કાવ્યના ઝળકતા શિખર સાથે સરખાવવામાં આવે છે. આખા ગીતમાં ઘણી વાર આવી એક જ પંક્તિ વર્ચસ્ ભોગવતી હોય છે. પ્રથમ પંક્તિમાં જ એના કવિએ વિષયને એની સમગ્રતા સાથે ચાક્ષુષ કરાવવાનો રહે છે. એ જ કાવ્યનું કેન્દ્ર, મુગટ જે ગણો તે. એ પંક્તિનો ઉછાળ, તીવ્રતા, સંવેદનઉત્કટતા પછીના આખા કાવ્યમાં કોઈક ને કોઈક રીતે એના પ્રતિઘોષનો અનુભવ કરાવતાં રહે છે. કુશળ ગીતકવિ ધ્રુવપંક્તિને અનુષંગે અન્ય પંક્તિઓને પણ તરલ ઝાંય સાથે, સૂક્ષ્મ વ્યંજનાઓ સાથે પ્રસ્તુત કરી શકે છે. સંવેદન, વૃત્ત, શબ્દ, લય, અર્થ વગેરેને ગીતકાર રાગીયતાના તત્વ સાથે ગૂંથી લે છે. રાગીયતા એ ગીતનો પ્રાણ બને છે. આમ તો એ સંગીતની સંજ્ઞા છે, પણ એ કેવળ રાગ નથી, કે માત્ર ગેયતત્વ નથી. સર્જક પોતાના ઉપાદાનને એ રીતે વિનિયોજે છે કે એ લય-તાલ-વૃત્ત-આવર્તન-અર્થ-અર્થરૂપો, બાનીની વિશિષ્ટતા, સર્વ સંગીતના તાલ-લયમાં એકાકાર બની રહે અને એનું અનોખું નાદતત્વ એવી રીતે ઘૂંટાઈ આવે કે એ સર્વનો રસાર્દ્ર સંવાદી કલારૂપે સાક્ષાત્કાર કરાવી શકે.
ગીત લલિત-મધુર-મસૃણ લયરચના છતાં, અન્ય કાવ્યસ્વરૂપોની જેમ તેમાં સંશ્લિષ્ટ કલાકૃતિ તરીકે પ્રતીતિ થવી આવશ્યક છે.
પ્રવીણ દરજી