ગીઝર (geyser) : વિદ્યુત-તાપક(electric heater)ની મદદથી ગરમ પાણી મેળવવાનું ગૃહ-ઉપયોગી સાધન. ગીઝરનો મૂળ અર્થ ગરમ પાણીના ફુવારા થાય છે. વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરી ગરમ પાણી મેળવવાનાં અનેક ઉપકરણો સુલભ છે. ઊંચું તાપમાન મેળવવા માટે વપરાતાં વિદ્યુત-તાપકોમાં વીજરોધક (resistors), પરા-વૈદ્યુતકો (dielectricals), વીજપ્રેરકો (electrical inductors) અને વીજચાપ (electric arc) મુખ્ય છે. ગીઝરમાં વીજરોધક વિદ્યુત-તાપકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપચયન ન થાય તેવા વીજવાહક તારનાં ગૂંચળા(coil)માંથી વિદ્યુત પસાર કરતાં પુષ્કળ ઉષ્માઊર્જા ઉત્પન્ન થાય છે. તેમાં વિદ્યુત ઊર્જાનું 100 % ઉષ્ણતા ઊર્જામાં રૂપાંતર થાય છે. પસાર કરવામાં આવતા વીજપ્રવાહ માટે ઉત્પન્ન થતી ગરમીનું પ્રમાણ વીજવાહક(conductor)ની વિદ્યુતરોધકતાના સીધા પ્રમાણમાં હોય છે. જેમ વીજવાહકની રોધકતા વધુ તેમ ગરમી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય. આથી વિદ્યુત-તાપકો ઊંચી રોધકતા ધરાવતાં હોવાં જોઈએ; સાથે ઊંચા તાપમાને તેના પર કોઈ પણ વિપરીત અસર થવી જોઈએ નહિ. તેમના વિદ્યુત-અવરોધનો તાપમાન સહગુણાંક નીચો (low temperature co-efficient of resistances) હોવો જોઈએ. તે સસ્તાં અને સરળતાથી મળે તેવાં અને સરળતાથી બનાવી શકાય તેવાં હોવાં જોઈએ. પાણી ગરમ કરવા વપરાતાં વિદ્યુત-તાપકોને પાણીના સીધા સંપર્કમાં ના આવે તે રીતે રોધક તારનાં ગૂંચળાં(helix)ને ક્રોમિયમનો ઢોળ ચડાવેલી તાંબાની નળીમાં રાખેલા MgOના બારીક ભૂકામાં ગોઠવી દેવામાં આવે છે. નળીને ઉપરથી સાંકડી બનાવી દેવામાં આવે છે. રોધક તાર નિકલ-ક્રોમિયમ અથવા ક્રોમિયમ-ઍલ્યુમિનિયમ મિશ્રધાતુના બનેલા હોય છે. ગીઝરમાં વપરાતાં કેટલાંક વિદ્યુત-તાપકો આકૃતિ-1માં બતાવેલ છે.

આકૃતિ 1 : નિમજ્જન ગીઝર

1 કિલોવૉટથી 3 કિલોવૉટ વિદ્યુતદબાણવાળા અને 8 લિટરથી 50 લિટર ગરમ પાણી કરી શકાય તેવાં ગીઝરો બજારમાં ઉપલબ્ધ હોય છે. નાનાં ગીઝર દીવાલ પર લગાડી શકાય છે, જ્યારે મોટાં ગીઝરો પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવે છે. વીજપ્રવાહ ચાલુ કર્યા પછી પાણીનું તાપમાન આશરે 75° થી 85° સે. લાવવા નાના ગીઝરને થોડો સમય જ લાગે છે, જ્યારે મોટા ગીઝરને વધુ સમયની જરૂર પડે છે. ગીઝરનું બાહ્ય ઉપકરણ તાપ અને વીજ-અવાહક પદાર્થનું બનેલું હોય છે. તેની બહાર ધાતુનું કવચ લગાડી તેના પર ઇનેમલ ચડાવી સુશોભિત કરવામાં આવે છે. પાણી ગરમ કરવા માટે ઉપકરણની અંદર વિદ્યુતતાપક એવી રીતે લગાડેલું હોય છે કે તેમાં અંદરની બાજુ પાણી દાખલ થાય નહિ. ગીઝરમાં પાણી ગરમ થયા પછી 4-5 કલાક સુધી પાણી ગરમ રહી શકે છે. આવું એક ગીઝર આકૃતિ-2માં બતાવવામાં આવ્યું છે.

ગીઝરમાં ઠંડું પાણી દાખલ કરવા અને ગરમ થયેલું પાણી બહાર કાઢી લેવા માટે બે નળીઓ લગાડેલી હોય છે, તેઓને વિદ્યુત-અવાહક નળીઓથી જોડેલી હોય છે, જેથી ગરમ પાણી કાઢતી વખતે અને ઉપકરણમાં ઠંડું પાણી ચાલુ કરતી વખતે વિદ્યુતનો ઝાટકો લાગે નહિ. સલામતી માટે ગીઝર ભૂસંપર્ક (earthing) કરેલું હોય છે. એક વખતે જોઈતું તાપમાન આવી ગયા પછી ગીઝરમાં રાખેલા તાપસ્થાયી(thermostat)થી તે તાપમાન જોઈતા તાપમાનની આજુબાજુ ±1° સે. જેટલું રાખી શકાય છે. જોઈતા તાપમાનથી જો 1° સે. જેટલું તાપમાન વધે તો આપોઆપ તાપકમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો બંધ થઈ જાય છે અને જો તે 1° સે. જેટલું નીચું જાય તો તરત જ તેમાં વિદ્યુતપ્રવાહ પસાર થવાનો ચાલુ થાય છે. ગીઝર ચાલુ હોય તો તેમાંનો દર્શક લૅમ્પ ચાલુ રહે છે. ગીઝરમાં ફ્લોટ વાલ્વને લીધે પાણીનો સ્તર એવી રીતે રહે છે કે વીજતાપક તેમાં ડૂબેલો રહે અને પાણી બહાર છલકાય નહિ. ગરમ પાણી મેળવવાની આ પદ્ધતિ અન્ય પદ્ધતિ કરતાં વધુ મોંઘી છે, પણ અન્ય પદ્ધતિ કરતાં વધુ સુગમ છે અને તેમાં પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી. ગીઝરમાં પાણી ચાલુ ન હોય તો તે ચાલુ રાખવું જોખમકારક છે.

આકૃતિ 2 : વિદ્યુત ગીઝર : 1. ઠંડું પાણી, 2. ગરમ પાણી, 3. વિદ્યુત-શક્તિ, 4. તાપ-સ્થાયી, 5. પાણીની ટોટી

હમણાંથી ગૅસ-ગીઝર વધુ પ્રચલિત થતા જાય છે. આ માટે થોડાઘણા ફેરફારો સાથે ઘરવપરાશના ગૅસના બાટલાનો અથવા પાઇપ લાઇન ગૅસ સાથે આ સાધનો જોડી દેવામાં આવે છે. ઇલેક્ટ્રિસિટી મોંઘી થવાને લીધે તથા વધુ જોખમકારી હોવાને કારણે ગૅસ-ગીઝર લોકપ્રિય બન્યાં છે.

હરેશ જયંતીલાલ જાની

પ્રવીણસાગર સત્યપંથી