ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ ધનબાદ અને બોકારો તથા પશ્ચિમે હઝારીબાગ અને કોડર્મા જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક ગિરિદિહ જિલ્લાની પૂર્વમાં આવેલું છે.

ગિરિદિહ

ભૂપૃષ્ઠ–જંગલો–જળપરિવાહ–આબોહવા : જિલ્લાનું ભૂપૃષ્ઠ ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચાયેલું છે : (i) મધ્યનો ઉચ્ચપ્રદેશ, (ii) ઓછી ઊંચાઈનો ઉચ્ચપ્રદેશ, (iii) દામોદર ખીણપ્રદેશ.

મધ્યનો ઉચ્ચપ્રદેશ બગોદર ઘટક નજીકના જિલ્લાના પશ્ચિમ ભાગને સ્પર્શે છે. મધ્યના ઉચ્ચપ્રદેશની બધી બાજુ તરફ નીચાણવાળા ઉચ્ચપ્રદેશીય ભાગો આવેલા છે; માત્ર પશ્ચિમ બાજુએ મધ્યનો ઉચ્ચપ્રદેશ પાલામૌ જિલ્લાને સાંકળે છે. ઊબડખાબડ સપાટી ધરાવતા નીચાણવાળા ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 400 મીટરથી વધુ નથી. ઉત્તર અને વાયવ્ય તરફ તે સપાટ શિરોભાગ ધરાવે છે, જ્યાં તે 210 મીટરની ઊંચાઈવાળો બની રહે છે. જિલ્લાના દક્ષિણ ભાગમાં દામોદર ખીણપ્રદેશ આવેલો છે.

આ જિલ્લામાં પારસનાથની ટેકરી આવેલી છે, તેની ઊંચાઈ 1345 મીટર જેટલી છે, જે રાજ્યમાં આવેલું સર્વોચ્ચ સ્થળ છે. જિલ્લાના લગભગ બધા જ ભાગો જંગલઆચ્છાદિત છે. સાલ, વાંસ, ખેર, સલાઈ, સિમલ, મહુડો, પલાશ, કુસુમ, કેન્દુ, આસન જેવાં વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે.

જિલ્લો દામોદર, બારાકાર અને સાકરી નદીઓથી રચાતા જળપરિવાહવાળો છે. આ પૈકી દામોદર અને બારાકાર મુખ્ય નદીઓ છે. બારાકાર નદી જિલ્લાના મધ્યભાગમાંથી પસાર થાય છે.

જિલ્લો દરિયાથી દૂર આવેલો હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે. અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા મોસમી પવનો 750 મિમી. જેટલો વરસાદ આપે છે.

ખેતીપશુપાલન : ડાંગર, મકાઈ, ઘઉં, શેરડી, કઠોળ અને શાકભાજી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ભૂપૃષ્ઠ ખૂબ જ અસમતળ હોઈને ખેતી માટે સિંચાઈની ઉપલબ્ધિ મુશ્કેલ બની રહે છે. સખત ખડકોને લીધે ઊંડાં શારકામ કરી શકાતાં નથી. આથી સપાટી જળનો અને તળાવોનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. તેમ છતાં દામોદર ખીણ યોજનાની નહેરોથી અમુક પ્રમાણમાં સુવિધા ઊભી થઈ શકી છે. નળકૂપ અને હાથ-પંપનો ઉપયોગ કરવામાં આવે છે.

જિલ્લામાં ગાયો, ભેંસો, આખલા, બળદ, ઘેટાં-બકરાં અને ડુક્કરોનો ઉછેર કરવામાં આવે છે. પશુઓની ઓલાદ સુધારણા માટે જિલ્લામાં કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લાના લોકોનો મુખ્ય ઉદ્યોગ ખેતી હોવાથી ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો છે. જિલ્લામાં જંગલ સંપત્તિ તેમજ અબરખ અને કોલસો જેવાં ખનિજો મોટા પ્રમાણમાં મળે છે. દામોદર વેલી કૉર્પોરેશન(બહુહેતુક યોજના)ને લીધે ઊર્જા ઉપલબ્ધિ સરળ થઈ પડી છે; પરિણામે સાતથી આઠ મોટા ઉદ્યોગો વિકસી શક્યા છે. આ ઉપરાંત અહીં વાંસ, નેતર, પાંદડાં, માટીનાં વાસણો જેવા ગૃહઉદ્યોગો પણ કાર્યરત છે.

ગિરિદિહ અબરખના વેપારનું મથક છે. આ ઉપરાંત આમળાં, બહેડાં અને હરડે જેવી વન્ય ઔષધિઓ પણ મળે છે. મોટા ભાગનો વેપાર કોલકાતા સાથે થાય છે. અહીંથી ડાંગર અને ચામડાંની નિકાસ તથા ખાંડ, બટાટા, ડુંગળી, ઘઉં, કઠોળ, ચણા, લીલાં શાકભાજીની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : જિલ્લામાં સડકમાર્ગોની ગૂંથણી સારા પ્રમાણમાં જોવા મળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 અને 23 ઉપરાંત રાજ્ય ધોરી માર્ગો દ્વારા જિલ્લાનાં અને જિલ્લા બહારનાં મથકો સંકળાયેલાં છે. પૂર્વીય રેલવિભાગની મધુપુરુ–ગિરિદિહ રેલશાખા પર જિલ્લાનાં ગિરિદિહ અને મહીશમુંડા રેલમથકો આવેલાં છે. ગિરિદિહ ખાતે નાનાં વિમાનો માટે ઉતરાણની સુવિધા છે.

જિલ્લામાં પારસનાથ, ઉસરી ધોધ, મધુબન, ખંડોલી, ગુમિયા, તેનુઘાટ, બોકારો, બર્મો, દાલગંડો અને બૈદાદિહ જેવાં પ્રવાસ મથકો આવેલાં છે. જિલ્લાનાં વિવિધ સ્થળોમાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તીલોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 24,45,203 જેટલી છે, તે પૈકી સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા સરખી છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75% અને 25% જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં હિન્દુઓની વસ્તી વિશેષ છે, મુસ્લિમોની વસ્તી બીજા ક્રમે આવે છે; જ્યારે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને શીખોની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ અંદાજે 40% જેટલું છે; શહેરોમાં તે 70% અને ગામડાંઓમાં તે 35% જેટલું છે. અહીંનાં બધાં જ નગરોમાં તેમજ  ગામડાંઓમાં શિક્ષણ-સંસ્થાઓની સગવડો ઉપલબ્ધ છે. ગિરિદિહ ખાતે પાંચ જેટલી કૉલેજો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને ઉપવિભાગમાં અને સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 12 નગરો અને 3149 ગામડાં આવેલાં છે.

મધુવન ખાતેનું જૈન સંગ્રહાલય

ઇતિહાસ : આ જિલ્લાનો ઇતિહાસ તેની નજીકના હઝારીબાગ તથા છોટાનાગપુરના પ્રદેશો સાથે સંકળાયેલો છે. પ્રાચીન કાલમાં આ વિસ્તારમાં જંગલો અને પહાડી પ્રદેશો હતા અને અનાર્યોની જુદી જુદી જાતિના લોકો અહીં વસતા હતા. આર્યોના આગળ વધવાથી તેઓ જંગલોના આંતરિક પ્રદેશોમાં જતા રહ્યા. આ અનાર્ય જાતિના લોકોમાં કોઈ રાજા ન હતો. ભારતમાં સદીઓથી હિંદુ શાસકો રાજ્ય કરતા હતા; પરંતુ આ વિસ્તારો તેનાથી અલગ રહ્યા હતા. ક્યારેક વિદેશી હુમલાખોરો વિજયી થતા; પરંતુ લાંબો સમય રાજ કરી શકતા નહિ. અંગ્રેજોએ આ પ્રદેશ જીત્યા પછી છોટાનાગપુરનો વહીવટદાર ચેપમૅન હતો. રામગઢ, કેન્ડી, કુન્દ, ખારગદીહા વગેરે પરગણાંનો એક જિલ્લો બનાવવામાં આવ્યો. 1831માં આ વિસ્તારમાં છોટાનાગપુરના મુંડા જાતિના લોકોનો બળવો થયો. ગિરિદિહ જિલ્લામાં તેની ખાસ અસર થઈ ન હતી. 1855–56માં સંતાલોનો બળવો થયો. આ બળવો સરકારે ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યો. 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ, લોકશાહી સરકારની સ્થાપના થઈ. આ પ્રદેશ બિહાર રાજ્યમાં હતો. હવે ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ