ગિરમીટ (hand auger) : લાકડામાં મોટા અને લાંબા બોલ્ટ બેસાડવા સારુ ઊંડાં કાણાં પાડવા માટે વપરાતું, સુથારીકામમાં વપરાતાં વિવિધ હાથ-ઓજારોમાંનું એક.

આ ઓજારનો મુખ્ય ભાગ પોલાદના લાંબા સળિયામાંથી બનાવેલ 40થી 60 સેમી. લાંબી દાંડી હોય છે. દાંડીનો ઉપરનો ભાગ વધુ જાડો અને ચોરસ બનાવવામાં આવે છે. આ ભાગ હાથો ભરાવવાના નાકા તરીકે કામ આપે છે. આ નાકા ઉપર લાકડાનો એક ગોળ હાથો બેસાડવામાં આવે છે. પોલાદની દાંડીના નીચેના લગભગ 12 થી 23 ભાગની લંબાઈમાં બે મરોડદાર ખાંચા (spiral groove) આવેલા હોય છે. લાકડામાં વીંધ પાડવા માટે ગિરમીટના નીચેના ભાગમાં તેને ફેરવવાથી કાપ પાડી શકે તેવો આકાર બનાવેલો હોય છે. આ છેડે દાંડીની ધરી ઉપર સ્ક્રૂનો આકાર આપેલો હોય છે. તેની બહારની બાજુએ થોડી લંબાઈ સુધી લાકડામાંથી વચ્ચેની રેખાઓને લાકડાથી જુદી પાડી શકે તેવી કાપની ધાર બનાવેલી હોય છે. કાણાં પાડતી વખતે આ સાધનને લાકડાની સપાટીની બરાબર લંબ દિશામાં પકડીને, સ્ક્રૂના આકારના ભાગ ઉપર ઊભું ટેકવવામાં આવે છે. ઉપરના લાકડાના હાથા ઉપર થોડું દબાણ આપીને લાકડામાં વીંધ પાડવામાં આવે છે. અને તેને બે હાથ વડે પકડીને ગોળ ગોળ ફેરવીને સ્ક્રૂનો એકાદ આંટો લાકડામાં ઉતારવામાં આવે છે. ત્યાર બાદ આ સ્ક્રૂની પકડ લઈ ઉપરના હાથાને વધુ ગોળ ફેરવતા રહીને જરૂર પૂરતી ઊંડાઈ સુધી ગિરમીટને નીચે ઉતારવામાં આવે છે. ત્યાર બાદ ગિરમીટને ઊંધું ફેરવીને બહાર કાઢી લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં જો શરૂઆતમાં ગિરમીટને લાકડાની સપાટીની બરાબર લંબ દિશામાં પકડવામાં ના આવ્યું હોય તો તે તૂટી જવાનો ભય રહે છે.

ગિરમીટ

સામાન્ય રીતે 10થી 50 મિમી.નાં કાણાં પાડવા માટે ગિરમીટનો ઉપયોગ થાય છે. એક ગિરમીટ વડે એક જ વ્યાસનું કાણું પાડી શકાય છે. તેથી અલગ અલગ વ્યાસનાં કાણાં પાડવા માટે તેટલા માપનાં ગિરમીટ રાખવાં પડે છે. ગિરમીટ વડે આરપાર શાર પણ પાડી શકાય છે. ઘણી વખત આ આખું સાધન પોલાદમાંથી ન બનાવતાં કાપવાળો ભાગ પોલાદમાંથી અને બાકીનો ઉપરનો ભાગ લોખંડમાંથી બનાવવામાં આવે છે. આ ઓજાર સારી રીતે કામ કરી શકે તે માટે સ્ક્રૂ તથા કાપવાળા ભાગની ઉપર પાણી ચડાવવામાં આવે છે. આ સાધન વાપરવામાં કારીગરની કુશળતા ખૂબ જ અગત્યની છે.

હરેશ જયંતીલાલ જાની