ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં મળ્યા, તે વખતથી જ તેમના ઉજ્જ્વળ ભવિષ્યની આશા બંધાઈ ગઈ. સંગીતનું પ્રારંભિક જ્ઞાન પિતા પાસેથી મેળવ્યું. વ્યવસ્થિત જ્ઞાન માટે વારાણસીના પં. સરજૂપ્રસાદ મિશ્રા પાસે સંગીતવિદ્યાનું અધ્યયન શરૂ કર્યું. પં. સરજૂપ્રસાદના અચાનક મૃત્યુ પછી વારાણસીના પંડિત શ્રી ચન્દ્ર મિશ્રાનું શિષ્યત્વ ગ્રહણ કર્યું.

ગિરજાદેવી

ગિરજાદેવીની ગાયનશૈલી સુર્દઢ અને સુઘડ બન્યા પછી આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા આયોજિત રેડિયો સંગીત-સભાઓમાં ઉત્તર ભારતના ખૂણે ખૂણે તેમના કાર્યક્રમ પ્રસારિત થયા. આકાશવાણીના અખિલ ભારતીય કાર્યક્રમ, દૂરદર્શનની સંગીત-સભા તેમજ અલ્લાહાબાદ, લખનૌ, વારાણસી, કોલકાતા, મુંબઈ, પુણે, જોધપુર, જયપુર, જમ્મુ વગેરે સ્થાને આયોજિત સંગીત સંમેલનોમાં એમના કાર્યક્રમોએ રસિકોની પ્રશંસા પ્રાપ્ત કરી છે. આકાશવાણી દ્વારા તેમના ગાયનની રેકર્ડ પણ બહાર પડી છે. 1972માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી વડે તેમનું સન્માન કરાયું. સ્વરોના લગાવમાં નાસિકાનો અલ્પાંશ બહુ જ રોચક લાગે છે. ઠૂમરી અને ચૈતી, કજરી તેમજ અન્ય લોકગીતોનું ગાયન, ઉપશાસ્ત્રીય સંગીતની બધી જ શૈલીઓ ભાવપૂર્ણ રીતે ગાવાનો ઢંગ બહુ જ સુંદર છે. ખ્યાલ-ગાયનમાં પણ ઉચિત અભ્યાસથી આવેલી સુર્દઢતા અને ઊંડાણ માણવા મળે છે. તાનો સ્પષ્ટ અને તૈયાર હોય છે.

શાસ્ત્રીય સંગીત સાથે ઉપશાસ્ત્રીય સંગીત તથા લોકધૂનો તે સુંદર રીતે ગાય છે.

મંદાકિની અરવિંદ શેવડે