ગિયોહમ, શાર્લ આયદવાર (જ. 15 ફેબ્રુઆરી 1861, ફલરિએ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 13 જૂન 1938, સેવ્ર, ફ્રાન્સ) : સ્વિસ ભૌતિકશાસ્ત્રી અને 1920ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમના પિતા ઘડિયાળી હતા. પ્રારંભિક શિક્ષણ ન્યુશાતેમાં લઈ 1878માં ઝૂરિકની પૉલિટેકનિકમાં પ્રવેશ મેળવી ત્યાંથી પીએચ.ડી. થયા, આર્ટિલરીના અફસર તરીકે લશ્કરમાં જોડાયા. ટૂંકી લશ્કરી કારકિર્દી દરમિયાન યંત્રશાસ્ત્ર (mechanics) અને પ્રક્ષેપિકી(ballistics)નો અભ્યાસ કર્યો. 1883માં તે સેવ્રની ‘ઇન્ટરનૅશનલ બ્યૂરો ઑવ્ વેઇટ્સ ઍન્ડ મેઝર્સ’માં જોડાયા અને 1915થી તે 1936માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેના ડિરેક્ટરપદે રહ્યા. અહીં તેમણે પારાના થરમૉમીટર ઉપર

શાર્લ આયદવાર ગિયોહમ

સંશોધન કર્યું. વળી તેમણે એવી પણ શોધ કરી કે એક લિટર કદ બરાબર 1,000.028 ઘન સેમી. થાય અને નહિ કે તેના સર્વસ્વીકૃત (universally accepted) મૂલ્ય 1,000.000 ઘન. સેમી. ત્યાર બાદ તેમણે મિશ્ર ધાતુઓ (alloys) ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ફેરોનિકલ મિશ્ર ધાતુના તેમના વિસ્તૃત અભ્યાસની પરાકાષ્ઠાએ ઇન્વાર(નિકલ, લોહ, મિશ્રધાતુ)ની શોધ કરી, જેને માટે તેમને નોબેલ પારિતોષિક મળ્યું. ઇન્વારનો પ્રસરણાંક(coefficient of expansion) અને સ્થિતિસ્થાપકતા અંક(coefficient of elasticity)નાં મૂલ્યો નીચાં હોવાથી ચોક્કસ સમયમાપન માટેનાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

એરચ મા. બલસારા