ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય (જ. 25 ડિસેમ્બર 1889, હૈદરાબાદ, સિંધ; અ. 12 સપ્ટેમ્બર 1957, મુંબઈ) : સિંધના પ્રખર રાષ્ટ્રવાદી કૉંગ્રેસી. તેમના પિતા સરકારી અમલદાર હતા. નાનપણથી રાષ્ટ્રભક્તિની તેમના ઉપર ઊંડી અસર પડી હતી. 1904માં 15 વર્ષની વયે તે બંગભંગ આંદોલનની અસરમાં આવ્યા હતા અને 1908માં લોકમાન્ય ટિળકને 6 વર્ષની થયેલી સજાને જંગલી કૃત્ય તરીકે વખોડી નાખવામાં મોખરે રહ્યા હતા. યુરોપમાં વસીને ભારતનું સ્વાતંત્ર્ય આંદોલન ચલાવનારાં મૅડમ કામાના તેઓ પ્રશંસક હતા અને 1913માં નરકેસરી લાલા લજપતરાય તથા ક્રાંતિવીર રાસબિહારી ઘોષના સંપર્કમાં આવ્યા હતા. 1913માં એલ. સી. પી. ઍન્ડ એસ.ની તબીબી પરીક્ષા પસાર કરી તેઓ સરકારી નોકરીમાં મેડિકલ ઑફિસર તરીકે જોડાયા; પરંતુ બે વર્ષના ટૂંકા ગાળામાં તેને તિલાંજલિ આપીને સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાઈ ગયા.
1914માં લોકમાન્ય ટિળકે સ્થાપેલી હોમરૂલ લીગમાં જોડાઈને સિંધમાં તેની શાખા શરૂ કરી. 1915માં તે મુંબઈમાં મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા અને બીજા વર્ષે તેમની સાથે સિંધમાં સર્વત્ર લોકસંપર્ક માટે ફર્યા. 1916માં લખનૌમાં ભરાયેલા અખિલ હિંદ કૉંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી અને હૈદરાબાદ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખપદે ચૂંટાયા. 1919માં રૉલેટ ઍક્ટ વિરુદ્ધ સમગ્ર સિંધમાં હડતાળ પડાવી અને અમૃતસરમાં ભરાયેલા અખિલ હિંદ કૉંગ્રેસ અધિવેશનમાં ડૉ. સૈફુદ્દીન કિચલુ વગેરે દેશનેતાઓના પરિચયમાં આવ્યા. 1920માં સિંધ પ્રાંતિક સમિતિના પ્રમુખપદે ચૂંટાયા અને વર્ષોવર્ષ એ પદ પર ચૂંટાતા રહ્યા. તેમની સ્થાનિક લોકપ્રિયતાની આ પારાશીશી હતી. 1922માં પ્રિન્સ ઑવ્ વેલ્સ કરાંચીની મુલાકાતે આવ્યા ત્યારે તેમની વિરુદ્ધ ડૉ. ગિદવાણીજીએ સફળ હડતાળ પડાવી. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ અઠવાડિકમાં નોંધ લખી કે ડૉ. ચોઇથરામે સર્વસ્વનો ભોગ આપ્યો છે અને દેશના કાજે ફકીર બની ગયા છે. 1930માં મીઠા સત્યાગ્રહ વખતે અને 1932માં ગોળમેજી પરિષદ પછીના સંઘર્ષમય દિવસોમાં તેમણે કારાવાસ વેઠ્યો હતો. 1937માં સિંધ પ્રાંત મુંબઈ ઇલાકાથી છૂટો પડ્યો ત્યારે તેઓ સિંધ ધારાસભામાં સભ્ય ચૂંટાયા. 1942માં ‘હિંદ છોડો’ આંદોલનમાં ફરીથી કારાવાસ વેઠ્યો. 1946–47માં ભારતના ભાગલાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે તેઓ ખૂબ નિરાશ થયા અને કૉંગ્રેસે ભાગલાનો વિરોધ કરવો જોઈએ તેવો ઠરાવ મૂક્યો; પરંતુ તેમાં તેમને નિષ્ફળતા મળી. જૂન 1947માં સિંધના હિંદુઓને સિંધ છોડી જવાની તેમણે જાહેર સલાહ આપી અને હિંદુઓનું ભારત તરફ સ્થળાંતર શરૂ થયું. તેમાં તેઓ પણ ભારત આવ્યા. ઑગસ્ટ 1947થી સપ્ટેમ્બર 1957 સુધી વિસ્થાપિતોના પુનર્વાસ માટે તેમણે અથાગ મહેનત કરી. વિસ્થાપિતોને વળતર અપાવવા માટેની તેમની રજૂઆતનો જવાહરલાલ નહેરુએ વિરોધ કરેલો, પણ આખરે તે રજૂઆત સ્વીકારી તેથી વિસ્થાપિતોને પૂરતું તો નહિ પણ આંશિક વળતર મળી શક્યું હતું.
જયન્તિલાલ પો. જાની