ગિનિસ, અલેક (સર) (જ. 2 એપ્રિલ 1914, પૅડિંગ્ટન, લંડન; અ. 5 ઑગસ્ટ 2000, મિડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. તખ્તાથી કારકિર્દી શરૂ કરનાર આ પ્રતિભાસંપન્ન અભિનેતાને લોકો ‘ચહેરા વગરના કલાકાર’ તરીકે ઓળખતા. આનું કારણ એટલું જ કે ગમે તે ભૂમિકા હોય આ અભિનેતા તેને અત્યંત સ્વાભાવિકતાથી ન્યાય આપતા. શરૂઆતમાં તે મુખ્ય પાત્ર તરીકે પરદા ઉપર ચમક્યા. ત્યારબાદ તે ચરિત્ર અભિનેતા તરીકે પંકાયા. અભિનયની શરૂઆત તેમણે 1936માં ‘હૅમ્લેટ’ નાટક દ્વારા કરી હતી. ત્યારબાદ શેક્સપિયરનાં સંખ્યાબંધ નાટકોમાં તેમણે અભિનય કર્યો. 1939માં તેમણે ચાર્લ્સ ડિકન્સની નવલકથા ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’નું નાટ્યરૂપાંતર કર્યું અને તેમાં હર્બર્ટ પૉકેટનું પાત્ર ભજવ્યું. તેના આ

અલેક ગિનિસ (સર)

સોપાનને ખૂબ સફળતા મળી હતી. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં તેમણે નૌકાદળમાં સેવાઓ આપી. ડૅવિડ લીનના દિગ્દર્શન હેઠળ રજૂ થયેલાં નાટકોમાં કરેલી ભૂમિકા માટે તેમણે ઘણી પ્રશંસા પ્રાપ્ત કરી. 1957માં ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ’માં તેમણે અભિનય કર્યો હતો. આ ફિલ્મને આખા વિશ્વમાં અદભુત સફળતા મળી. તેમાં મુખ્ય ભૂમિકા માટે અલેક ગિનિસને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. 1959માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો. ચલચિત્રજગતની અભિનેતા તરીકેની જ્વલંત કારકિર્દી બદલ 1980માં તેમને ખાસ ઑસ્કાર ઍવૉર્ડ આપવામાં આવ્યો. ‘ધ લૅવન્ડર હિલ મૉબ’ અને ‘સ્ટાર વૉર્સ’ ફિલ્મો માટે પણ તેમને ઑસ્કાર નૉમિનેશન મળ્યાં હતાં. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘ધ ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ (1946),‘ઑલિવર ટ્વિસ્ટ’ (1948), ‘લાસ્ટ હૉલિડે’ (1950), ‘ધ લૅવન્ડર હિલ મૉબ’ (1951), ‘ધ કૅપ્ટન્સ પૅરેડાઇઝ’ (1953), ‘ધ ડિટેક્ટિવ’ (1954), ‘ટુ પૅરિસ વિથ લવ’ (1954), ‘ધ સ્વાન’ (1956), ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ’ (1957), ‘ધ ફૉલ ઑવ્ રોમન એમ્પાયર’ (1963), ‘ડૉક્ટર ઝિવાગો’ (1965), ‘ધ કૉમેડિયન્સ’ (1967), ‘સ્ટાર વૉર્સ’ (1977), ‘અ પૅસેજ ટુ ઇન્ડિયા’ (1984) અને ‘કાફકા’ (1991) વિશેષ નોંધપાત્ર છે.

‘બ્લેસિંગ્સ ઇન ડિસગાઇઝ’ શીર્ષક હેઠળ તેમની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે.

પીયૂષ વ્યાસ