ગારબૉર્ગ, આર્ન ઇવનસન (જ. 25 જાન્યુઆરી 1851, ટીમ, નૉર્વે; અ. 14 જાન્યુઆરી 1924, અસ્કર) : નૉર્વેના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નાટ્યકાર તથા નિબંધકાર. નિનોર્સ્ક નામની નૉર્વેની નવી ભાષાની સાહિત્યિક શક્યતાઓનું સબળ પ્રતિપાદન કરનાર આ મહાન લેખકના જીવન અને કવનમાં કેન્દ્રસ્થાને સમાજસુધારણા છે.

ખેડૂત પિતાએ અતિશય ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે આત્મહત્યા કરી હતી. પરિણામે ગારબૉર્ગ રૂઢિચુસ્ત ધર્મપરાયણતાના કાયમ માટે ઉગ્ર વિરોધી બની ગયા. ટૉલ્સ્ટૉયની માફક ગારબૉર્ગની પણ એવી માન્યતા હતી કે ખ્રિસ્તી ધર્મ સામાજિક તથા ધાર્મિક ક્રાંતિ માટેની લોકપ્રવૃત્તિ છે. પછીનાં વર્ષોમાં તેમની વિચારસરણીમાં ડાબેરી ઝોક આવે છે અને તે સામ્યવાદ, અરાજકતાવાદ તથા મુક્ત સહચાર જેવી વિચારસરણીમાં વિશેષ રસ લેવા માંડે છે. જોકે એ વિચારધારામાં જડતા અને દુરાગ્રહ જણાય ત્યારે તેની ઉગ્ર ટીકા કરતાં પણ તે ખચકાતા નહિ.

આર્ન ઇવનસન ગારબૉર્ગ

શિક્ષક અને અખબારના સંપાદક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો, સાથે સાથે ભાષાસુધારણાની ઝુંબેશના પણ અગ્રેસર બન્યા. ત્યાર બાદ કિંગ ફ્રેડરિક યુનિવર્સિટી ખાતે અભ્યાસ શરૂ કર્યો. લેખક તરીકે સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે પુષ્કળ સાહિત્યસર્જન કર્યું છે. બીજી જ નવલકથા ‘પેઝન્ટ સ્ટુડન્ટ્સ’(1883)ના પ્રકાશન સાથે તેમણે મહાન લેખક તરીકેની પ્રતિષ્ઠા જમાવી. આ નવલકથામાં, રાજધાનીમાં અભ્યાસ માટે વસેલા ખેડૂત-વિદ્યાર્થીના જીવનના સંઘર્ષ નિમિત્તે ગ્રામીણ અને શહેરી જીવનશૈલી, સભ્યતા અને વિચારસરણી વચ્ચેના સંઘર્ષનું સમભાવપૂર્ણ નાટ્યોચિત નિરૂપણ કર્યું છે. આ રચનામાં વ્યક્ત થયેલો પ્રકૃતિવાદી અભિગમ ત્યાર બાદ જર્મનીનું સાહિત્યિક પારિતોષિક મેળવનાર નવલકથા ‘એટ મધર્સ’ (1890), ‘ટાયર્ડ મૅન’ (1891) તથા બીજી ઘણી રચનાઓમાં સતત વિકસતો રહ્યો છે. તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ તે ‘વુમન ઑવ્ ધ અંડરગ્રાઉન્ડ પીપલ’ (1895) તથા ‘હિલ ઇનોસન્ટ’ (1895) નામની કાવ્યશ્રેણી. તેમની અન્ય મહત્ત્વની રચનાઓમાં ‘ઑડિસી’નું (1918) તથા ‘મહાભારત’ના કેટલાક સર્ગોનું ભાષાંતર (1921) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમણે અને તેમની પત્નીએ સ્થાપેલી નાટ્યસંસ્થા માટે તૈયાર કરેલું બૅરન લુડવિગ હૉલબર્ગની પ્રશિષ્ટ કૉમેડી Jeppe på bjergetનું નાટ્યરૂપાંતર (1921) પણ તેમની યશોદા કૃતિ નીવડી છે. તેમણે ધાર્મિક સમસ્યાઓ પરનું નાટક ‘ધ ટીચર’ (1896) આપ્યું છે.

મહેશ ચોકસી