ગાડગીળ, નરહર વિષ્ણુ (જ. 1૦ જુલાઈ 1896, રતલામ, મધ્યપ્રદેશ; અ. 12 જાન્યુઆરી 1966, પુણે) : મહારાષ્ટ્રના અગ્રગણ્ય નેતા, ગાંધીજીના અનુયાયી અને સમાજસુધારક.
પિતાનું નામ વિષ્ણુ નારાયણ અને માતાનું નામ રાધાબાઈ. નાની વયે માતાનું મૃત્યુ થતાં તેમનાં કાકી કાશીબાઈએ તેમને ઉછેર્યા હતા.
શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ 19૦6માં તે પુણેના નૂતન મરાઠી વિદ્યાલયમાંથી મૅટ્રિક થઈ ઉચ્ચશિક્ષણ માટે વડોદરા કૉલેજમાં જોડાયા. 1918માં સ્નાતક અને 192૦માં એલએલ.બી. થયા.
વિદ્યાર્થીકાળથી તે આચાર્ય વિનાયકરાવ આપટે, પ્રખર વિદ્વાન ગણેશ વ્યંકટેશ જોશી તથા લોકમાન્ય ટિળક્ધાી ગાઢ અસર નીચે આવ્યા હતા. પાછલી અવસ્થામાં ભાસ્કરરાવ તામ્બે, બાપુસાહેબ ગુપ્તે, લક્ષ્મણરાવ આપટે, એન. સી. કેળકર, ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ, વલ્લભભાઈ, જવાહરલાલ અને મૌલાના અબુલ કલામ આઝાદની અસર નીચે આવ્યા હતા. તેમની આત્મકથામાં ગાંધીજી અને સરદાર પટેલને કૃતજ્ઞતાપૂર્વક અવારનવાર યાદ કર્યા છે. રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદના લખાણે તથા ટિળકના ‘ગીતારહસ્ય’ ગ્રંથે તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા. વીર સાવરકર સહિત અન્ય ક્રાંતિકારીઓના સાહિત્યના વાચનનો તેમને શોખ હતો.
થોડો વખત ટિળક મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા બાદ 192૦થી તે રાષ્ટ્રીય કૉંગ્રેસના કાર્યમાં ઓતપ્રોત થઈ ગયા હતા. 1921થી શરૂ થયેલી બધી રાષ્ટ્રીય ચળવળમાં તેમણે ભાગ લીધો હતો અને કુલ પાંચ વરસ ઉપરાંત જેલ ભોગવી હતી.
ત્રણ દાયકા સુધી ગાડગીળ કૉંગ્રેસ પક્ષમાં પદાધિકારી હતા. તે પુણે જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય, ભારતીય લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 1934થી 37 દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તે લાંબા વખત સુધી કૉંગ્રેસ લેજિસ્લેટિવ પક્ષના દંડક (whip) અને મંત્રી હતા. કેટલાક વખત સુધી મહારાષ્ટ્ર કૉંગ્રેસ સમિતિના તે પ્રમુખ અને કૉંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય રહ્યા. 1946માં મધ્યસ્થ પગારપંચના સભ્ય અને 1947થી 52 સુધી ભારત સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન હતા. 1958થી 62 દરમિયાન તે પંજાબના રાજ્યપાલ હતા અને નિવૃત્તિ બાદ 1966માં પુણે વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર બન્યા હતા. તે હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષાના પ્રભાવશાળી વક્તા હતા.
1923માં તે મહારાષ્ટ્રની સાર્વજનિક સભાના મંત્રી; 1924માં પુણેના ‘યંગમેન્સ ઍસોસિયેશન’ના એક સ્થાપક સભ્ય; 1928માં તાંજોર અધિવેશનમાં ‘મહારાષ્ટ્ર યૂથ લીગ’ના પ્રમુખ; 1929માં ‘પુણે મધ્યસ્થ સહકારી બક’ના ચૅરમૅન અને 1931માં પુણે નગરપાલિકાના ઉપપ્રમુખ રહ્યા હતા.
સામાજિક સુધારણા અંગે તે ઉદાર વિચારસરણી ધરાવતા હતા અને જ્ઞાતિસંસ્થાના વિરોધી હતા. 1925માં બ્રાહ્મણ-અબ્રાહ્મણ વચ્ચેના સંબંધો સુધારવા તેમણે પ્રયત્નો કર્યા હતા. અસ્પૃશ્યતાના દૂષણના પ્રખર વિરોધી તરીકે તેમણે 1929માં પુણેનું પાર્વતી મંદિર અછૂતો માટે ખુલ્લું મૂકવાની ચળવળમાં આગળ પડતો ભાગ લીધો હતો. તે સ્ત્રીઓ અને ખાસ કરીને વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના હિમાયતી હતા.
તેમણે ‘હનારાવ’ તખલ્લુસથી સામયિકોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, કાયદો અને બંધારણીય વિકાસ ઉપર ઘણા લેખો લખ્યા હતા. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પૈકી ‘પથિક’, ‘લાલ કિલ્લાચ્યા છાયેત’, ‘કાહી મોહરા કાહી મોતી’ (ભારતીય નેતાઓનાં રેખાચિત્રોનું પુસ્તક) તથા ‘માઝે સમકાલીન’ નોંધપાત્ર છે.
શિવપ્રસાદ રાજગોર