ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે બાગપત અને મેરઠ, પૂર્વ તરફ જ્યોતિબા ફૂલેનગર (મોરાદાબાદ), દક્ષિણ તરફ બુલંદશહર જિલ્લા અને પશ્ચિમ તરફ દિલ્હીનું રાજ્ય આવેલાં છે. જિલ્લામથક ગાઝિયાબાદ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ગાઝિયાબાદ

ભૂપૃષ્ઠ : ગાઝિયાબાદ જિલ્લાનું ભૂપૃષ્ઠ સમતળ સપાટ છે. તે ગંગા-જમનાના દોઆબનો એક ભાગ છે. અહીંની જમીનો નદીઓના કાંપથી બનેલી હોવાથી ફળદ્રૂપ છે. આ જિલ્લો ખરાઉ પ્રકારની વનસ્પતિવાળા ઉપ-અયનવૃત્તીય પ્રદેશમાં આવેલો હોવાથી અહીં જંગલો નથી. સીસમ, આંબા, જાંબુડો, આમલી અને બાવળ અહીંનાં મુખ્ય વૃક્ષો છે; તે ઉપરાંત કાચનાર, ગુલમહોર, અશોક, અમલતાસ, નીલગિરિ અને ચમેલીનાં વૃક્ષો પણ જોવા મળે છે.

આબોહવા : આ પ્રદેશ સમુદ્રથી દૂર આવેલો હોવાથી ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. મે માસનું મહત્તમ તાપમાન 42°થી 46° સે. અને જાન્યુઆરીનું લઘુતમ તાપમાન 5°થી 8° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 600–700 મિમી. જેટલું રહે છે.

જળપરિવાહ : જિલ્લાની પૂર્વ તરફ ગંગા નદી અને પશ્ચિમ તરફ યમુના નદી વહે છે. આ જિલ્લાએ બંને નદીઓના દોઆબનો પ્રદેશ આવરી લીધેલો છે.

ખેતીપશુપાલન : ખેતી અને સિંચાઈની ર્દષ્ટિએ આ જિલ્લો સારી રીતે વિકસેલો છે. ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળ અહીંના ખાદ્યપાકો છે; જ્યારે શેરડી, કપાસ, તમાકુ, સરસવ, રાયડો, બટાટા રોકડિયા પાકો છે. અહીં નહેરો અને કૂવા દ્વારા સિંચાઈ થાય છે.

જિલ્લામાં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાંની સંખ્યા વિપુલ પ્રમાણમાં છે. અહીંની દૂધની એકસોથી વધુ સહકારી મંડળીઓ દિલ્હીને દૂધ પૂરું પાડે છે. જિલ્લામાં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો, ગર્ભાધાન કેન્દ્રો આવેલાં છે. આ ઉપરાંત અહીં અંદાજે 500 જેટલાં મરઘાં-બતકાં ઉછેર કેન્દ્રો પણ કાર્યરત છે.

ઉદ્યોગો : દિલ્હી તદ્દન નજીક આવેલું હોવાથી ગાઝિયાબાદની આજુબાજુ ઉદ્યોગો વિકસ્યા છે. નોઇડામાં ઔદ્યોગિક સંકુલ ઊભું થયું છે. આ જિલ્લામાં અંદાજે 2400 નાના પાયાના, 150 મધ્યમ કક્ષાના અને ત્રણ મોટા પાયાના ઉદ્યોગો વિકસ્યા છે. અહીં ખાદી ઉદ્યોગ, કૃષિ-ઉપયોગી ઓજારો, રાચરચીલું, સાબુ, પગરખાં, ઘાણીઓ, ચામડાની ચીજવસ્તુઓ, હાથબનાવટનો કાગળ તથા હાથવણાટ વગેરેના એકમો આવેલા છે.

વેપાર : જિલ્લામાં સિમેન્ટની પાઇપો, રાયડાનું તેલ, કાચનો સામાન, હાથવણાટનું કાપડ, રેલવે સિગ્નલ, સીવવાના સંચા, ટાયર-ટ્યૂબ, સાબુ અને ગોળનું ઉત્પાદન લેવાય છે. નિકાસ કરવામાં આવતી ચીજોમાં સિમેન્ટની પાઇપો, ખાદ્યાન્ન, હાથસાળનું કાપડ, નાયલૉન રેસા, તૈયાર પોશાકો, રેલવે સિગ્નલ, ગોળ અને ફળો તથા આયાત કરવામાં આવતી ચીજોમાં સિમેન્ટ, કાપડ, લોખંડ, અનાજ, લોખંડની યંત્રસામગ્રી, ખાંડ, કેરોસીન અને સૂતરનો સમાવેશ થાય છે.

પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની લંબાઈ અનુક્રમે 172 કિમી. અને 748 કિમી. જેટલી છે; તે પૈકી રાષ્ટ્રીય ધોરી માર્ગો (84 કિમી.), રાજ્ય ધોરી માર્ગો (94 કિમી.), જિલ્લા માર્ગો (266 કિમી.) અને અન્ય માર્ગો(298 કિમી.)નો સમાવેશ થાય છે. રાજ્ય પરિવહન નિગમની તેમજ ખાનગી બસવ્યવહારથી અવરજવર થાય છે.

પ્રવાસન : અહીં ગઢમુક્તેશ્વર સ્થળનું ધાર્મિક ર્દષ્ટિએ ઘણું મહત્વ છે, ત્યાં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે, જેમાં 10થી 15 લાખ લોકો ગંગાસ્નાનનો લાભ લે છે. વર્ષની જુદી જુદી ઋતુ દરમિયાન અહીં મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન થાય છે.

વસ્તી–લોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી 52,82,353 જેટલી છે. તે પૈકી 55% પુરુષો અને 45% સ્ત્રીઓ છે તથા તે જ પ્રમાણે ગ્રામીણ વસ્તી 55% અને શહેરી વસ્તી 45% જેટલી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીંની વસ્તી પૈકી 50% હિન્દુઓ છે, જ્યારે બાકીના 50%માં ઊતરતા ક્રમે મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન તથા અન્યનો સમાવેશ થાય છે. શિક્ષિતોનું પ્રમાણ 55% જેટલું છે. શાળા-કૉલેજોનું પ્રમાણ મધ્યમસરનું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકાઓ અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 24 નગરો અને 744  ગામડાં આવેલાં છે.

ગાઝિયાબાદ (શહેર) : ગાઝિયાબાદ દિલ્હીથી ઈશાનમાં 21 કિમી.ને અંતરે આવેલું છે. તે મહત્વનું વેપારી મથક હોવાથી ત્યાં ઘઉં, બાજરી, ચામડાની ચીજવસ્તુઓ તથા ધાતુઓની વસ્તુઓનું મોટું બજાર વિકસ્યું છે. અહીં પ્રક્રમિત ખાદ્ય ચીજો તથા લોખંડ-પોલાદનાં કારખાનાં આવેલાં છે, વળી હાથસાળ દ્વારા સુતરાઉ કાપડ પણ તૈયાર થાય છે. દિલ્હી નજીક હોવાથી તેનો ઝડપી વિકાસ થયો છે. અહીં રેલવેનું કેન્દ્ર અને રેલવેની મોટી કોલોની છે. દિલ્હી–કૉલકાતા માર્ગ અહીંથી પસાર થાય છે. દિલ્હીથી કૉલકાતા જતી રેલવેનો જ્યોતિબા ફૂલેનગર (મોરાદાબાદ) જતો ફાંટો અહીંથી જુદો પડે છે. વસ્તી આશરે 24,41,000 (2023).

ઇતિહાસ : વેદોના સમયના આર્યોએ આ પ્રદેશમાં તેમની પ્રથમ વસાહતો સ્થાપી હતી. વેદિક સંસ્કૃતિનો વિકાસ આ પ્રદેશમાં થયો હતો. અનુવેદ કાલમાં આ પ્રદેશ પર કુરુ વંશના રાજાઓ શાસન કરતા હતા. ઈ. પૂ. 4થી સદીના મધ્યમાં તેમને નંદ વંશના રાજાઓએ હઠાવ્યા અને ઈ. પૂ. 324માં મૌર્યોએ તેમને દૂર કર્યા. ઈ. સ.ની 4થી સદીમાં ત્યાં ગુપ્તવંશના રાજાઓનું શાસન હતું. ઈસુની 6ઠ્ઠી સદીમાં કનોજના મુખરીઓએ તે પ્રદેશ કબજે કર્યો. 9મી તથા 10મી સદીઓ દરમિયાન કનોજના ગૂર્જર પ્રતિહારોના સામ્રાજ્યનો તે એક ભાગ હતું. ત્યાંના સ્થાનિક રાજાઓ  સામંતો વાસ્તવિક સત્તા ભોગવતા અને અનુકૂળ સંજોગો હોય ત્યારે સ્વતંત્ર થઈ જતા. ઈસુની 12મી સદીમાં પૃથ્વીરાજ ચૌહાણ આ પ્રદેશ પર સત્તા ભોગવતો હતો. તે પછી કુત્બુદ્દીન ઐબકે આ પ્રદેશ કબજે કર્યો. મુઘલોની સત્તા સ્થપાઈ ત્યાં સુધી તે પ્રદેશ દિલ્હી સલ્તનતમાં રહ્યો. 1740માં મુઘલ શહેનશાહ મોહમ્મદ શાહના વજીર ગાઝીઉદ્દીને ગાઝિયાબાદ નગર વસાવ્યું. ફેબ્રુઆરી 1771માં શહેનશાહ શાલ આલમ બીજો એક સંધિ દ્વારા આ પ્રદેશ દોલતરાવ સિંધિયાને આપવા કબૂલ થયો. ડિસેમ્બર 1803ની સુરજ અરજુનગાંવની સંધિ દ્વારા દોલતરાવે આ પ્રદેશ અંગ્રેજોને સોંપ્યો.

14 નવેમ્બર 1976ના રોજ ગાઝિયાબાદ જિલ્લો રચવામાં આવ્યો.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ