ગાઝા : ભૂમધ્ય સમુદ્રના કિનારાથી 5 કિમી., તેલ અવીવથી 64 કિમી. અને જેરૂસલેમની વાયવ્યે 80 કિમી. દૂર આવેલું પેલેસ્ટાઇનનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 31° 25’ ઉ. અ. અને 34° 20’ પૂ. રે.. પ્રાદેશિક પટ્ટી તરીકે તેનું ક્ષેત્રફળ 378 કિમી. છે. લંબાઈ 42 કિમી. અને પહોળાઈ 6થી 10 કિમી. છે. આ નગરની ગાઝાપટ્ટી ભારે રાજકીય વિવાદનું કેન્દ્ર છે. તેમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંકળાયેલાં છે.

આ પ્રદેશ અર્ધરણ જેવો સૂકો છે. તેની આબોહવા ભૂમધ્ય સમુદ્રના પ્રદેશ જેવી છે. સરાસરી તાપમાન 28° સે. રહે છે. ઑગસ્ટ માસ સૌથી વધુ ગરમ હોય છે. શિયાળો ટૂંકો, પણ શીતળ અને ભેજવાળો હોય છે. શિયાળામાં 350 મિમી. વરસાદ પડે છે. સમુદ્ર નજીક હોવાથી આબોહવા સમધાત છે.

અહીં ઘાસ, કાંટાળાં વૃક્ષો તથા દ્રાક્ષ, લીંબુ, નારંગી, બદામ જેવાં ફળનાં વૃક્ષો તથા ઘઉં, જવ વગેરે થાય છે. લોકોનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે.

લોકો ઘેટાં, બકરાં, ઊંટ જેવાં પ્રાણીઓ ઉછેરે છે. પશુપાલન ગૌણ ઉદ્યોગ છે. પ્રક્રિયા કરેલી ખાદ્ય વસ્તુઓ બનાવવાનો તથા કાપડનો મુખ્ય ઉદ્યોગ છે. માટીનાં કાળાં વાસણો વખણાય છે. મચ્છીમારી દરિયાકિનારે વસતા લોકોનો ઉદ્યોગ છે.

આ શહેરનો ભાતીગળ ઇતિહાસ છે. ઈ. પૂ. 1468માં ઇજિપ્તના રાજાએ અહીં કિલ્લો બંધાવ્યો હતો. ઈ. પૂ. આઠમી અને નવમી સદી દરમિયાન ગાઝા ઍસીરિયાને તાબે અને ત્યાર બાદ બૅબિલોન નીચે હતું. ઈ. સ. 542માં ઈરાને અને ઈ. પૂ. 322માં ઍલેક્ઝાન્ડરે તે કબજે કર્યું હતું. રોમનો અને યહૂદીઓ વચ્ચે આ શહેરના કબજા માટે ઘર્ષણો થયાં હતાં. ઈ. સ. 634માં તે મુસલમાનોના કબજામાં આવ્યું હતું અને સોળમી સદીમાં તે ઑટોમન સામ્રાજ્ય નીચે હતું. 1799માં નેપોલિયન બોનાપાર્ટે તે કબજે કર્યું હતું. ફ્રેન્ચ સત્તા નષ્ટ થતાં ક્રમશ: તે ઇજિપ્ત અને તુર્કસ્તાનના શાસન નીચે હતું.

1917માં પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડે તે જીતી લીધું હતું અને રાષ્ટ્રસંઘે તેને વહીવટ સોંપ્યો હતો (મેન્ડેટ પ્રદેશ). 1948માં પેલેસ્ટાઇનના ભાગલા પાડી આરબ રાજ્ય નીચે ગાઝાપટ્ટી મૂકવા નિર્ણય લેવાયો હતો; પણ પેલેસ્ટાઇનનું આરબ રાજ્ય જન્મે તે પૂર્વે ઇજિપ્તે ગાઝાપટ્ટીનો કબજો લઈ લીધો હતો. 1947–49ના આરબ-ઇઝરાયલ-યુદ્ધ ફાટી નીકળતાં ઇઝરાયલે ગાઝા શહેર સહિત ગાઝાપટ્ટી કબજે કરી હતી. આરબ–ઇઝરાયલ વચ્ચે થયેલ સંધિ કરાર મુજબ તે ઇજિપ્તના શાસન નીચે મુકાયું. 1956માં ઇઝરાયલે સિનાઈ પ્રદેશ ઉપર આક્રમણ કરી ગાઝા કબજે કરી લીધું હતું, પણ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તે પ્રદેશ છોડી દીધો હતો. જૂન 1967માં ઇઝરાયલે ફરી ગાઝાપટ્ટી કબજે કરી હતી. સપ્ટેમ્બર 1993માં શરૂ થયેલી ઇઝરાયલ તથા પી.એલ.ઓ. વચ્ચેની મંત્રણાના આધારે ગાઝાપટ્ટી ખાલી કરવા ઇઝરાયલ સંમત થયું છે.

1994થી ગાઝાપટ્ટીનો વહીવટ પેલેસ્ટાઇન સત્તાવાળાઓ કરવા લાગ્યા. મે 1996માં ગાઝાપટ્ટીનું કાયમી સ્થાન ક્યાં હોય તે અંગેની મંત્રણાઓ આરંભાઈ; પરંતુ જેરૂસલેમના અંકુશ બાબતે હિંસા ફાટી નીકળતા ગાઝાપટ્ટીની વાત અધૂરી છૂટી ગઈ.

ઇઝરાયલના વડા એરિયલ શેરોન અને પેલેસ્ટાઇનના વડા મહેમુદ અબ્બાસ બંને દેશોની પ્રજાઓ વચ્ચેની ‘તકરારના નિવારણ’ માટે સંમત થયા. ઑગસ્ટ 2005માં ઇઝરાયલે ગાઝાનો કેટલોક વિસ્તાર ખાલી કર્યો. 1967ના યુદ્ધ પછી પહેલી વાર આમ બન્યું હતું. માર્ચ, 2002માં યુનોની સલામતી સમિતિએ પેલેસ્ટાઇનના સ્વતંત્ર રાજ્યના વિચારને સંમતિ આપી, આમ છતાં 2002 સુધી પેલેસ્ટાઇન દ્વારા આત્મઘાતી હુમલાઓ ચાલુ રહ્યા હતા.

પેલેસ્ટાઇનની સ્વતંત્ર રાજ્ય બનવાની મથામણ સાથે ગાઝા શહેરની સમસ્યા સંકળાયેલી છે. પેલેસ્ટાઇનમાં જાન્યુઆરી 2006માં ‘હમાસ’ લડાયક જૂથ ચૂંટણી દ્વારા સત્તા પર આવતાં તેણે ઇઝરાયલનો વિનાશ કરવાની વાત કરી. એથી ફરી ઇઝરાયલ પેલેસ્ટાઇન સાથેના સુમેળભર્યા સંબંધોથી દૂર ગયું છે. આથી ગાઝાપટ્ટીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ઠેલાઈ ગયો છે. પેલેસ્ટાઇનનું આંતરિક રાજકારણ ડામાડોળ છે. ડિસેમ્બર 2006માં અન્ય શક્તિશાળી જૂથ ‘ફત્તાહ’ અને ‘હમાસ’ રાષ્ટ્રીય સરકાર સ્થાપી શક્યા નથી. આંતરિક અશાંતિ અને પડોશી રાજ્ય ઇઝરાયલ સાથેનો વિખવાદ દર્શાવે છે કે ગાઝા શહેર અને ગાઝાપટ્ટીનો વિવાદ ટૂંકા ગાળામાં શમે તેમ નથી.

શિવપ્રસાદ રાજગોર