ગાંધી, ફિરોઝ જહાંગીર (જ. 12 સપ્ટેમ્બર 1912, મુંબઈ; અ. 8 સપ્ટેમ્બર 1960, ન્યૂદિલ્હી) : સમાજવાદી ધ્યેયને વરેલા તથા જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોનો આગ્રહ રાખનાર રાજકારણી તથા સંસદસભ્ય. મૂળ ભરૂચના જહાંગીર ફેરેદૂન ગાંધીના પરિવારમાં મુંબઈમાં જન્મ. વિદ્યાભ્યાસ અલ્લાહાબાદમાં. પ્રથમ બાલ સ્કાઉટમાં અને પછી કૉંગ્રેસ મારફતે સ્વરાજની ચળવળમાં સામેલ થયા તેથી જવાહરલાલ નહેરુ અને કેશવદેવ માલવીય આદિનો નિકટ પરિચય પામ્યા. મીઠાની લડતમાં 1930માં અને ત્યાર બાદ 1932માં જેલવાસ.

ઉચ્ચ અભ્યાસ માટે તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા (1935). લંડનવાસમાં ભૂપેશ ગુપ્તા, મોહન કુમારમંગલમ્, રજની પટેલ, રેણુ ચક્રવર્તી, નિખિલ ચક્રવર્તી, જ્યોતિ બસુ આદિ સહપાઠીઓ સાથે ફાસીવાદ ને સામ્રાજ્યવાદવિરોધી ચળવળોમાં સક્રિય બન્યા. શાપુરજી સકલાતવાલા અને રજની પામદત્તના સીધા પરિચયમાં આવ્યા અને સ્પૅનિશ દેશભક્તોની સહાય માટે ઇંગ્લૅન્ડના ભારતીય વિદ્યાર્થીઓની સમિતિના કોષાધ્યક્ષ થયા. ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશનના લંડન ખાતેના પ્રતિનિધિ હતા (1936).

ફિરોઝ જહાંગીર ગાંધી

એ જ ગાળામાં તેઓ યુરોપમાં સારવાર લઈ રહેલાં કમલા જવાહરલાલ નહેરુની વખતોવખત સંભાળ, મુલાકાત લેતા. એમની અંતિમ ક્ષણોમાં પણ જવાહર-ઇન્દિરા સાથે હાજર રહ્યા હતા. (28–2–1936). 1941માં ભારત આવ્યા. એ જ વરસે લખનૌમાં ભારત-સોવિયેત મૈત્રી સંઘની સ્થાપનામાં જોડાયા. માર્ચ, 1942માં ઇન્દિરા નહેરુ સાથે લગ્ન. બાદ હિન્દ છોડો ચળવળ નિમિત્તે પુન: જેલવાસ (સપ્ટેમ્બર 1942). મુક્તિ પછી દૈનિક ‘નૅશનલ હેરલ્ડ’ની જવાબદારી સંભાળવા સાથે તેમણે બંધારણસભામાં પ્રવેશ (1946) કર્યો અને ત્યાર બાદ 1952 અને 1957માં લોકસભામાં ચૂંટાયા.

સાંસદ તરીકે ઓજસ્વી અસ્ખલિત ને અભ્યાસપૂર્ણ વક્તા તરીકેનું સ્થાન તેમણે મેળવ્યું. વક્તવ્યો ને પ્રશ્નોત્તરી તથા ઇતર રજૂઆત-તકોમાં તેમણે મુખ્ય પ્રતિપાદન સમાજવાદની દિશામાં જાહેર ક્ષેત્રના વિસ્તરણનું ઉત્તરદાયિત્વનું કર્યું. તેલ-ઉદ્યોગના રાષ્ટ્રીયકરણના હિમાયતીઓમાં તેઓ સર્વપ્રથમ રહ્યા. દાલમિયા આદિ ખાનગી ઉદ્યોગગૃહો સંચાલિત વીમા કંપનીઓની ગેરરીતિઓની આધારભૂત રજૂઆતને કારણે જીવન વીમાના રાષ્ટ્રીયકરણમાં તેઓ અગ્રનિમિત્ત બન્યા (1956).

પરંતુ સંસદીય કારકિર્દીની કળશઘટનામાં તેમણે મુંદડા પ્રકરણનો પર્દાફાશ (1957) કર્યો. જીવન વીમા કૉર્પોરેશને (એલ.આઇ.સી.) ખાનગી ઉદ્યોગપતિ મુંદડાને ખટાવવા માટે કરેલ નાણાંરોકાણની ખરાઈ તપાસ સાચી પુરવાર થતાં નાણાપ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારીને રાજીનામાની ફરજ પડી હતી.

અસરકારક સંખ્યામાં વિરોધપક્ષ નહોતો ત્યારે પણ, સત્તાપક્ષના એક જાગ્રત સાંસદ તરીકે પ્રજાહિત ને રાષ્ટ્રહિતમાં તેમની ખોટ ન સાલવા દેનાર ચુનંદી પ્રતિભા લેખે તેમનું પ્રદાન અજોડ રહ્યું.

પ્રકાશ ન. શાહ