ગાંધી, પ્રિયંકા (જ. 12 જાન્યુઆરી, 1972, દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ. ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસના પ્રભારી. તેઓ કૉંગ્રેસના સક્રિય નેતા છે, પણ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યાં નથી. માતાની સંસદીય બેઠક રાયબરેલી(ઉત્તરપ્રદેશ)માં તથા ભાઈ રાહુલ ગાંધીની લોકસભા બેઠકો અમેઠી(ઉત્તરપ્રદેશ) અને વાયનાડ(કેરળ)માં પ્રચારની સાથે કોંગ્રેસ માટે વિવિધ કામગીરી કરે છે.

પ્રિયંકા ગાંધીનો જન્મ ભારતીય રાજકારણમાં પ્રસિદ્ધ અને સ્વતંત્રતાસંગ્રામમાં મોખરે રહેનાર પરિવાર ગાંધી-નેહરુમાં થયો. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પુત્રી અને ઇન્દિરા ગાંધીનાં પૌત્રી. માતા સોનિયા ગાંધી. તેમના દાદા ફિરોઝ ગાંધી પણ લોકસભાના સાંસદ હતા. તેઓ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનાં પ્રપૌત્રી પણ છે.

પ્રારંભિક શિક્ષણ વર્ષ 1984 સુધી દેહરાદૂની વેલ્હામ ગર્લ્સ સ્કૂલમાં મેળવ્યું. 1984માં તત્કાલિક વડાપ્રધાન અને તેમના દાદી ઇન્દિરા ગાંધીની તેમના શીખ બૉડીગાર્ડોએ હત્યા કર્યા પછી સુરક્ષા સંબંધિત કારણોસર દિલ્હીમાં ઘરેથી જ શિક્ષણ મેળવવાની ફરજ પડી. પછી દિલ્હી યુનિવર્સિટીની જિસસ એન્ડ મેરી કૉલેજમાંથી તેમણે મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 2010માં બૌદ્ધ સંપ્રદાયના અભ્યાસમાં માસ્ટર ડિગ્રી મેળવી.

18 ફેબ્રુઆરી, 1997ના રોજ દિલ્હીના વ્યવસાયિક રોબર્ડ વાડ્રા સાથે હિંદુ પરંપરા અનુસાર તેમણે લગ્ન કર્યા. તેમને બે સંતાનો છે – પુત્ર રૈહાન અને પુત્રી માયરા વાડ્રા. પોતાના ભાઈ રાહુલ ગાંધીની જેમ પ્રિયંકા પણ શરૂઆતનાં વર્ષોમાં રાજકારણથી અળગાં રહ્યાં. જોકે વર્ષ 1999માં લોકસભાની ચૂંટણીમાં એક સમયે પિતા રાજીવ ગાંધીના જમણા હાથ સમાન અને પારિવારિક સભ્ય અરુણ નહેરુએ ભાજપના ઉમેદવાર તરીકે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા પ્રિયંકા ગાંધીએ આ બેઠક પરથી ગાંધી પરિવારના વિશ્વાસુ અને ઉમેદવાર સતીષ શર્મા માટે પ્રચારની કમાન સંભાળી હતી. ત્યારબાદ રાયબરેલીની બેઠક પરથી અરુણ નેહરુનો પરાજય થયો હતો. પછી પ્રિયંકા ગાંધી દેશભરમાં જાણીતા થયા હતા અને તેમની અંદર રાજકીય વિશ્ર્લેષકો તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવો પ્રભાવ હોવાનો દાવો કરતા હતા.

વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીના ચૂંટણીપ્રચારની જવાબદારી તેમણે સંભાળી. તેમાં તેમની માતાનો રાયબરેલી બેઠક પરથી અને ભાઈ રાહુલનો અમેઠી બેઠક પરથી વિજય થયો. ત્યારબાદ પ્રિયંકા ગાંધી પણ રાજકારણમાં સક્રિય થશે એવી અટકળો શરૂ થઈ હતી. છતાં એક દાયકા સુધી તેમણે કૉંગ્રેસમાં કોઈ પણ હોદ્દો સંભાળ્યો નહીં.

23 જાન્યુઆરી, 2019ના રોજ પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમને ઉત્તરપ્રદેશ પૂર્વની જવાબદારી સુપરત થઈ હતી અને કૉંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં હતાં.

પ્રિયંકા ગાંધીએ 23 ઑક્ટોબર, 2021માં બારાબંકીમાંથી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. કૉંગ્રેસને ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ચમત્કારિક પરિણામોની આશા હતી, પણ કોંગ્રેસનો રકાસ થયો હતો.

કેયૂર કોટક