ગાંગુલી, માણિકરામ : અઢારમી સદીના બંગાળી કવિ. એમનું ધર્મનો મહિમા કરતું ‘ધર્મમંગલ’ કાવ્ય બંગાળીનાં મંગલકાવ્યોની પરંપરામાં ઉલ્લેખનીય છે. તે અત્યંત રસપ્રદ અને વ્યંગ્યથી ભરપૂર છે. તેમાં ભૂતપૂર્વ બંગાળી કવિઓનો વ્યંગ્યાત્મક ઉલ્લેખ જોવા મળે છે. એ પરંપરાનાં કાવ્યોમાં કોઈ એક દેવના માહાત્મ્યનું કીર્તન હોય છે. જેમાં મનસા, ચંડી, દુર્ગા વગેરે મુખ્ય હોય છે. માણિકરામનું ‘ધર્મમંગલ’ કાવ્ય 1781માં રચાયું છે. એમાં વિષ્ણુનો મહિમા ગાયો છે. એની વિશેષતા એ છે કે એ બોલચાલની ભાષામાં પયાર છંદમાં રચાયું છે. એમાં ઘણી સૂત્રાત્મક ઉક્તિઓ આવે છે.

ચન્દ્રકાન્ત મહેતા