ગાંગુલી, સૌરવ (જ. 8 જુલાઈ 1972, કૉલકાતા) : જાણીતા ડાબેરી બૅટ્સમૅન.

પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી, માતાનું નામ નિરૂપમા ગાંગુલી અને પત્નીનું નામ ડોના ગાંગુલી (ભારતીય ક્લાસિકલ ડાન્સર).

કૉલકાતાના અતિ ધનવાન કુટુંબમાં જન્મેલ સૌરવ બાળપણથી ખૂબ જ સુખ-સાહ્યબીમાં રહેલો. પરિણામે તેને બધા લોકો મહારાજા તરીકે ઓળખતા. શરૂઆતમાં ફૂટબૉલ તરફ આકર્ષણ હતું છતાં તેના મોટા ભાઈ સ્નેહાશીષ બંગાળ તરફથી ક્રિકેટ રમતા તેથી અને તેમના જ આગ્રહથી ગાંગુલીએ પણ પોતાનું ધ્યાન ક્રિકેટમાં વધુ આપ્યું. જોકે ગાંગુલીની માતા નહોતી ઇચ્છતી કે તેમનો પુત્ર પોતાની કારકિર્દી ક્રિકેટમાં બનાવે. પરંતુ મોટા ભાઈના આગ્રહથી પિતાએ ઉનાળુ વૅકેશનમાં ક્રિકેટ કોચીંગ  કૅમ્પમાં જવાની અનુમતી આપી. આ સમયે ગાંગુલી ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો.

શરૂઆતમાં જમણા હાથે રમતા ગાંગુલી પોતાના મોટા ભાઈનાં સાધનોનો ઉપયોગ કરી શકે તે હેતુથી તેણે ડાબે હાથે રમવાનું શરૂ કર્યું. આ માટે તેના ઘરે જ કૉંક્રીટની વિકેટ બનાવવામાં આવી જેથી તે જ્યારે પણ ઇચ્છે પોતાના મોટા ભાઈ સાથે ક્રિકેટની પ્રૅક્ટિસ કરી શકે. વધુમાં બંને ભાઈઓ પોતે ક્રિકેટ વધુ સારી રીતે રમી શકે તે માટે પોતાના આદર્શ ખેલાડી ઇંગ્લૅન્ડના ડેવિડ ગોવરની વીડિયો વારંવાર જોતા.

પંદર વર્ષથી નાના ખેલાડીઓની ટીમમાં ઓરિસા સામે સદી કરી પરિણામે તેને પોતાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ટીમનો સુકાની બનાવાયો. પોતાના સ્વભાવના કારણે તેને તેના સાથી ખેલાડીઓની ફરિયાદનો વારંવાર શિકાર બનવું પડતું. પોતે ટીમના બારમા ખેલાડી બનવાની સ્પષ્ટ ના પાડતો. તે માનતો કે બારમા ખેલાડીનું કામ પોતાના સામાજિક દરજ્જાને અનુરૂપ નથી. જોકે તેની રમત એટલી આકર્ષક હતી કે માત્ર 17 વર્ષની વયે બંગાળ તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમવાની તક મળી. યોગાનુયોગ આજ વર્ષે તેના મોટા ભાઈને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો. 1990-91થી રણજી ટ્રૉફી રમતા ગાંગુલીને 1992માં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌપ્રથમ વખત ભારતીય ટીમ તરફથી રમવા મળ્યું. જોકે આ મૅચમાં તેણે માત્ર ત્રણ રન જ કર્યા જેથી તેને ટીમમાં આગામી મૅચ માટે સ્થાન ન મળ્યું.

1993-94 અને 1994-95માં રણજી ટ્રૉફીમાં તેના પ્રભાવશાળી દેખાવના કારણે તેને દુલિપ ટ્રૉફીમાં રમવા મળ્યું. અહીં તેણે એક મૅચમાં 171 રન કર્યા, પરિણામે 1996માં ઇંગ્લૅન્ડના પ્રવાસે જનાર ભારતીય ટીમમાં તેને સ્થાન મળ્યું.

20મી જૂન 1996ના રોજ લૉર્ડ્ઝમાં રમાયેલ શ્રેણીની બીજી ટેસ્ટમાં સૌપ્રથમ વખત રમતાં એક માત્ર દાવમાં ગાંગુલીએ 439 મિનિટમાં 301 દડા રમી 20 ચોગ્ગાની મદદથી શાનદાર 131 રન કર્યા. પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી કરનાર ગાંગુલી ભારતનો દસમો અને વિશ્વનો 61મો ખેલાડી બન્યો એટલું જ નહીં ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં પ્રથમ ઓવરમાં નાસિર હુસેનને આઉટ કરી પોતાની પ્રથમ ઓવરમાં જ વિકેટ લીધી. આમ ટેસ્ટ  પ્રવેશે સદી અને પ્રથમ ઓવરમાં વિકેટની વિરલ સિદ્ધિ ગાંગુલીએ મેળવી. ત્યારબાદ ટેન્ટબ્રિજની ત્રીજી ટેસ્ટમાં તો ગાંગુલીએ ફરી એક વખત સદી કરતા 136 રન કર્યા સાથે સાથે સચિન તેંડુલકર સાથે ત્રીજી વિકેટ માટે 255 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી ભારતની ઇંગ્લૅન્ડમાં કોઈ પણ વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારી બની. ટેસ્ટ ક્રિકેટની પ્રથમ બંને ટેસ્ટમાં સતત બે સદી કરનાર ગાંગુલી વેસ્ટ ઇન્ડીઝના એલ્વીન કાલીચરણ પછી બીજો ખેલાડી બન્યો. જોકે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી બૉરેન્સ રોવે પોતાની પ્રથમ ટેસ્ટના બંને દાવમાં સદી કરી હતી. આમ ગાંગુલી વિશ્વનો એવો ત્રીજો ખેલાડી કહેવાયો જેણે સતત બે દાવમાં સદી કરી હોય.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પછી સચિન તેંડુલકરે સુકાની પદ છોડતાં 10 નવેમ્બર, 2000ના રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં સૌરવને ભારતીય ટીમનો સુકાની બનાવાયો. સુકાની તરીકે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવી ગાંગુલી ભારતનો માત્ર પાંચમો સુકાની બન્યો, જેણે પોતાની સુકાની તરીકેની પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવ્યો હોય. પોતાની 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં તેણે 113 ટેસ્ટમાં 42.17 રનની સરેરાશથી 7212 રન કરનાર અને 16 સદી કરનાર ગાંગુલી પોતાની ટેસ્ટ-કારકિર્દીના છેલ્લા દાવમાં પ્રથમ દડે જ આઉટ થનાર ગાંગુલી વિશ્વનો એક માત્ર ખેલાડી છે જેણે પોતાના પ્રથમ દાવમાં સદી કરી હોય અને છેલ્લા દાવમાં પ્રથમ દડે આઉટ થયો હોય.

ટેસ્ટની જેમ વન ડે ક્રિકેટમાં પણ સૌરવ ગાંગુલીની કારકિર્દી ખૂબ જ ઉજ્જ્વળ રહી. તે વિશ્વનો એક માત્ર ખેલાડી છે જે સતત ચાર મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હોય. 1996માં ટોરેન્ટો ખાતે પાંચ વન ડેની શ્રેણીમાં પાકિસ્તાન સામે સૌરવ ગાંગુલીએ આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ 1997માં ટોરેન્ટો ખાતે ત્રીજી વન ડેમાં પાકિસ્તાન સામે માત્ર 16 રનમાં પાંચ વિકેટ લીધી હતી. બૉલિંગના કારણે ગાંગુલીને મૅન ઑફ ધ મૅચ મળ્યો હોય તેવો આ એક માત્ર પ્રસંગ છે વન ડેની સમગ્ર કારકિર્દી દરમિયાન ગાંગુલીએ 311 મૅચમાં 41 રનની સરેરાશથી 11,363 રન કર્યા છે જેમાં 22 સદી અને 72 અડધી સદી કરી છે. બૉલિંગમાં પણ તેણે 38.49 રનની સરેરાશથી 100 વિકેટ લીધી છે તો ફિલ્ડિંગ કરતા 100 કૅચ પણ પકડ્યા છે. ગાંગુલી માત્ર છઠ્ઠો એવો ખેલાડી છે જેણે વનડેમાં 300 મૅચ, 10,000 રન, 100 વિકેટ અને 100 કૅચ કર્યા હોય.

દર ચાર વર્ષે યોજાતી વિશ્વકપ સ્પર્ધામાં પણ ગાંગુલીનો દેખાવ નોંધપાત્ર રહ્યો. 1999ના પોતાના પ્રથમ વિશ્વકપમાં જ તેણે શ્રીલંકા સામે ટાઉન્ટોન ખાતે 153 દડામાં 183 રન કર્યા જેમાં 17 ચોગ્ગા અને સાત છગ્ગા હતા. તેનો આ સ્કોર વિશ્વકપ સ્પર્ધામાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોર હતો. આ જ મૅચમાં રાહુલ દ્રવિડ સાથે તેણે બીજી વિકેટ માટે 318 રનની ભાગીદારી કરી જે વિશ્વકપની સૌથી મોટી અને વન ડે ઇતિહાસની બીજા નંબરની સૌથી મોટી ભાગીદારી હતી.

વર્ષ 2008માં પ્રથમકક્ષાની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનના અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ તરીકે યશસ્વી યોગદાન આપ્યું. 2004માં પદ્મશ્રી અને 2013માં બંગાળ સરકાર તરફથી બંગ ભૂષણ ઍવૉર્ડથી સન્માનિત ગાંગુલીને જાન્યુઆરી 2021માં કસરત કરતી વખતે છાતીમાં દુખાવો થતાં હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તપાસમાં જાણ્યું કે ત્રણ નળીઓમાં બ્લૉકેજ હતું. પરિણામે તે જ દિવસે તેને એક નળીમાં એન્જ્યોપ્લાસ્ટી કરવી પડી. સચિન તેંડુલકર સાથે સૌથી સફળ ઓપનિંગ જોડી બનાવી બંનેએ 7000થી વધુ રન, 44 અડધી સદીની ભાગીદારીથી બનાવ્યા જે એક વિશ્વવિક્રમ છે.

જગદીશ શાહ