ગાંગુલી, ગુણેન (જ. 1 મે, 1924, હિઝૂલી) : દિલ્હીના ચિત્રકાર. સરકારી સંસ્થામાંથી કળામાં ડિપ્લોમા લીધા પછી ઇટાલીની સંશોધન માટેની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી વધુ અભ્યાસ માટે ફ્લૉરેન્સ જઈ આવેલા. તેમનાં એકલ પ્રદર્શનો 1954–62માં યોજાયેલાં. તેમની કલામાં ભૌમિતિક આકારોનું પ્રાધાન્ય રહ્યું છે. આકારો સુરેખ હોવા સાથે રંગોની સમતુલા જાળવી કલાનાં તત્વોને વફાદાર રહ્યા છે. 1955થી

ગુણેન ગાંગુલી

રાષ્ટ્રીય કલાપ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે. ટ્રાયેનિયલ 1970માં તેમનાં ચિત્રોને સ્થાન મળેલું. યુનેસ્કોના 1946–47નાં પ્રદર્શનોમાં તેમની કલાને પ્રતિનિધિત્વ મળ્યું છે. આ પ્રદર્શનો પૅરિસ, જિનીવા, લંડનમાં

ગુણેન ગાંગુલીની એક કૃતિ

યોજાયેલાં. સમકાલીન ભારતીય કલાના પ્રતિનિધિરૂપ બલ્ગેરિયા અને પોલૅન્ડનાં 1961નાં પ્રદર્શનોમાં ભાગ લીધો. લિપ્ઝિગ, લ્યુગાનો, પૂર્વ આફ્રિકા, ઝામ્બિયાનાં પ્રદર્શનોમાં તેમની કલા પ્રદર્શિત થઈ હતી. અખિલ ભારતીય ઔદ્યોગિક કલાપ્રદર્શન અને અખિલ ભારતીય ફાઇન આટર્ ઍન્ડ ક્રાફ્ટ સોસાયટીનાં પ્રદર્શનોમાં પારિતોષિક પ્રાપ્ત થયેલાં છે. ઇન્ડિયન એકૅડેમી (અમૃતસર) તરફથી ગ્રાફિકમાં ઇનામો પ્રાપ્ત થયેલાં છે. તેમનાં ચિત્રો દિલ્હી તથા ચંડીગઢનાં સંગ્રહાલયોમાં જોવા મળે છે. દિલ્હી પ્રદર્શનનાં આયોજનોમાં ઉચ્ચ અધિકારપદે રહી સંચાલન કર્યું છે.

કનુ નાયક