ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935
January, 2010
ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935 : હિન્દી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતોનું અખિલ હિંદ સમવાયતંત્ર રચવાની જોગવાઈ ધરાવતો અધિનિયમ. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1935માં આ ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ પસાર કર્યો. આ સૂચિત સમવાયતંત્રમાં બધા પ્રાંતોએ જોડાવાનું હતું, જ્યારે દેશી રાજ્યોએ જોડાવાનું મરજિયાત હતું. સમવાયતંત્રમાં જોડાતી વખતે દરેક રાજાએ તાજની તરફેણમાં જોડાણખતનો સ્વીકાર કરવાનો હતો. હિંદી રાજ્યોએ દ્વિગૃહી સમવાયી ધારાસભાની ફેડરલ એસેમ્બલીમાં 125 અને કાઉન્સિલ ઑફ સ્ટેટમાં 104 સભ્યો નીમવાના હતા. પ્રાંતોએ લોકસભામાં 250 અને રાજ્યસભામાં 156 સભ્યો કોમી ધોરણે ચૂંટીને મોકલવાના હતા. લોકસભાની મુદત પાંચ વર્ષની હતી. રાજ્યસભા કાયમી ગૃહ હતું, જેના ત્રીજા ભાગના સભ્યો દર ત્રણ વર્ષે નિવૃત્ત થાય. સત્તાની વહેંચણી માટે સમવાયી યાદી, પ્રાંતિક યાદી અને સંયુક્ત યાદી બનાવવામાં આવી હતી. પ્રાંતોમાંથી દ્વિમુખી પદ્ધતિ દૂર કરીને કેન્દ્રમાં દાખલ કરવામાં આવી. તે મુજબ કેટલાંક મહત્વનાં ખાતાં ગવર્નર-જનરલ પાસે અનામત રાખવામાં આવ્યાં. ગવર્નર-જનરલને સંરક્ષણ, વિદેશનીતિ, લઘુમતી વર્ગો, ધાર્મિક અને પછાત વિસ્તારોની બાબતો અંગે વિશાળ રક્ષણાત્મક સત્તા આપીને સમવાયી ધારાસભાની સત્તા નિયંત્રિત કરવામાં આવી હતી. સમવાયી અંદાજપત્રની 80 % બાબતો સંપૂર્ણ રીતે સરકાર હસ્તક રાખવામાં આવી હોવાથી તેની ઉપર મત આપી શકાય તેમ ન હતું (non-votable).
આ કાયદામાં એક સમવાયી અદાલત સ્થાપવાની જોગવાઈ હતી. તેનો કાર્યપ્રદેશ પ્રાંતો અને હિંદી રાજ્યોમાં હતો. પ્રાંતોમાં સ્વાયત્તતા આપવામાં આવી. પ્રાંતના ગવર્નરે મંત્રીઓની સલાહ મુજબ વર્તવાનું હતું, છતાં, હિંદી રાજાઓ, જાહેર સેવા, લઘુમતી વર્ગો વગેરે અંગે તેમની ખાસ જવાબદારીઓ હતી. તેમને વટહુકમો જાહેર કરવાની સત્તા હતી. આ કાયદાથી હિંદી વજીર(સેક્રેટરી ઑવ્ સ્ટેટ્સ ફૉર ઇન્ડિયા)ની સત્તામાં ઘટાડો થયો; પરંતુ ગવર્નરો અને ગવર્નર-જનરલની વિશિષ્ટ સત્તા વિશાળ હોવાથી હિંદી વજીર સારી પેઠે અંકુશ રાખી શકતા. પ્રાંતોમાં બધાં ખાતાં મંત્રીઓ પાસે હોવાથી 1919ના કાયદા કરતાં તેમનો દરજ્જો વધ્યો. પ્રાંતના અંદાજપત્રમાં 40 % બાબતો માટે મત માગી શકાય તેમ ન હતો તથા ગવર્નરને ખરડો નામંજૂર કરવાનો હક હોવાથી મંત્રીઓ મુક્તપણે કામ કરી શકતા નહિ. સમવાયી ધારાસભાને આ કાયદામાં સુધારા કરવાનો અધિકાર ન હતો.
જયકુમાર ર. શુક્લ