ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન) : અલ્વરના પુરાણા સિટી પૅલેસમાં આવેલું મ્યુઝિયમ. તેની સ્થાપના મહારાજ જયસિંહ તથા વિનયસિંહે કરેલી. તેમાં પ્રાદેશિક શિલ્પકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો અને અલ્વરના રાજકુટુંબને લગતી સંખ્યાબંધ ચીજવસ્તુઓનો સંગ્રહ ખાસ જોવાલાયક છે. હોકાનું સ્ટૅન્ડ, ચામરો, પેનહોલ્ડરો, જમવાનાં સોનાચાંદીનાં વાસણો, પેટી, પટારા, ડાબલીઓ અને શણગારેલ ફૂલદાનીઓ જેવી મહેલ-વપરાશની વસ્તુઓ ઓગણીસમી સદીના રાજવી પરિવારોની ઊંચી રુચિની દ્યોતક છે. ત્યાં એક જોવાલાયક ચીજ તે જમવા માટેનું ચાંદીનું ટેબલ છે. એ ટેબલ પર ફરતી મોટરની એવી કરામત છે કે જેના કારણે પાણીમાં તરતી માછલીનો ભાસ પેદા થાય છે.

આ મ્યુઝિયમમાં વિવિધ પ્રકારની, કીમતી ઝવેરાત ને હાથીદાંતથી જડેલી મૂઠવાળી તલવારો અને કટારો, સોના-ચાંદીની કોતરણીવાળી ઢાલ તથા કવચ જેવાં હથિયારોનો સમૃદ્ધ સંગ્રહ છે.

પરંપરાગત કેન્દ્રીય કલાપ્રેમીઓ માટે ચિત્રો અને હસ્તપ્રત-વિભાગ અત્યંત રસપ્રદ છે. તેમાં 1258માં રચાયેલ પ્રખ્યાત ગુલિસ્તાન(ગુલાબ-ઉદ્યાન)ની નકલ સચવાઈ છે. આ આખી હસ્તપ્રતને અલ્વરના કલાકારો દ્વારા સુંદર રીતે સુશોભિત કરાઈ છે.

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, અલ્વર (રાજસ્થાન)

ઓગણીસમી સદીની અલ્વર શૈલીનાં ચિત્રોમાં વિષ્ણુના અવતારોની શ્રેણીઓ તથા રાગમાલા શ્રેણીઓનો સમાવેશ થાય છે. તેમાં કેટલાંક મુઘલ શૈલીનાં ચિત્રો તથા અલ્વરના રાજવી કુટુંબની આબેહૂબ છબીઓ સચવાયાં છે. હાથબનાવટના આશરે 80 મીટર લાંબા કાશ્મીરી કાગળના એક જ તાવ પર લખેલો સુશોભિત વીંટો (scroll) મ્યુઝિયમની બીજી અજાયબી છે. આ અસામાન્ય સુલેખન શક્તિશાળી બૃહદ્દર્શક કાચ વડે વાંચી શકાય છે.

બળદેવભાઈ કનીજિયા