ગલ્સ્ટ્રાન્ડ, આલ્વાર (જ. 5 જૂન 1862, લાન્સ ક્રૂના, સ્વીડન; અ. 28 જુલાઈ 1930, સ્ટૉકહોમ) : નોબેલ પારિતોષિકવિજેતા નેત્રરોગનિષ્ણાત. તેઓ ઉપ્સલા, વિયેના તથા સ્ટૉકહોમની યુનિવર્સિટીમાં ભણ્યા હતા. તેમણે આંખની અંદર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો. તેને અંગેનાં સંશોધનો માટે તેમને 1911નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

આલ્વાર ગલ્સ્ટ્રાન્ડ

ઉપ્સલા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે તેમણે આંખની સ્વચ્છા(cornea)ની સંરચના અને કાર્ય અંગે સંશોધન કર્યું અને તેની અનિયમિત સપાટી હોય તો તેથી ઉદભવતી વક્રીભવન સંબંધિત ર્દષ્ટિક્ષતિનો અભ્યાસ કર્યો. મોતિયાની શસ્ત્રક્રિયા પછી વપરાતાં ચશ્માંના ર્દક્કાચમાં સુધારા કર્યા અને આંખની આંતર તપાસ કરવા માટે ફાડદીવા(slit lamp)વાળા સાધનની રચના કરી. તેમણે નજીકનું જોવા માટે આંખમાં શા વિશિષ્ટ ફેરફારો થાય છે તે પણ દર્શાવ્યું.

શિલીન નં. શુક્લ