ગલગલી, પંઢરીનાથાચાર્ય (જ. 10 જુલાઈ 1922, ગલગલી, કર્ણાટક; અ. 29 ઓગસ્ટ 2015, હુબલી, કર્ણાટક) : સંસ્કૃત ભાષાના કવિ, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના ચંપૂકાવ્ય ‘શ્રી શંભુલિંગેશ્વર વિજયચંપૂ’ માટે 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પરંપરાગત ગુરુકુળ-પદ્ધતિ અનુસાર શિક્ષણ લીધું હતું અને સાહિત્ય, ન્યાય, મીમાંસા તેમજ વેદાંત જેવા વિષયોમાં પારંગતતા મેળવી હતી. સંસ્કૃત અને કન્નડ – એમ બંને ભાષાઓનાં મળીને તેમણે 50 ઉપરાંત – પુસ્તકો આપ્યાં છે, તેમાં મૌલિક ગ્રંથો ઉપરાંત સંસ્કૃત મહાકાવ્યો તથા પુરાણોના અનુવાદોનો પણ સમાવેશ થાય છે. તેઓ સંસ્કૃત ભાષાના બહુશ્રુત શિક્ષક છે; એટલું જ નહિ, મધ્વ-તત્વજ્ઞાનના તેઓ પ્રખર પુરસ્કર્તા પણ બની રહ્યા છે. સંસ્કૃત તથા કન્નડમાં તેમણે અનેક સામયિકોનું સંપાદન કર્યું છે. સાહિત્ય તથા વિદ્યાક્ષેત્રની તેમની સેવા બદલ કર્ણાટક રાજ્ય તરફથી તેમને 1982માં એવૉર્ડ અપાયો છે. સાહિત્ય તથા વિદ્યાક્ષેત્રની અનેક સંસ્થાઓએ પણ તેમનું બહુમાન કર્યું છે.

કાવ્ય તથા ગદ્ય એ બંને સાહિત્ય-સ્વરૂપોનું અત્યંત કુશળતાપૂર્વક નિરૂપણ, વિષયસામગ્રીની પ્રમાણભૂતતા, વર્ણનકલાનું ચિત્રાત્મક સામર્થ્ય તેમજ સંમોહક શૈલી જેવી વિશેષતાઓને કારણે આ ચંપૂ-કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરણ બન્યું છે.

મહેશ ચોકસી