ગર્ભાશયી તંતુસમાર્બુદ
January, 2010
ગર્ભાશયી તંતુસમાર્બુદ (uterine fibroid) : ગર્ભાશયના સ્નાયુ અને તંતુઓની ગાંઠ થવી તે. સગર્ભાવસ્થાને બાદ કરતાં, ગર્ભાશયનું સૌથી વધુ વખત મોટું થવાનું કારણ તંતુસમાર્બુદ છે. તે અરૈખિક સ્નાયુ (smooth muscle) અને તંતુપેશી(fibrous tissue)ની ગાંઠ છે માટે તેને સ્નાયુઅર્બુદ (myoma), તંતુ-સ્નાયુ અર્બુદ (fibromyoma), તંતુ-અરૈખિકસ્નાયુ-અર્બુદ (fibroleiomyoma) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં સ્નાયુતંતુઓનું પ્રાધાન્ય હોવાથી તેને સ્નાયુઅર્બુદ કે તંતુસ્નાયુઅર્બુદ કહેવું વધુ યોગ્ય ગણાય છે. જોકે તે અંગ્રેજી શબ્દ ફાઇબ્રૉઇડ(fibroid)ના નામે વધુ પ્રચલિત છે. એક ગર્ભાશયમાંથી એકથી માંડીને અનેક (200 જેટલી) ગાંઠો હોઈ શકે છે. સામાન્ય રીતે 5થી 30 ગાંઠો જોવા મળે છે. તે ગોળાકાર (spherical) હોય છે. ક્યારેક તેમાં ઉપખંડો (lobules) હોય છે. તેમની આસપાસ ગર્ભાશયની દબાયેલી પેશીના બનેલા છદ્મ-સંપુટ(pseudo-capsule)નું આવરણ હોય છે. તે કઠણ હોય છે અને ઉપખંડોને કાપવામાં આવે ત્યારે તે સફેદ રંગના હોય છે અને તેમાં તંતુનાં બનેલાં કૂંડાળાં (whorls) હોય છે. તે ખૂબ મોટાં થઈ શકે છે અને ક્યારેક આખા પેટને લગભગ ભરી દે છે. તેમની વૃદ્ધિ ધીમી હોય છે તેથી એક નારંગી જેવડું કદ થતાં 3 વર્ષનો સમય લાગે છે. ઋતુસ્રાવ બંધ થયા પછી 90 % કિસ્સામાં તેમની વૃદ્ધિ અટકે છે. સામાન્ય રીતે તેમાં લોહીની નસો ઓછી હોય છે. ક્યારેક તેમાં દુ:ક્ષીણતા (degeneration) થતી જોવા મળે છે.
કારણો : 20 વર્ષથી નાની સ્ત્રીઓમાં તે જવલ્લે જ જોવા મળે છે; પરંતુ 40 વર્ષની આસપાસની 10 % સ્ત્રીઓમાં આ ગાંઠનાં લક્ષણો થઈ આવે છે. તે ગર્ભ ધારણ ન કર્યો હોય અથવા અફલનશીલ (infertile) સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ફલનશીલતા અને તંતુસમાર્બુદ વચ્ચેનો કારણ-પરિણામ સંબંધ સ્પષ્ટ નથી અને તેથી તે બેમાંથી કઈ સ્થિતિ કારણભૂત છે તે નિશ્ચિત નથી. નિગ્રો પ્રજામાં અને અમુક કુટુંબોમાં તે વધુ જોવા મળે છે. એક માન્યતા પ્રમાણે ગર્ભાશયમાં ઉદભવતા યાંત્રિક તણાવ (mechanical stress) આ ગાંઠ સર્જે છે. જોકે તે સાબિત થયેલું નથી. ઇસ્ટ્રોજન નામનો અંત:સ્રાવ તેની વૃદ્ધિ વધારે છે તેવું પણ સાબિત થયેલું નથી. આમ આ પ્રકારની ગાંઠનું કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી. તેની સાથે કેટલાક રોગો થતા જોવા મળ્યા છે જેમ કે અંડપિંડમાં પુટિકાજન્ય કોષ્ઠ (follicular cyst), ગર્ભાશયકલાનું અતિવિકસન (endometrial hyperplasia), ગર્ભાશયકલાનું કૅન્સર (endometrial carcinoma) અને ગર્ભાશયકલા-વિસ્થાપન (endometriosis). તેમની વચ્ચેના આંતર-સંબંધો સ્પષ્ટ થયેલા નથી.
ચિહનો, લક્ષણો અને નિદાન : તેમને તેમના સ્થાન પ્રમાણે વિવિધ નામે ઓળખવામાં આવે છે. તે જો પરિતનકલા(peritoneum)ની નીચે હોય તો અવ-તરલીય (subserous), શ્લેષ્મકલા(mucosa)ની નીચે હોય તો અવશ્લેષ્મીય (submucosal) તથા ગર્ભાશયની દીવાલમાં હોય તો અંતરાલીય (interstitial) ગાંઠના નામે ઓળખાય છે. ગર્ભાશય-ગ્રીવામાંની ગાંઠને ગ્રીવાકીય (cervical) ગાંઠ કહે છે. બહુવિસ્તારી રજ્જુબંધ(broad ligament)માંની ગાંઠને પણ અવ-તરલીય ગાંઠ કહે છે. ફક્ત 1 %2 % જેટલી જ ગાંઠો ગર્ભાશય-ગ્રીવામાં જોવા મળે છે અને તે શ્રોણી(pelvis)માંના અવયવો (મૂત્રાશય અને મળાશય) પર દબાણ કરે છે, તેને દૂર કરવામાં તકલીફ પડે છે. સપાટી પરની ગાંઠો (અવ-તરલીય અને અવશ્લેષ્મીય) ક્યારેક સ્તંભવાળી (pedunculated) થાય છે.
મોટા ભાગના દર્દીઓને કોઈ વિશેષ તકલીફ થતી નથી. જો તે ગર્ભાશયના પોલાણની નજીક હોય તો વિવિધ પ્રકારની લોહી પડવાની અને ઋતુસ્રાવની વિષમતાઓ સર્જે છે. સામાન્ય રીતે ઋતુસ્રાવ વહેલો આવે અને તે પીડાકારક હોય છે. ક્યારેક અતિશય ઋતુસ્રાવ થાય છે. ગાંઠમાં ચાંદું પડે કે કૅન્સર ઉદભવે તો સતત અને અનિયમિત રુધિરસ્રાવ તથા પ્રદર (discharge) થાય છે. તેમાં દુખાવો થતો હોતો નથી; પરંતુ તેના સ્તંભમાંથી તે અમળાઈ જાય (torsion) કે તેમાં કૅન્સર ઉદભવે તો દુખાવો થાય છે. ક્યારેક ગર્ભાશયકલા-વિસ્થાપન સાથે સાથે થયેલું હોય તોપણ તેને કારણે દુખાવો થાય છે.
ક્યારેક લોહીનું હીમોગ્લોબિન ઘટે, થાક લાગે, છાતીના ધબકારા વધે, કોઈક વખત લોહીના રક્તકોષોની સંખ્યા ખૂબ વધી જાય કે લોહીમાં શર્કરા કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે એવા વ્યાપક વિકારો પણ થાય છે. મોટી ગાંઠ આંતરડાં, મૂત્રાશય, નસો કે ચેતાઓ (nerves) પર દબાણ કરે તો કબજિયાત, અજીર્ણ, વારંવાર પેશાબ કરવાની હાજત થવી કે તેનો અટકાવ થવો, પગે સોજા આવવા, પગમાં દુખાવો થવો વગેરે તકલીફો થાય છે. ક્યારેક તેને કારણે ગર્ભધારણમાં તકલીફ થાય છે, ગર્ભપાત કે વહેલી પ્રસૂતિ થાય છે, ગર્ભશિશુ અવળું કે ઊંધું વિકસે છે, પ્રસૂતિ વખતે અવરોધ પેદા થાય છે તથા પ્રસૂતિ સમયે ગર્ભાશયનું કાર્ય વિષમ બને છે. સગર્ભાવસ્થામાં લોહી ભરાવાથી થતી રુધિરભારિતા (congestion), સોજો અને દુ:ક્ષીણતાને કારણે ગાંઠ મોટી થાય છે. બે હાથ વડે તપાસતાં કઠણ, ગોળ, ખંડવાળી અને આસપાસ હલાવી શકાતી ગાંઠની જાણકારી મળે છે. તેને આંગળી વડે ઠપકારતાં (percussion) બોદો અવાજ આવે છે અને તેમાં સ્પર્શવેદના (tenderness) હોતી નથી. ક્યારેક તેમાં દુ:ક્ષીણતા થાય તો તે પોચી અને પાણી ભરેલી કોથળી જેવી અથવા કોષ્ઠીય (cystic) હોય છે. ગર્ભાશયના પોલાણ પાસે આવેલી ગાંઠ આખા ગર્ભાશયને મોટું કરે છે. આવે સમયે ગર્ભાશય ચિત્રણ (hysterography), ગર્ભાશય નિરીક્ષા (hysteroscopy) કે ગર્ભાશય છિદ્રણ(hysterotomy)ની તપાસ કરવાથી જ નિદાન થાય છે. ક્યારેક કેટલીક આનુષંગિક તકલીફો થાય છે જેમ કે સ્તંભવાળા મસા(pedunculated polyps), ગાંઠ અમળાઈ જાય, તેની નસ ફાટે તો પેટના પોલાણમાં લોહી ઝમે, ક્યારેક તેનાથી જળોદર (ascites) થાય અને ક્યારેક છાતીના જમણા ભાગમાં પ્રવાહી ભરાય, ગાંઠમાં ચેપ લાગે, દુ:ક્ષીણતા (degeneration) થાય અથવા તેમાં કૅન્સર ઉદભવે (0.2 %) વગેરે.
સારવાર : નાની લક્ષણરહિત ગાંઠની કોઈ સારવાર જરૂરી ગણાતી નથી; પરંતુ આવાં દર્દીને નિયમિત તપાસ માટે બોલાવાય છે. 10થી 12 અઠવાડિયાંની સગર્ભાવસ્થામાં જેવડું ગર્ભાશય હોય તેવડી ગાંઠ હોય તો શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય. તેવી જ રીતે સ્તંભવાળી કે ગર્ભાશયની બહારની સપાટી પાસેની ગાંઠ અમળાઈ જવાનો ભય રહે છે તેથી તેને દૂર કરાય છે. વળી નજીકના ભવિષ્યમાં સગર્ભાવસ્થા થવાની હોય તોપણ ગાંઠ દૂર કરવી સલાહભર્યું છે. ગર્ભધારણમાં મુશ્કેલી પડતી હોય અને ગર્ભાશયના પોલાણ કે સ્નાયુમાં મધ્યમ કદની ગાંઠ વિકસેલી હોય તો તેને દૂર કરવાનું સૂચવાય છે. ઋતુસ્રાવ બંધ થવાની ઉંમરે મોટી ગાંઠ કે ગાંઠો માટે ગર્ભાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. શસ્ત્રક્રિયાની જરૂરિયાત નક્કી થયેલી હોય; પરંતુ તે કોઈ કારણસર મોડી થવાની હોય તો ડેનેઝોલ, નોર-એથિસ્ટેરોન એસિટેટ કે ગર્ભનિરોધની ગોળીઓ અપાય છે. બહારનું લોહી આપીને જરૂર પડ્યે પાંડુતા (anaemia) દૂર કરાય છે. તંતુસમાર્બુદથી થતો રુધિરસ્રાવનો વિકાર ક્યુરેટાજ કે ખોતરણથી અટકાવી શકાતો નથી. જો ગર્ભાશયના મૂળમાંથી સ્તંભવાળી મસા જેવી ગાંઠ હોય તો તેને યોનિમાર્ગે જ દૂર કરી શકાય છે; પરંતુ ગર્ભાશયના પોલાણમાંની ગાંઠો તથા સ્તંભ વગરની ગાંઠોને દૂર કરવા માટે ઉદરમાર્ગીય ગર્ભાશયછિદ્રણ(abdominal hysterotomy) જરૂરી બને છે. 40 વર્ષથી વધુ વયની સ્ત્રીમાં ઉદરમાર્ગીય સ્નાયુઅર્બુદ-ઉચ્છેદન (abdominal myomectomy) કરવામાં આવે છે. મોટા કદની ગાંઠ દૂર કરી શકાય છે; પરંતુ નાની નાની અનેક ગાંઠો હોય તો બધી જ ગાંઠોને દૂર કરવામાં મુશ્કેલી રહે છે. ગાંઠો કાઢવાથી ગર્ભાશયના આકારમાં ફેરફાર થાય છે; પરંતુ 3-4 મહિનામાં ફરીથી મૂળ આકાર પાછો આવે છે. બહુવિસ્તારી રજ્જુબંધ(broad ligament)માં ઘણી નસો હોવાથી ગર્ભાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. તેવી જ રીતે લોહીનું પરિભ્રમણ વધુ હોવાને કારણે સગર્ભાવસ્થા કે શસ્ત્રક્રિયા કરીને કરાતી પ્રસૂતિ સમયે અર્બુદ-ઉચ્છેદન કરાતું નથી. ક્યારેક તેને કારણે ગર્ભપાત પણ થઈ જાય છે. શસ્ત્રક્રિયા પછી થોડો તાવ આવે છે અને 7થી 14 દિવસ સુધી પેટમાં કે યોનિમાર્ગે લોહી ઝમે છે. સમય જતાં ઘાની જગ્યાએ આંતરડાં કે ઉદરાગ્રપટલ (omentum) ચોંટે છે. અર્બુદ-ઉચ્છેદન પછી 1 %થી 5 % દર્દીમાં ઋતુસ્રાવની અનિયમિતતા રહી જાય છે અને 5 %થી 10 %માં નવી ગાંઠો ફરી થાય છે. તેથી 20 %થી 25 % દર્દીઓમાં પાછળથી આખું ગર્ભાશય કાઢવું પડે છે. 25 %થી 40 % સ્ત્રીઓમાં ત્યારબાદ ગર્ભધારણ થઈ શકે છે. તેઓમાં ગર્ભપાતનો દર વધુ હોય છે; પરંતુ ગર્ભાશય ફાટી જવાની શક્યતા નહિવત્ ગણાય છે. 40 વર્ષથી વધુ વયની સ્ત્રીમાં ગર્ભાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કરાય છે.
દિવ્યેશ શુક્લ
શિલીન નં. શુક્લ