ગર્ભાશયભ્રંશ (uterine prolapse) : ગર્ભાશય અને યોનિ(vagina)નું નીચે તરફ ખસવું તે. તેમાં સામાન્ય રીતે ગર્ભાશય અને યોનિનો ઉપલો ભાગ નીચે ખસે છે. ક્યારેક યોનિ એકલી પણ નીચે ખસે છે. જો અંડપિંડમાં ગાંઠ હોય અને ગર્ભાશય પાછળની બાજુ ખસેલું હોય તો અંડપિંડ ડગ્લાસની કોથળી(pouch)માં નીચે ખસે છે. તેને અંડપિંડભ્રંશ (ovarian prolapse) કહે છે. તેનું એકમાત્ર લક્ષણ પેઢામાં અંદરની બાજુએ થતો દુખાવો છે, જે સંભોગ વખતે વધે છે. તેની સામાન્ય રીતે લક્ષણલક્ષી (symptomatic) સારવાર કરાય છે અને ક્યારેક શસ્ત્રક્રિયા જરૂરી બને છે. ગર્ભાશયનાં અન્ય વિચલનો (displacements), જેવાં કે ગર્ભાશયનું ઉપરની તરફ, આગળ કે પાછળ તરફ, તેમજ ડાબી કે જમણી બાજુ પર ખસવું કે વળવું તથા તેનું અવળું થઈ જવું (inversion) વગેરેને ગર્ભાશયભ્રંશ કહેવામાં આવતો નથી (આકૃતિ 1).

આકૃતિ 1 : ગર્ભાશયનાં વિચલનો : (અ)થી (ઊ) ગર્ભાશયનું આગળ કે પાછળ તરફ વળવું અથવા વર્તન (version) કે વાંકું થવું અથવા વંકન (flexion). (અ) ગર્ભાશયની સામાન્ય સ્થિતિ : અગ્રવર્તન (anteversion) અને અગ્રવંકન (anteflexion), (આ) પશ્ચવર્તન (retroversion) અને સાથે વધુ પડતું અગ્રવંકન જેથી ગર્ભાશય સામાન્ય સ્થાને, (ઇ) પશ્ચવર્તન અને પશ્ચવંકન (retroflexion), (ઈ) પશ્ચવર્તન, (ઉ) પશ્ચવર્તન અને પશ્ચવંકન, (ઊ) અગ્રવર્તન અને પશ્ચવંકન, (એ) ગર્ભાશયની સામાન્ય સ્થિતિ, (ઐથી અં) સુધી ગર્ભાશયના વિવર્તન (inversion) અથવા અવળા થઈ જવાની સ્થિતિ, (અ:) ગર્ભાશય ઘુમ્મટ પરની ગાંઠથી થતું વિવર્તન, (ક) ઓર (placenta) નીકળવાની સામાન્ય સ્થિતિ, (ખ) ઓર નીકળતી વખતે વિવર્તનની શક્યતા, (ગ) ઓર નીકળ્યા પછી થયેલું વિવર્તન

ગર્ભાશયભ્રંશના પ્રકારો : તેના મુખ્ય બે પ્રકારો છે – (1) ગર્ભાશયી (uterine) અથવા ગર્ભાશય-યોનિકીય (utero-vaginal) ભ્રંશ અને (2) યોનિભ્રંશ (vaginal prolpase). ગર્ભાશયભ્રંશ થાય તે પહેલાં ગર્ભાશય પાછળની બાજુ વળી ગયેલું હોય છે તેને ગર્ભાશયનું પશ્ચવર્તન (retroversion) કહે છે. ત્યારબાદ તે નીચે ખસે છે. તેના નીચે ખસવાની ક્રિયાના ત્રણ તબક્કા છે અને તેને આધારે ગર્ભાશયભ્રંશની 3 કક્ષાઓ (degrees) વર્ણવવામાં આવે છે (આકૃતિ 2). પ્રથમ કક્ષાના ભ્રંશમાં ગર્ભાશય નીચે ખસે છે; પરંતુ તેની ગ્રીવા (cervix) યોનિમાં જ રહે છે. બીજી કક્ષાના ભ્રંશમાં સ્ત્રી ઊભી રહે કે શ્રમ કરે ત્યારે ગર્ભાશયનું મુખ યોનિદ્વાર સુધી ઊતરી આવે છે. ગર્ભાશય જ્યારે સંપૂર્ણપણે બહાર આવી જાય ત્યારે તેને પૂર્ણભ્રંશ (procidentia) અથવા ત્રીજી કક્ષાનો ભ્રંશ કહે છે. અંગ્રેજીમાં ક્યારેક ‘પ્રૉસિડેન્શિયા’ શબ્દ દરેક પ્રકારના ગર્ભાશયી ભ્રંશ માટે વાપરી શકાય છે પરંતુ વ્યવહારમાં તે પૂર્ણભ્રંશ જ સૂચવે છે. બીજી કક્ષાના ભ્રંશમાં જો ગર્ભાશયની ગ્રીવા વધુ પડતી લાંબી થઈ હોય, તેની અતિવૃદ્ધિ (hypertrophy) થઈ હોય, તેને સોજો આવ્યો હોય અથવા તેમાં લોહી ભરાવાથી તે રુધિરભારિત (congested) થઈ હોય તો તે ત્રીજી કક્ષાના ભ્રંશ જેવો દેખાવ સર્જે છે. જનનમાર્ગના બધા જ આધાર (supports) નિષ્ફળ જાય ત્યારે પૂર્ણભ્રંશ થાય છે.

યોનિની આગળની કે પાછળની દીવાલનો તથા તેના ઘુમ્મટ(vault)નો ભ્રંશ થાય છે. યોનિની આગળની દીવાલનો ઉપલો

આકૃતિ 2 : (અ) ગર્ભાશયભ્રંશની ત્રણ કક્ષા, (આ) બીજી કક્ષાનો ગર્ભાશયભ્રંશ, (ઇ, ઉ, ઊ, એ) વિવિધ પ્રકારની આધારદાયિનીઓ, (ઈ) સ્મિથની આધારદાયિની (pessary) વડે ગર્ભાશય યથાસ્થાને, (ઐથી અં) હોજની આધારદાયિની વડે ગર્ભાશયને મૂળસ્થાને લાવવાની પ્રક્રિયા. (1) પ્રથમ કક્ષાનો ભ્રંશ, (2) બીજી કક્ષાનો ભ્રંશ, (3) ત્રીજી કક્ષાનો ભ્રંશ, (4) ગર્ભાશય, (5) ગ્રીવા, (6) યોનિ, (7) મૂત્રાશય, (8) મળાશય, (9) પ્યુબિક હાડકું, (10) કરોડના મણકા, (11) પરિતનગુહા, (12) મૂત્રાશયકોષ્ઠિકા, (13) વિવિધ પ્રકારની આધારદાયિનીઓ

આકૃતિ 3 : શ્રોણીમાં આવેલાં સ્ત્રીજનનાંગો અગ્ર-પશ્ચ (antero-posterior) ઊભો છેદ, (1) ગર્ભાશય, (2) ગર્ભાશય-ગ્રીવા (cervix), (3) યોનિ (vagina), (4) મળાશય, (5) મૂત્રાશય, (6) મૂત્રાશયનલિકા, (7) ગુદા, (8) અંડપિંડ, (9) અંડનલિકા, (10) ગર્ભાશય-મળાશયી કોથળી (recto-uterine cul-de-sac), (11) ગોળ રજ્જુબંધ (round ligaments), (12) અંડનલિકા-શ્રોણી રજ્જુબંધ, (13) પ્યુબિક હાડકું, (14) કરોડના મણકા (ત્રિકાસ્થિ, sacrum), (15) પેટની આગળની દીવાલ

કે નીચલો ભાગ નીચે ખસે ત્યારે તેની આગળ આવેલા અવયવનો પણ ભ્રંશ થાય છે અને તેને આધારે તેનું નામકરણ થયું છે (આકૃતિ 3). યોનિની આગળની દીવાલના ઉપલા ભાગના ભ્રંશમાં મૂત્રાશયનું તળિયું (base) નીચે ખસે છે. તેને મૂત્રાશયકોષ્ઠિકા (cystocoele) કહે છે. તેવી જ રીતે જો મૂત્રાશયનલિકા(urethra)નું નીચે તરફ વિચલન થાય તો તેને મૂત્રાશયનળી-કોષ્ઠિકા (urethrocoele) કહે છે. મૂત્રાશય-કોષ્ઠિકા થઈ હોય ત્યારે મૂત્રાશયનું તળિયું તથા યોનિની દીવાલ નીચે તરફ લચી પડે અને કોથળી જેવું બનાવે છે, જે પેશાબની હાજતને સમયે મૂત્રાશયના છિદ્રથી નીચે તરફ ખસે છે. તેથી પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે અને મૂત્રાશયમાં પેશાબ ભરાઈ રહે છે. મૂત્રાશયનળી-કોષ્ઠિકાના વિકારમાં પેશાબ કરતી વખતે મૂત્રાશયનલિકા નીચે અને પાછળની તરફ ખસે છે. આ બંને પ્રકારની કોષ્ઠિકાઓ યોનિને આધાર આપતા તંતુપડ (fascia) કે રજ્જુબંધ(ligaments)ની નબળાઈ સૂચવે છે. યોનિની પાછલી દીવાલનો ઉપલો ભાગ નીચે તરફ ખસે ત્યારે ડગ્લાસની કોથળી અને તેમાંનાં આંતરડાં નીચે તરફ આવે છે અને તેથી તેને આંત્રકોષ્ઠિકા (enterocoele) કહે છે. યોનિની પાછલી દીવાલના નીચલા ભાગના ભ્રંશમાં મળાશય (rectum) નીચે તરફ ખસતું હોવાથી તેને મળાશયકોષ્ઠિકા (rectocoele) કહે છે. યોનિનો ઘુમ્મટ જ્યારે નીચે તરફ ખસે ત્યારે તેને યોનિઘુમ્મટભ્રંશ અથવા ઘુમ્મટભ્રંશ (vault prolapse) કહે છે. ગર્ભાશયને શસ્ત્રક્રિયા કરીને દૂર કરાયું હોય તેવા સંજોગોમાં જો યોનિનો ઘુમ્મટ નીચે તરફ ખસે અથવા યોનિ અવળી થવા માંડે (inversion) તો તેને ઘુમ્મટભ્રંશ કહે છે. કેટલાક સંજોગોમાં આંત્રકોષ્ઠિકા બને અથવા જેણે કદી ગર્ભધારણ ન કર્યો હોય એવી સ્ત્રીમાં ત્રીજી કક્ષાના ગર્ભાશયી ભ્રંશની શરૂઆત થાય ત્યારે પણ સાથે સાથે ઘુમ્મટભ્રંશ થાય છે.

કારણો : ગર્ભાશય અને યોનિને તેમના સ્થાને ટકાવી રાખતી આધારદાયી સંરચનાઓ(structures)ની નિષ્ફળતાને કારણે તેમનો ભ્રંશ થાય છે. 95 % દર્દીઓને સગર્ભાવસ્થા થયેલી હોય છે તેથી એવું માનવામાં આવે છે કે સગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારોને કારણે ગર્ભાશયને આધાર આપતી સંરચનાઓમાં શિથિલતા આવે છે. ગર્ભાશયના ઘુમ્મટને ગોળ રજ્જુબંધ (round ligament) આગળ તરફ ખેંચી રાખે છે. જ્યારે ગર્ભાશય-ત્રિકાસ્થિ-રજ્જુબંધ (uterosacral ligament) ગ્રીવાના ઉપલા ભાગને પાછળની તરફ ચોંટાડી રાખે છે. ગર્ભાશયની બંને બાજુએ આવેલા બંને બહુવિસ્તારી રજ્જુબંધો (broad ligaments) તેને સ્થિરતા આપે છે. ગોળ અને બહુવિસ્તારી રજ્જુબંધો ગર્ભાશયના ભ્રંશને રોકી રાખતા નથી. તે કાર્ય મુખ્યત્વે ગ્રીવાના આડા રજ્જુબંધો (transverse cervical ligaments) કરે છે. તેના પટ્ટા સાઇકલના પૈડાના આરા(spoke)ની જેમ ગર્ભાશયની આસપાસ ફેલાય છે. તે ગર્ભાશયની ગ્રીવા તથા યોનિના ઘુમ્મટને તેમના સ્થાને પકડી રાખે છે. યોનિને પણ તેની આસપાસના સ્નાયુઓ અને તંતુપડો (fasciae) યોગ્ય સ્થાને જાળવી રાખે છે. આ સઘળી આધારદાયી સંરચનાઓની નબળાઈ ગર્ભાશયના ભ્રંશનું કારણ બને છે. ક્યારેક તેમની નબળાઈનું કારણ જન્મજાત ખામી કે વિકાસની ઊણપ હોય છે, ક્યારેક તે પ્રસૂતિ સમયે કે શસ્ત્રક્રિયાથી થતી ઈજા હોય છે, તો ક્યારેક મોટી ઉંમરે પેશીમાં આવતી ક્ષીણતા હોય છે. આધારદાયી સંરચનાઓ નબળી થઈ હોય ત્યારે જો ખાંસી (ઉધરસ), જળોદર, પેટમાં ગાંઠ, ભારે વજન ઉપાડતી વખતે વાંકા વળવું અથવા મળની હાજત માટે શ્રમ કરવો વગેરેથી પેટનું દબાણ વધે, ગર્ભાશયની ગાંઠ કે અતિવૃદ્ધિના વિકારને કારણે ગર્ભાશયનું વજન વધે અથવા શરદી, મસા (polyp) કે જનનમાર્ગના અન્ય ભાગના ભ્રંશથી ખેંચાણ થાય તો ગર્ભાશયભ્રંશ થાય છે.

આકૃતિ 4 : ગર્ભાશયને આધાર આપતી સંરચનાઓ. શ્રોણીને ઉપરથી જોતાં જોવા મળતો દેખાવ : (1) ગર્ભાશય, (2) અંડનલિકા, (3) મૂત્રાશય, (4) અંડપિંડ, (5) મળાશય, (6) અંધાંત્ર (caecum), (7) આંત્રપુચ્છ (appendix), (8) નાનું આંતરડું, (9) ગોળ રજ્જુબંધ (round ligament), (10) અંડપિંડ-રજ્જુબંધ, (11) બહુવિસ્તારી રજ્જુબંધ (broad ligament), (12) નિલંબનકારી રજ્જુબંધ (suspensary ligament), (13) ગર્ભાશય-ત્રિકાસ્થિ રજ્જુબંધ (uterosacral ligament), (14) પેટની આગળની દીવાલના સ્નાયુ, (15) ઇલાયક હાડકું, (16) મૂત્રજનનતંત્રપટલ (urogenital diaphragm)

આનુષંગિક તકલીફો : યોનિની નીચે ખસેલી સપાટી પર સતત ઈજા અને ક્ષોભન (irritation) થાય છે તેથી તે જાડી ખરબચડી (corrugated) અને કિરેટિનને કારણે સફેદ થાય છે. જાંઘ અને કપડાં સાથેના સતત ઘસારાથી ભ્રંશના સૌથી નીચલા ભાગ પર ચાંદું (વ્રણ) પડે છે. કદાચ તેનું કારણ તે સ્થળે ઘટેલું રુધિરાભિસરણ પણ હોય એમ માનવામાં આવે છે. જો યોનિ અને ગ્રીવાનો નીચલો ભાગ નીચે ખસે; પરંતુ ગ્રીવાનો ઉપલો ભાગ અને ગર્ભાશય તેના સ્થાને જળવાઈ રહ્યાં હોય તો ગ્રીવાનો ઉપલો ભાગ (અધિયોનિક ગ્રીવા, supra-vaginal cervix) લાંબો થાય છે. ગર્ભાશયભ્રંશને કારણે તેમાંથી શિરા અને લસિકાવાહિનીઓ (lymphatics) દ્વારા લોહી પાછું જતાં તેનો અવરોધ પેદા થાય છે અને તેથી ગ્રીવામાં સોજો આવે છે અને લોહી ભરાઈ રહેવાથી રુધિરભારિતા (congestion) થાય છે તેને કારણે ઘણી વખત ગ્રીવાની ગ્રંથિઓ અતિવૃદ્ધિ (hypertrophy) અને અતિવિકસન (hyperplasia) થાય છે. જો રુધિરભારિતા અતિશય વધે તો નીચે ખસેલા ભાગને પાછો ઉપર તરફ ખસેડતાં તકલીફ પડે છે. તે સમયે નીચે ખસેલા ભાગને દબાવવાથી તેમાંનું લોહી પાછું નસોમાં જતું રહે છે અને નાના ભ્રંશ પછી તે ભાગને ફરીથી ઉપર ધકેલી શકાય છે. મૂત્રાશય અને મૂત્રાશયનળી પરના ખેંચાણને કારણે તે ત્રાંસાં બને છે. મૂત્રમાર્ગનો અવરોધ થાય છે, મૂત્રમાર્ગ પહોળો થાય છે, તેમાં પેશાબ ભરાઈ રહે છે અને તેમાં ચેપ લાગે છે. ક્યારેક મૂત્રપિંડના કાર્યના નિષ્ફળતા સર્જાય છે. ભ્રંશ થયેલા ભાગ પર સતત ક્ષોભન તથા ઈજા થવાની શક્યતા હોવા છતાં તેમાં કૅન્સર થવાની સંભાવના વધેલી જોવા મળી નથી. નીચે ખસેલા ગર્ભાશયમાં ગર્ભધારણ થયું હોય તો બીજા ત્રિમાસિક ગાળામાં ગર્ભાશયના ભ્રંશની તીવ્રતા વધે છે. મોટે ભાગે શ્રોણીના હાડકા પર સગર્ભ (gravid) ગર્ભાશય ટેકવાઈ જાય છે અને પ્રસૂતિ સમયે કોઈ વિશિષ્ટ તકલીફ ઉદભવતી નથી.

નિદાન : ગર્ભાશયના ખસવાથી ઊભી થતી અગવડ અને તકલીફોનું પ્રમાણ વ્યક્તિગત ધોરણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે દર્દી યોનિમાં ભરાવો કે સોજો, પેટના નીચલા ભાગ અને શ્રોણીમાં નીચે તરફ ખેંચાણ, પેશાબમાં અટકાવ અને વારંવાર પેશાબની હાજત, ક્યારેક શ્રમ કરતાં પેશાબ થઈ જવાની તકલીફ, મળાશયકોષ્ઠિકામાં મળ ભરાઈ રહેવાની તકલીફ, કમરનો દુખાવો, શ્વેત પ્રદર વગેરે વિવિધ તકલીફો થાય છે. આ બધી જ તકલીફો સૂઈ જવાથી ઘટે છે. યોનિનું અવલોક્ધા કરવાથી તથા યોનિ અને મળાશયમાં આંગળી મૂકીને તપાસ કરવાથી નીચે ખસેલા અવયવો અથવા જોર કરતી વખતે નીચે ખસતા અવયવોની માહિતી મળે છે. યોનિ, યોનિદ્વાર, મૂત્રાશય, મળાશય અને ગ્રીવાના વિવિધ રોગોને ગર્ભાશયભ્રંશથી અલગ પાડીને નિદાન કરાય છે.

સારવાર : પ્રસૂતિ અને સૂતિકાકાલ(puerperium)માં તથા ગર્ભાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા વખતે જરૂરી સાવચેતી રાખવાથી ગર્ભાશય-ભ્રંશ અટકાવી શકાય છે. ગર્ભાશયની ગ્રીવા પૂરેપૂરી પહોળી થયા પછી જ પ્રસૂતિ (labour) કરાવવાથી, જરૂર પડ્યે યોનિદ્વારને પહોળું કરવા વહેલું ભગછેદન (episiotomy) કરવાથી, ચીપિયા વડે કે શૂન્યાવકાશી પ્રક્રિયા વડે પ્રસૂતિનો બીજો તબક્કો જલદી પૂરો કરવાથી, દરેક ચીરા, ઘા કે છેદને યોગ્ય રીતે સાંધવા, ઓરને કાઢવા માટે ગર્ભાશય પર યોગ્ય દબાણ આપવાથી, શ્રોણીતલ(pelvic floor)ના સ્નાયુની કસરત કરવા ઉત્તેજન આપવાથી, સૂતિકાકાલમાં કબજિયાત ન થવા દેવાથી વગેરે વિવિધ ક્રિયાઓ કરવાથી ગર્ભાશયભ્રંશ થતો અટકે છે. શસ્ત્રક્રિયા કરીને ગર્ભાશય કાઢ્યું હોય તો ગર્ભાશયને સ્થિર રાખતા રજ્જુબંધો યોનિના ઘુમ્મટ સાથે સાંધવાથી યોનિનો ભ્રંશ અટકે છે એવું ઘણા નિષ્ણાતો માને છે.

યોનિમાં આધારદાયિની સંયોજના (device) અથવા વલય (pessary) પહેરવાથી ગર્ભાશય તથા યોનિના ભ્રંશને અટકાવી શકાય છે. તે માટે વીંટી (ring) આકારની અથવા સ્તંભ(stem)વાળા આધારદાયી વલય વાપરી શકાય છે (આકૃતિ 3). સામાન્ય રીતે સગર્ભાવસ્થામાં પ્રસૂતિ પછી તરત અને સૂતિકાકાલમાં જો ટૂંક સમયમાં ગર્ભધારણની ઇચ્છા હોય, સ્ત્રીને અન્ય શારીરિક માંદગી હોય કે તે શસ્ત્રક્રિયાનો વિરોધ કરતી હોય, એક ચિકિત્સા-કસોટી (therapeutic test) રૂપે કે ભ્રંશ પરનાં ચાંદાં રુઝાય તે માટે સમય જોઈતો હોય તો આધારદાયી વલયનો ઉપયોગ કરાય છે.

સ્ત્રીને તકલીફ કરતા કે રોજિંદી જિંદગીમાં અગવડ કરતા ભ્રંશ માટે શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. શસ્ત્રક્રિયા દરમિયાન યોનિની આગળની, પાછળની કે બંને દીવાલોના કાચા પડેલા ભાગો અને/અથવા લાંબી થઈ ગયેલી ગ્રીવાને કાપી કાઢીને બાકીના ભાગને સાંધવામાં આવે છે. તે માટે ફૉધરગિલ (Fothergill) અથવા માન્ચેસ્ટરની શસ્ત્રક્રિયા કરાય છે જેમાં જનનઅંગોને આધાર આપતા રજ્જુબંધોને પણ મજબૂત (tight) કરાય છે ને આંત્રકોષ્ઠિકા છે કે નહિ તે જોવાય છે અને હોય તો સારણગાંઠની કોથળી(hernial sac)ને કાપી કઢાય છે. રોગગ્રસ્ત કે નાના ગર્ભાશયનો પૂર્ણ ભ્રંશ હોય તો યોનિમાર્ગે ગર્ભાશયને કાપી કઢાય છે અને યોનિની દીવાલોને સાંધીને મજબૂત કરાય છે. માન્ચેસ્ટરની શસ્ત્રક્રિયા કરવી કે યોનિમાર્ગી ગર્ભાશય-ઉચ્છેદન (vaginal hysterectomy) કરવી તે અંગે વિવિધ મંતવ્યો છે. આ ઉપરાંત અન્ય પ્રકારની શસ્ત્રક્રિયાઓ પણ વિકસી છે.

વિકારની શસ્ત્રક્રિયા વિશેષ આવડત માગી લે છે કારણ કે શસ્ત્રક્રિયા પછી પેશાબ અટકાવવામાં તકલીફ કે સમાગમ વખતે દુખાવાની તકલીફ ઉદભવે છે. શસ્ત્રક્રિયા પછી ગર્ભધારણ તેમજ પ્રસૂતિમાં તકલીફ રહે છે.

દિવ્યેશ શુક્લ

શિલીન નં. શુક્લ