ગરમાળો : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનીએસી કુળની એક નયનરમ્ય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia fistula Linn. (સં. આરગ્વધ, કર્ણિકાર; હિં. અમલતાસ; બં. અમલતાસ, સોનાર સાંદાલી, રાખાલનડી; મ. બાહવા, બોયા; ગુ. ગરમાળો; ક. હેગ્ગકે; ત. કોમરે; મલા. કટકોના; તે. રેલ્લાચેટ્ટુ; અં. ગોલ્ડન-શાવર; ઇંડિયન લેબર્નમ, પર્જિગ કે સિયા ફિસ્ચ્યુલા) છે. તે પર્ણપાતી (deciduous), મધ્યમ કદનું, 24.0 મી. સુધીની ઊંચાઈ અને 1.8 મી.નો ઘેરાવો ધરાવતું અને 15.0 મી. સુધીના મુખ્ય થડવાળું વૃક્ષ છે; તથા વન્ય સ્થિતિમાં કે શોભન વનસ્પતિ તરીકે સમગ્ર ભારતમાં થાય છે. છાલ ભૂખરી, લીસી અને 1.5 સેમી. જાડાઈવાળા, નાના, કાષ્ઠમય શલ્કો સ્વરૂપે ખરી પડે છે. પર્ણો યુગ્મ એક પિચ્છાકાર (paripinnate) સંયુક્ત 20-40 સેમી. લાંબાં અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પત્રાક્ષ (rachis) અને પર્ણદંડ ગ્રંથિવિહીન હોય છે. પર્ણિકાઓ 4-8 જોડીમાં, સ્પષ્ટપણે દંડવાળી, 5-15 સેમી. લાંબી, લંબચોરસ કે અંડાકાર અને રૂપેરી, ખરી પડતા કોમળ રોમો વડે આચ્છાદિત હોય છે. પુષ્પો ચળકતાં પીળાં સુવાસિત અને લટકતી શિથિલ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ માર્ચ-જુલાઈમાં થાય છે. ફળ અસ્ફોટનશીલ (indehiscent) શિંબી પ્રકારનાં, નળાકાર, લટકતાં, સખત, ઘેરા બદામીથી માંડી કાળા રંગનાં અને 60 સેમી. સુધી લાંબાં અને 2.5-3.0 સેમી. વ્યાસવાળાં અને અનુપ્રસ્થ પડદાઓ વડે વિભાજિત થયેલાં હોય છે. બીજ આછાં બદામી, સખત, લીસાં, ચળકતાં, દ્વિઅંતર્ગોળ, 0.7-1.0 સેમી. x 0.5-0.7 સેમી., મીઠા ગરમાં ખૂંપેલાં હોય છે.
ભારતના ઘણાખરા ભાગોમાં પર્ણપાતી જંગલોમાં, ઉપહિમાલયી માર્ગો પર 1221 મી. ઊંચાઈ સુધી અને બાહ્ય હિમાલયમાં થાય છે. ગંગાની ખીણ, ખાસ કરીને ‘ભાબર’ માર્ગોમાં, મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં વિપુલ પ્રમાણમાં થાય છે. તે વૃંદ બનાવતું નથી, પરંતુ મિશ્ર, પર્ણપાતી જંગલોમાં વિખરાયેલાં હોય છે. સાલના જંગલોમાં તે અવારનવાર જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ચંદન (Santalum album Linn.) સાથે સંકળાયેલું હોય છે. તેનો આંદામાનમાં પ્રવેશ કરાવાયો છે. તેને ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.
ગરમાળો વિવિધ આબોહવાકીય, ભૌમિક (edaphic) પરિસ્થિતિમાં અને શૈલ સમૂહો(geological formations)માં થાય છે. તે હિમાલયના બાહ્ય શુષ્ક ઢોળાવો પરની છીછરી અને ઓછી ફળદ્રુપ મૃદામાં થાય છે. તે કણાશ્મ (granite), વાલુકાશ્મ (sandstone) અને ‘ખુર્દા’ કંકરિત (laterite) મૃદાઓમાં પણ ઘણી વાર થાય છે. તેના નૈસર્ગિક આવાસનું નિરપેક્ષ (absolute) મહત્તમ છાયા તાપમાન 35° સે.થી 47.5° સે. અને નિરપેક્ષ લઘુતમ છાયા તાપમાન 0° સે.થી 17.5° સે., વાર્ષિક વરસાદ 450 મિમી.થી 3000 મિમી., છતાં 750 મિમી.થી 1900 મિમી.ના વરસાદમાં સૌથી સારી રીતે થાય છે. તે પ્રકાશાપેક્ષી (light-demander) હોવા છતાં મધ્યમસરના છાંયામાં પણ ટકે છે. તે હિમ-સહિષ્ણુ (frost-hardy) નથી; પરંતુ શુષ્કતા-સહિષ્ણુ (drought-hardy) છે.
વૃક્ષ સમગ્રપણે ભાગ્યે જ પર્ણવિહીન બને છે; છતાં કેટલાંક સ્થળોએ માર્ચથી મેના ગાળામાં લગભગ નગ્ન બને છે અને નવાં પર્ણો એપ્રિલ-જુલાઈમાં આવે છે. શુષ્ક પ્રદેશોમાં પુષ્પો પર્ણોની સાથે બેસે છે; જોકે પુષ્પનિર્માણ ઑક્ટોબર સુધી ટકે છે. ઑક્ટોબરથી ફળો ઝડપથી વિકાસ પામે છે. તેઓ ડિસેમ્બરથી માંડી એપ્રિલ સુધીમાં પાકે છે. માર્ચ–એપ્રિલ દરમિયાન ફળો એકત્રિત કરવામાં આવે છે. મૃદુ ગરમાંથી બીજ (6000–7100/કિગ્રા.) અલગ કરવામાં આવે છે અને ધોઈ તથા સૂકવીને ઠંડી અને શુષ્ક જગાએ કોથળીઓમાં સંગ્રહવામાં આવે છે. તેમની અંકુરણક્ષમતા (viability) ખૂબ લાંબા સમય (31 વર્ષ) સુધી જળવાઈ રહે છે. એક વર્ષ જૂનાં બીજ તાજાં બીજ કરતાં વધારે ઝડપથી અંકુરણ પામે છે. સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની પૂર્વચિકિત્સા આપતાં સૌથી સારાં પરિણામો પ્રાપ્ત થાય છે. ઊકળતા પાણીમાં 5 મિનિટ માટે બીજને ડુબાડી રાખી ઉગાડવાની ભલામણ કરવામાં આવી છે.
નૈસર્ગિક પુનર્જનન (regeneration) : એપ્રિલથી સપ્ટેમ્બર સુધી કે તે પછી પણ ફળ ખરવાની ક્રિયા થાય છે. તેઓ અનુગામી શિયાળા અને ઉનાળા દરમિયાન અને ઉપરાંત સમગ્ર ચોમાસામાં જમીન પર પડી રહે છે. તેમનો બહારનો સખત કવચ ઘણીવાર ઊધઈ દ્વારા કેટલેક અંશે ખવાય છે. છતાં અંકુરણ જોવા મળતું નથી. બીજ ઓછામાં ઓછું બે વર્ષ સુધી અંકુરક્ષમ રહે છે. બીજવિકિરણ પ્રાણીઓ દ્વારા પણ થાય છે. તેઓ કાં તો ફળનો ગર ખાઈ બીજ ત્યાં જ છોડી દે છે; અથવા કેટલીક વાર તેઓ બીજ ગળી જાય છે અને તેમનો મળ દ્વારા ત્યાગ કરે છે. બીજ ચોમાસામાં અંકુરણ પામે છે. થોડાંક બીજ બીજા કે ત્રીજા ચોમાસા સુધી સુષુપ્ત રહે છે. જો બીજ દટાયેલાં રહે તો અંકુરણ પામે છે. ઘાસની મધ્યમ વૃદ્ધિને કારણે તેમને રક્ષણ મળે છે. જો તેઓ સપાટી ઉપર રહે તો તેમનાં ભ્રૂણમૂળ કીટકો અને પક્ષીઓ દ્વારા ખવાય છે; અથવા સૂર્યના તડકામાં સુકાઈ જાય છે. તરુણ રોપાઓ મધ્યમ છાંયા સામે ટકી શકે છે; પરંતુ હિમ સહન કરી શકતા નથી. હિમને કારણે જમીન પર ઢળી પડેલા રોપ પૈકી કેટલાક ફરીથી ઊગે છે. ઘણા રોપાઓ ચોમાસામાં નીંદણની વૃદ્ધિને કારણે નાશ પામે છે. કેટલાક આર્દ્ર-પતન(damping-off)ને કારણે મૃત્યુ પામે છે. તેઓ શુષ્કતાનો સફળતાપૂર્વક પ્રતિકાર કરે છે. મોટે ભાગે જંગલોમાં, ખાસ કરીને ટેકરીઓ પાસે અને જ્યાં સપાટી પરનાં મૂળ ખૂલ્લાં થવાની શક્યતા હોય તેવાં સ્થળોએ ગરમાળાનું નૈસર્ગિક પુન:સર્જન મૂલ-અંત:ભૂસ્તારી (root-sucker) દ્વારા થાય છે. ઉષ્ણકટિબંધીય શુષ્ક પર્ણપાતી જંગલોમાં વાર્ષિક કે પુનરાવર્તિત આગ અને ચરતાં પ્રાણીઓ દ્વારા કચડાતો હોવા છતાં ગરમાળાનું પુનર્જનન સતત ચાલુ રહે છે. ઢોરો કે બકરીઓ દ્વારા આ રોપાઓ ચરાતા નહિ હોવાથી તેઓ ચરણ-ક્ષેત્રોમાં જોવા મળે છે. ગરમાળાની વૃદ્ધિનો દર નીચો હોય છે (વાર્ષિક સરેરાશ ઘેરાવામાં વૃદ્ધિ 1.9 સેમી.).
નૈસર્ગિક પ્રસર્જન વિપુલ નહિ હોવાથી ઝાડીવન સર્જન (coppicing) સંતોષજનક વિકલ્પ ગણાય છે. ઈંધણ માટેનાં જંગલોમાં વૃદ્ધિના દર ઉપર આધાર રાખી 30-40 વર્ષના એક ચક્ર પ્રમાણે સ્થૂણજ પદ્ધતિ (coppice system) હેઠળ ઝાડીવન તૈયાર કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ગરમાળામાંથી મુખ્યત્વે છાલ લેવાતી હોવાથી જંગલમાંથી દર પાંચ વર્ષે વિખરાયેલાં વૃક્ષો પરથી છાલ લેવામાં આવે છે.
કૃત્રિમ પુનર્જનન : બીજની સીધેસીધી વાવણી દ્વારા કે ધરુવાડિયામાં તૈયાર કરાયેલા ધરુઓના રોપણ દ્વારા કે સ્થૂણ(stump)-રોપણ દ્વારા કૃત્રિમ પુનર્જનન કરી શકાય છે.
ધરુવાડિયામાં ક્યારીઓ બનાવવા માર્ચ કે એપ્રિલમાં બીજ આશરે 25 સેમી.ના અંતરે વેરીને કે ખરપીને વાવવામાં આવે છે. તેમને નિયમિત પાણી આપવામાં આવે છે. અંકુરણની ક્રિયા ચોમાસાની શરૂઆતમાં થાય છે; જોકે કેટલીક વાર અંકુરણ મોડું થાય છે. ખુલ્લું ધરુવાડિયું પસંદ કરવામાં આવે છે. બીજાંકુરણ 6-52 દિવસોમાં થાય છે. બહુ થોડાંક બીજ બીજે વર્ષે અંકુરણ પામે છે. રોપ શુષ્કતા કરતાં નીંદણ માટે વધારે સંવેદી હોય છે. તેથી પાણી આપવા કરતાં નીંદણનાશ વધારે મહત્વનો છે. શરૂઆતના વરસાદ દરમિયાન, 15–30 સેમી. ઊંચા રોપાઓનું કાળજીપૂર્વક રોપણ કરવામાં આવે છે. રોપાઓને ટોપલીઓમાં રોપી પછીના વરસાદમાં રોપવાથી ખાસ કરીને શુષ્ક વિસ્તારોમાં સંતોષકારક પરિણામ મળે છે.
રોગ અને જીવાત : કેટલીક ફૂગ ગરમાળાને ચેપ લગાડે છે. Tremetes incerta દ્વારા બદામી પોચો-અંત:સડો (spongy-heartrot) અને Stenella cassiae દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે. આવૃત્તબીજધારી પરોપજીવી, Dendrophthoe falcata પણ ગરમાળા ઉપર આક્રમણ કરે છે. શક્તિશાળી તૈલી પાયસ (emulsion) ઉનાળામાં 40 % અને શિયાળામાં 50 % આપવાથી પરોપજીવીનો નાશ થાય છે.
કેટલાક કીટકો (Catopsilla crocale, C. pyrarthe અને Magaronia conclusalis syn. Glyphodes conclusalis) તરુણ છોડના શરૂઆત તબક્કે આક્રમણ કરી તેમનો નાશ કરે છે; અથવા વૃદ્ધિ પામતા પ્રરોહોને વિકૃત કરે છે. તેમની જાતિઓ (C. pomona અને Nephopteryx rhodobasilis) ગરમાળા પરથી પોષણ મેળવે છે. ઇયળોના પ્રથમ વેતર સમયે લેડ આર્સેનેટ(62. ગ્રા./લી.)નો છંટકાવ કરવાથી તેમનો નાશ થાય છે. ઈંડાંઓ અને કોશિત એકઠાં કરી તેમનો નાશ કરવામાં આવે છે. કેટલાક કીટકો કાચી શિંગને કોરી ખાય છે. Xyleutes persona અને Zeuzera coffeae વેધક (borer) કીટકો છે અને પ્રકાંડને કોરી ખાય છે. આવાં વૃક્ષોનો નાશ કરવો જરૂરી છે. શોભન વૃક્ષોમાં કીટકો દ્વારા પડેલાં કાણાં કે પોલાણોને ડામર વડે ભરવામાં આવે છે. છાલ ખાતી ઇયળ(Indarbela quadrinotata)ના નિયંત્રણ માટે પોલાણોને ઘાસ વડે ઘસી નાખી ડામર લગાડવામાં આવે છે. કાણાંઓમાં કેરોસિન (5 મિલી.), કાર્બન બાઇસલ્ફાઇડ કે ડી.ડી.ટી.(0.5 %)નું અંત:ક્ષેપણ કરી રૂ અને કાદવ વડે દાટો મારવામાં આવે છે.
Trachylepidia fructicassiellaની ઇયળ જમીન ઉપર પડેલી શિંગો કોરી ખાય છે. Pachymerus (Caryoborus) gonagra (આમલીનો બ્રુકિડ ભમરો) શિંગ કોરી બીજપત્રો (cotyledons) ખાઈ જઈ ગરની ગુણવત્તા ઘટાડે છે. ખવાઈ ગયેલ સંગ્રહને જુદો પાડી ધૂમન(fumigation)ની ચિકિત્સા આપવામાં આવે છે. નવા સંગ્રહને તત્કાળ પાયરેથ્રમ (0.2 %) છાંટવામાં આવે છે; અથવા મિથાઇલ બ્રોમાઇડનો ધુમાડો આપવામાં આવે છે. કોથળીઓ અથવા પરિવેષ્ટન (packing) દ્રવ્ય નવું અને ચેપમુક્ત હોવું જરૂરી છે.
કાષ્ઠ : ગરમાળાનું રસકાષ્ઠ (sapwood) પહોળું, સફેદ અથવા આછા મેલા સફેદ રંગનું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) ભૂખરું કે પીળાશ પડતા લાલથી માંડી ઈંટ જેવા લાલ રંગનું કે લાલ-બદામી રંગનું; ઘણીવાર વધારે ઘેરા રંગની રેખાઓવાળું અને પરિપક્વ કાષ્ઠમાં ઘેરા જાંબલી-બદામી, કે લગભગ કાળા રંગનું હોય છે. પહેલી વાર ખુલ્લું થતાં ચળકતું, અત્યંત સખત, લીસું, ટકાઉ, ઘણું ભારે (વજન 801 કિગ્રા./મી.3), ખૂબ ર્દઢ, બરડ, સરળ અને સંકુલિત કણયુક્ત (close-grained) તથા મધ્યમ બરછટ પોતવાળું હોય છે. તેના ઉપર કામ કરવું મુશ્કેલ હોય છે; પરંતુ સંશોષિત (seasoned) કાષ્ઠ પર કાર્ય થઈ શકે છે. તેની સપાટી લીસી બનાવી શકાય છે. તે પૉલિશ સારી રીતે ગ્રહણ કરી શકે છે. જોકે તે તૂટી જવાનું વલણ ધરાવે છે. રસકાષ્ઠને ફૂગ લાગતી નથી; છતાં વેધકો તેના પર આક્રમણ કરી શકે છે. તેને જંતુનાશક (antiseptic) ચિકિત્સા આપવાથી તેમનો સામનો કરી શકાય છે.
કાષ્ઠનું સંશોષણ મુશ્કેલ હોય છે. વાયુસંશોષણથી સપાટી ઉપર તિરાડો પડી જાય છે; ખાડા પડી જાય છે અને ફાટી જાય છે. વૃક્ષોના વલયન (girdling) દ્વારા સારાં પરિણામો પ્રાપ્ત થાય છે; જેથી સપાટી ઉપરની તિરાડો ઘટાડી શકાય છે અને વિપાટન (splitting) લઘુતમ કરી શકાય છે. તેનું હરિત રૂપાંતરણ (green conversion) પસંદ કરવામાં આવે છે; જેથી વલયની તુલનામાં કીટકોથી થતું નુકસાન ઘટાડી શકાય છે. કાષ્ઠ સફેદ અને બદામી સડાનું રોધક હોય છે અને તેનું સરેરાશ આયુષ્ય આશરે 10.0 વર્ષનું છે. કાષ્ઠની સાગના ગુણધર્મો સાથેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 125, પાટડાનું સામર્થ્ય 115, પાટડાની દુર્નમ્યતા (stiffness) 105, થાંભલાની ઉપયુક્તતા 105, આઘાત-રોધી ક્ષમતા 135; આકારની જાળવણી 90, અપરૂપણ (shear) 165, સપાટીની ર્દઢતા 170.
ગરમાળાનું કાષ્ઠ સાગ (Tectona grandis Linn.) અને સાલ(Shorea robusta Gaertn f.)ની અવેજીમાં ઉપયોગમાં લઈ શકાય છે. કાષ્ઠનો ઉપયોગ ઘરના થાંભલા, કૅબિનેટ, પુલના અને વીજળીના થાંભલાઓ, કૃષિનાં ઓજારો, ગાડાના આરા, ધૂંસરી, દસ્તા, શેરડી અને તેલ-દાબકો, હાથાઓ અને તંબુના ખીલાઓ, રાચરચીલું, હોડી અને તેનાં હલેસાં બનાવવામાં થાય છે. તે ઈંધણ માટે સારો કોલસો ઉત્પન્ન કરે છે. શુષ્ક કાષ્ઠનું ઉષ્મીય (calorific) મૂલ્ય 5,164 કૅલરી જેટલું હોય છે. કાષ્ઠ પોચા કાગળની બનાવટમાં ઉપયોગી છે. રસકાષ્ઠમાં ફિસ્ટેકેસિડિન (-) એપીએફ્ઝેલેચિન, (+) કૅટેચિન, કૅમ્પ્ફેરોલ, ડાઇહાઇડ્રૉકૅમ્પ્ફેરોલ, ક્રાઇસોફેનોલ અને એક દ્વિલકી (dimeric) પ્રોએન્થોસાયનિડિન (ગ. બિં. 200° સે.) તથા અંત:કાષ્ઠમાં ફિસ્ટુકેસિડિન, બાર્બલૉઇન અને ર્હેઇનની હાજરી જાણવા મળી છે.
છાલ (1.5 સેમી. જેટલી જાડી, ટેનિન 3-8 %) વ્યાપારિક ધોરણે એકત્રિત કરી તેનો ઉપયોગ તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવે છે. છાલનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.94 %, ટૅનિન 11.64 %, ટેનિનરહિત સંયોજનો 5.22 % અને અદ્રાવ્ય પદાર્થો 75.20 %. છાલ લીસું-કણયુક્ત ચામડું ઉત્પન્ન કરે છે. તે આછો સફેદ રંગ આપે છે. થડની છાલ કરતાં શાખાની છાલ વધારે સારો રંગ આપે છે. ભારે ચામડાના ચર્મશોધનમાં તેનો ઉપયોગ થાય છે. બાવળની છાલ સાથે તેની છાલ સારી રીતે મિશ્ર થાય છે. માછલીની જાળનું ચર્મશોધન કર્યા પછી તેના પરિરક્ષણ માટે છાલના નિષ્કર્ષ વડે રંગવામાં આવે છે. છાલમાં (+) કૅટેચિન, એપીકૅટેચિન, કૅમ્પ્ફેરોલ, ફિસ્ટેકેસિડિન, ફિસ્ટ્યુકેસિડિન, લ્યુકોસાયનિડિન, લ્યુકૉપેલાગૉનિડિન ત્રિલક (trimer), ર્હેઇન ગ્લાયકોસાઇડ હેક્ઝાકોસેનોલ, લ્યુપિયોલ અને b-સિટોસ્ટેરૉલ હોય છે.
છાલ બલ્ય અને મરડારોધી ગુણધર્મો ધરાવે છે. તે ત્વચાના રોગોમાં ઉપયોગી છે. મરડામાં કાષ્ઠ આપવામાં આવે છે. ભસ્મ દાહક (caustic) હોવાથી ગૂમડાં ખોલવા માટે તેનો ઉપયોગ થાય છે. છાલનું ચૂર્ણ કે કાઢો કુષ્ઠ (leprosy), ઉપદંશ (syphilis), કમળો અને હૃદયના રોગોમાં આપવામાં આવે છે. પ્રકાંડની છાલ જઠરના દુ:ખાવામાં કાચી ખવાય છે. પ્રકાંડની છાલનો નિષ્કર્ષ રાનીખેત રોગના વાઇરસ અને વૅક્સિનિયા વાઇરસ (VV) સામે ઇન્ટરાફેરોન જેવાં પ્રતિવિષાણુક (anti-viral) સક્રિયતા દર્શાવે છે. છાલનો છોલ અને પર્ણોનો રસ તૂટેલાં હાડકાં અને ચાંદાં રૂઝવવા માટે લગાડવામાં આવે છે. પ્રકાંડની છાલ, જીરુ અને લસણનો કાઢો રેચક તરીકે ઢોરોને આપવામાં આવે છે.
શુષ્ક શિંગ તેના રેચક ગુણધર્મો માટે અધિકૃત ઔષધ ગણવામાં આવી છે; તેને ‘કૅસિયા ફ્રુટ’ કે ‘કૅસિયા પોડ’ અને તેના ગરને ‘કૅસિયા પલ્પ’ કહે છે. ફળોનો ઇથેનોલીય નિષ્કર્ષ માદા શ્વેત ઉંદરોમાં ઇસ્ટ્રોજન પ્રકૃતિને કારણે પ્રતિ-ફળદ્રુપતા (antifertility) સક્રિયતા દાખવે છે. કવચ ગર્ભસ્રાવ અને જરાયુ(placentation)ના નિષ્કાસન-(expulsion)ને ઉત્તેજે છે. શિંગ છાલ જેવી જ પ્રતિ-વિષાણુક સક્રિયતા દર્શાવે છે. યુરોપમાં ધૂમ્રપાન માટે તૈયાર કરાતી તમાકુમાં શિંગનો ઉપયોગ થાય છે. ગરમ કરેલી શિંગ ઠંડીને લીધે ગળામાં આવેલા સોજા ઉપર લગાડવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં શિંગનો ઉપયોગ દમમાં થાય છે. શિંગમાંથી ફિસ્ચ્યુલિક ઍસિડ અને મીણ મળે છે; જેના સાબૂકરણમાં લિગ્નોસેરિક ઍસિડ, n-ટ્રાઇઍકોન્ટેનોલ અને n-ટ્રાઇઍકોન્ટેન-1, 30–ડાયોલ ઉત્પન્ન થાય છે.
કચરેલાં પાકાં ફળોમાંથી ગર શુદ્ધ પાણીમાં નિષ્કર્ષિત કરી ગાળી વૉટરબાથમાં મૃદુ ગઠન મેળવવા તેનું બાષ્પીભવન કરવામાં આવે છે. 1 કિગ્રા. ફળોમાંથી 250 ગ્રા. ગર ઉત્પન્ન થાય છે. ગર ઘેરા બદામી રંગનો, ફિક્કી વાસવાળો, શ્લેષ્મી અને મીઠો હોય છે. ‘સોનામુખી(senna)ની મીઠાઈ’ બનાવવામાં તેનો ખૂબ ઉપયોગ થાય છે; જેમાં સોનામુખીનાં પર્ણો, ધાણા, અંજીર, આમલી, આલૂબદામ, જેઠીમધનો શીરો અને ખાંડ હોય છે. ગરનો ઉપયોગ સરબત બનાવવામાં થાય છે. હૂકા માટેની તમાકુની ગોળીઓમાં તે એક ઘટક તરીકે હોય છે. ગરમાં પ્રોટીન 19.94 % અને કાર્બોદિતો 26.3 % હોય છે. તે સેનોસાઇડ A અને B, રહેઇન અને તેનો ગ્લુકોસાઇડ, બાર્બેલોઇન, એલોઇન, ફૉર્મિક ઍસિડ, બ્યુટિરિક ઍસિડ, તેમના ઇથાલિ ઍસ્ટરો, ઑક્સેલિક ઍસિડ, પૅક્ટિન, ટેનિન, માલ્ટોઝ, ગ્લુકોઝ, ફ્રૂક્ટોઝ, સુક્રોઝ અને અત્યંત અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ પણ ધરાવે છે.
ગર સલામત રેચક છે અને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે તેની ભલામણ કરવામાં આવી છે. તે યકૃત અને પિત્તદોષના રોગોમાં આપવામાં આવે છે. તે બલ્ય છે અને ગાઉટ તથા સંધિવા (rheumatism) પર લગાડવામાં આવે છે. તે વેદનાહર (analgesic) અને જ્વરહર (antipyretic) છે. તેનો મલેરિયા અને કાળાપાણીના તાવમાં સલામત રીતે ઉપયોગ કરી શકાય છે. તેનો રુધિર-વિષાક્તન (blood-poisoning), એન્થ્રેસ, મરડો, કુષ્ઠ, મધુપ્રમેહ અને ઉદરીય અવરોધો દૂર કરવામાં ઉપયોગ થાય છે. સ્વરરુક્ષતા(hoarseness)માં તેનો કાઢો આપવામાં આવે છે. તેનો વિઆલ્કોહૉલીય (dealcoholized) નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus, M. pyogenes var. albus, M. citreus, Corynebacterium diphtheriae, Bacillus megaterium, Salmonella typhi, S. paratyphi, S. schottmuelleri અને Escherichia coli સામે પ્રતિ-જીવાણુક (anti-bacterial) સક્રિયતા દાખવે છે. તેના જલીય નિષ્કર્ષની પ્રતિ-જીવાણુક સક્રિયતા વિઆલ્કોહૉલીય નિષ્કર્ષની તુલનામાં ઓછી હોય છે. રુધિરની અશુદ્ધિઓની ચિકિત્સા માટે ફળોનો ગર અને પ્રકાંડની છાલમાંથી આયુર્વેદિક ઔષધ બનાવવામાં આવે છે. શિંગનો કાઢો ન્યુમોનિયા અને સામાન્ય તાવમાં આપવામાં આવે છે. ગરનું સરસવના તેલ સાથે મિશ્રણ કરી ઢોરોને કફ મટાડવા મોં વાટે આપવામાં આવે છે અને તે ક્ષુધાપ્રેરક (stomachic) તરીકે પણ કાર્ય કરે છે.
કચરેલાં બીજ અને પર્ણોમાંથી સરબત બનાવવામાં આવે છે. બીજ થોડીક મીઠાશવાળાં હોય છે અને રેચક, વાતહર (carminative), શીતળ અને જ્વરહર ગુણધર્મો ધરાવે છે. તે કબજિયાતમાં આપવામાં આવે છે. તેમનો ઉપયોગ કમળો, પિત્તદોષ, ત્વચાના રોગો અને ગળાના સોજામાં થાય છે. બીજનું ચૂર્ણ આંતરડાંનો અમીબીય મરડો મટાડે છે. બીજનો ખોરાક સામાન્ય શ્વેત ઉંદરોને આપતાં અલ્પગ્લુકોઝરક્ત (hypoglycaemic) સક્રિયતા દર્શાવે છે. જોકે આ સક્રિયતા ઍલૉક્સન-મધુપ્રમેહી (alloxan-diabetic) શ્વેત ઉંદરોમાં જોવા મળતી નથી. બીજનો વિઆલ્કોહોલીય નિષ્કર્ષ ગરના નિષ્કર્ષ જેટલો પ્રતિ-જીવાણુક હોતો નથી. જલીય નિષ્કર્ષ માત્ર Salmonella typhi અને Corynebacterium diphtheriaeને અવરોધે છે. બીજનું ચૂર્ણ દક્ષિણ રાજસ્થાનમાં ભીલ જાતિ દ્વારા રક્તપ્રદરમાં આપવામાં આવે છે. બીજમાંથી ઘેરા રંગનો પાણીમાં અલ્પદ્રાવ્ય ગુંદર ઉત્પન્ન થાય છે. બીજમાંથી તેલ 3.0 %) પ્રાપ્ત થાય છે. તેના ભૌતિક-રાસાયણિક (physico-chemical) ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ. 20° 0.9112, વક્રીભવનાંક 1.4672, સાબૂકરણ આંક 184.2, ઍસિટાઇલ મૂલ્ય 9.2, ઍસિડ મૂલ્ય 2.9, આયોડિન મૂલ્ય 109.3, થાયોસાયનોજેન મૂલ્ય 66.6 અને અસાબુનીકૃત દ્રવ્ય 5.7 %, તેલમાં રહેલા ફૅટી ઍસિડોમાં પાર્મિટિક 16 %, લિગ્નોસેરિક 5.2 %, ઓલિક 30.7 % અને લિનોલિક 48.1 %નો સમાવેશ થાય છે. ગૅલેક્ટોમેનન, મુક્ત શર્કરાઓ અને મુક્ત ઍમિનોઍસિડોની હાજરી જાણવા મળે છે.
પર્ણોનો ઢોરો માટે ચારા તરીકે ઉપયોગ થાય છે. તેઓ લીલા ખાતરનો સ્રોત ગણાય છે. શુષ્કતાને આધારે પર્ણોના કરવામાં આવેલા એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે અશુદ્ધ પ્રોટીન 15.6 %, ઈથર નિષ્કર્ષ 10.15 %, અશુદ્ધ રેસો 24.19 %, N-મુક્ત નિષ્કર્ષ 43.55 %, ખનિજ દ્રવ્ય 7.04 %, કૅલ્શિયમ 2.61 % અને ફૉસ્ફરસ 0.2 % ધરાવે છે. પર્ણોમાં સેનોસાઇડ A અને B, ક્રાઇસોફેનોલ, ફાઇસીઓન, રહેઇન અને તેના ગ્લુકોસાઇડ, કૅમ્પ્ફેરોલ, ક્વિર્સેટિન, (–) એપીએફ્ઝેલેચિન અને તેના 3–0–β–D–ગ્લુકોપાયરેનોસાઇડ, (–) એપીકૅટિચન, પ્રોસાયનિડિન B-2, એપીફ્ઝેલેચિન એપીકૅટેચિનના બે સમઘટક (isomer), (2S) – 7, 4 ડાઇહાઇડ્રોક્સિફ્લેવેન એપીએફ્ઝેલિચિનના ચાર સમઘટક અને એપીએફ્ઝેલેચિન (4β → 8) – એપીએફ્ઝેલિચન, એપીએફ્ઝેલેચિન(4β → 8) – એપીએફ્ઝેલિચન (4β → 8) – એપીએફ્ઝેલેચિન અને (2S) – 7, 4 – ડાઇહાઇડ્રોક્સિ – (4β → 8) – એપીએફ્ઝેલેચિન – (4β → 8) – એપીએફ્ઝેલેચિન અને ગેલિક, પ્રોટોકૅટેચૂઇક, ઇલેજીક, સાઇટ્રિક, મૅલિક અને સક્સિનિક ઍસિડ હોય છે. તેઓ કાલિક-જ્વરરોધી (antiperiodic) અને રેચક ગુણધર્મો ધરાવે છે. તેમનો ઉપયોગ કમળો, મસા, સંધિવા, ચાંદાં અને બાહ્ય રીતે દાદર, ચામડી પર થતા ફોડલા, ખૂજલી, કંડૂ (prurites) વગેરેમાં થાય છે. પર્ણો અને છાલ તેલ સાથે મિશ્ર કરી ફોડલા, કીટક દંશ, ચહેરાનો લકવો અને સોજા પર લગાડવામાં આવે છે. પર્ણનો રસ લકવો અને મગજની બીમારી તથા દાદર મટાડવામાં ઉપયોગી છે.
મૂળ અને તેની છાલ સંકોચક (astringent), બલ્ય, જ્વરહર (febrifuge) અને રેચક ગુણધર્મો ધરાવે છે. મૂળની છાલનો જલીય નિષ્કર્ષ પ્રતિ-શોથજ (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે. મૂળ હૃદ્-રોગો, પિત્તદોષ, સંધિવા, રક્તસ્રાવ, વ્રણ, ચાંદાં અને દાહ, ત્વચાના વિવિધ રોગો, કુષ્ઠ વગેરેમાં લાભદાયી છે. મૂળની છાલનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કાળા-પાણીના તાવમાં ઉપયોગી છે. મૂળની છાલ ત્રણ ફ્લેવોનૉઇડનું મિશ્રણ ધરાવે છે; તે પૈકી એક ફિસ્ચ્યુકેસિડિન છે. મૂળની છાલના બે ઘટકો (CFRI અને II) Microsporon gypseum, Trichophyton mentagrophytes, T. rubrum અને T. tonsurans જેવી ત્વચાના રોગો ઉત્પન્ન કરતી ફૂગનો પ્રતિકાર કરે છે. તેના મૂળ, કાળાં મરી, ફણસનાં પર્ણોનો રસ અને લાલ કાદવના મિશ્રણનો મલમ ઢોરોના ગળાના સોજાઓ પર લગાવવામાં આવે છે. મૂળની છાલમાં ટેનિન, ફ્લોબેફિનો, અપચાયી (reducing) શર્કરાઓ અને ઑક્સિઍન્થ્રેક્વિનોન હોય છે.
ગરમાળાનાં પુષ્પો બાદ્ય હોય છે. તેઓ સંકોચક, રેચક, જ્વરહર અને પિત્તરોધી (anti-bilious) ગુણધર્મો ધરાવે છે. પુષ્પોનો કાઢો જઠરના રોગોમાં આપવામાં આવે છે. પરાગરજ કાંજી – અને લિપિડ – પ્રકારની હોય છે. કાંજી પ્રકારની પરાગરજ પ્રત્યૂર્જક (allergic) હોય છે. પુષ્પોમાં કૅમ્પ્ફેરોલ, લ્યુકોપેલાર્ગોનિડિન ચતુર્લક (tetramer), રહેઇન અને તેના ગ્લાયકોસાઇડ, સૅરાઇલ આલ્કોહૉલ, ફિસ્ચ્યુલિન રહેમ્નોસાઇડ, ઓરેન્ટિઍમાઇડ ઍસિટેટ, સ્ટિગ્મેસ્ટૅરોલ, 28–આઇસોફ્યુકોસ્ટૅરોલ, β-સિટોસ્ટૅરોલ અને તેનો β–D–ગ્લુકોસાઇડ અને મિથાઇલયુજેનોલ હોય છે. મિથાઇલયુજેનોલ ફળમાખી(Dacus dorsalis)ને આકર્ષે છે. દલપત્રો (5 મિગ્રા./કિગ્રા.) અને પરાગાશયો (2 મિગ્રા./કિગ્રા.) જિબરેલિક ઍસિડ ઉત્પન્ન કરે છે.
આયુર્વેદ અનુસાર, ગરમાળો અતિમધુર, શીતળ, મૃદુ, રેચક, તીખો, ભેદક, ગુરુ અને સ્રંસન હોય છે. તે શૂળ, જ્વર, કોઢ, કંડૂ, મેહ, કફ, વાયુ, ઉદાવર્ત, હૃદ્ રોગ, બંધકોશ, કૃમિ, વ્રણ, કફોદર, મૂત્રકૃચ્છ અને ગુલ્મનો નાશ કરે છે. તેનાં પર્ણો રેચક અને કફ પ્રમેહનાં નાશક હોય છે. તેનાં પુષ્પો સ્વાદુ, ઠંડાં, કડવાં, ગ્રાહક અને તૂરાં હોય છે. તેની શિંગો પાકકાળે તીખી, મધુર, બલકર, સ્રંસનકારક, રેચક, અરુચિપ્રદ અને કોષ્ઠશુદ્ધિકારક હોય છે. તે કફ, પિત્ત અને મલદોષનો નાશ કરે છે. તેની છાલ પાકકાળે મધુર, સ્નિગ્ધ, અગ્નિવર્ધક અને રેચક હોય છે. તે પિત્ત અને વાયુની નાશક છે.
ગરમાળાનો ઉપયોગ દાદર, કુષ્ઠ, દમ, ખસ, ચાઠાં, કાળીપુળી (પાઠા), બાળકોની અંગ પર થતી ફોડલીઓ, હરિદ્રામેહ (પીળો મેહ), કફ, ગંડમાળા, ભિલામો ઊઠ્યો હોય ત્યારે અને સૂક્ષ્મ રેચ માટે થાય છે.
પ્રાગજી મો. રાઠોડ
મ. ઝ. શાહ
અંજના સુખડિયા
બળદેવભાઈ પટેલ