ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા આ નામ ધરાવતા બે જિલ્લા – તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 29o 26´થી 31o 05´ ઉ. અ. અને 78o 12´થી 80o 06´ પૂ. રે. વચ્ચેનો 5,230 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઉત્તરકાશી; પૂર્વ તરફ રુદ્રપ્રયાગ, ચમોલી, અલમોડા અને નૈનિતાલ; દક્ષિણે ઉત્તરપ્રદેશની સીમા તથા પશ્ચિમે હરિદ્વાર અને દહેરાદૂન જિલ્લા આવેલા છે. તેહરી અને પૌરી (પૌડી) તેમનાં જિલ્લા મથકો છે.
ભૂપૃષ્ઠ : મધ્ય હિમાલયમાં આવેલો આ પ્રદેશ સંપૂર્ણપણે પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. આ પહાડી પ્રદેશનો મોટો ભાગ સાંકડી, ઊંડી ઘાટીઓથી બનેલો છે. અહીં બારે માસ હિમાચ્છાદિત રહેતાં કામેત, નંદાદેવી, ત્રિશૂલ, બદરીનાથ, દુનગિરિ, કેદારનાથ જેવાં મોટાં શિખરો આવેલાં છે. અહીંનું પૌરી શહેર 2,600 મીટરની ઊંચાઈ પર વસેલું છે. દક્ષિણ તરફનો તળેટી-વિસ્તાર (80 કિમી. લાંબો અને 3 કિમી. પહોળો) જંગલ-આચ્છાદિત છે. અહીં સાલ, ચીડ, દેવદાર જેવાં વૃક્ષો છવાયેલાં છે.
જળપરિવાહ : ગંગા અહીંની મુખ્ય નદી છે. ગંગોત્રી નામે જાણીતું ભાગીરથી ગંગાનું ઉદગમસ્થાન અહીં નજીકમાં આવેલું છે. તેને મળતી નદીઓમાં મંદાકિની, જાહનવી, અલકનંદા અને પિંઢારીગંગા મુખ્ય છે. અલકનંદા નદી તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ વચ્ચેની સીમા બને છે.

ગઢવાલ જિલ્લો
આબોહવા : મધ્ય હિમાલયના આ વિસ્તારમાં માર્ચથી ઑક્ટોબર સુધી ગરમી રહે છે, જ્યારે શિયાળામાં તાપમાન અતિશય નીચું રહે છે. ગરમીના દિવસોમાં બરફ ઓગળતો હોવાથી હિમરેખા 5,500 મીટરની ઊંચાઈએ જોવા મળે છે, જ્યારે શિયાળા દરમિયાન તે 1,220 મીટરની ઊંચાઈ સુધી રહે છે. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે. આ સમગ્ર વિસ્તાર અતિ રમણીય છે.
ખેતી : આ વિસ્તાર પહાડી અને જંગલઆચ્છાદિત હોવાથી ખેતી માટેની જમીનોનું પ્રમાણ તદ્દન ઓછું છે. આબોહવાની વિષમતાને કારણે ડાંગર, ઘઉં, જવ, બાજરી, અડદ અને મરચાં થોડા પ્રમાણમાં થાય છે. અહીં સફરજન, અખરોટ, શાકભાજી અને બટાટા ઉગાડવા માટે પૂરતી તકો રહેલી છે. જિલ્લામાં આશરે છથી સાત લાખ જેટલાં પાલતુ પશુઓ હોવા છતાં દૂધની ઊપજ ઓછી રહેવાથી દૂધ બહારથી મંગાવવું પડે છે.
ઉદ્યોગો–વેપાર : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી ઔદ્યોગિક વિકાસ થયેલો નથી. અહીં કોઈ અગત્યનાં ખનિજો પણ મળતાં નથી. વન્ય પેદાશોમાં મુખ્યત્વે લાકડાં મળે છે. નાના પાયા પરના કુટિર ઉદ્યોગોમાં ઊની અને રેશમી વણાટકામની પ્રવૃત્તિ થાય છે. ફળોની જાળવણીને પ્રોત્સાહન અપાય છે. સ્થાનિક લોકો હુન્નરકળામાં પારંગત છે. જિલ્લામાં લાકડાનું રાચરચીલું અને ઇંધનના કોલસાનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ઊની કાપડ, લાકડાં, રાળ અને સફરજનની નિકાસ થાય છે; જ્યારે કાપડ, ખાદ્યાન્ન અને ઘઉંની આયાત કરવામાં આવે છે.
પરિવહન–પ્રવાસન : આ જિલ્લામાં માત્ર 6 કિમી.ના અંતર માટે રેલમાર્ગ પસાર થાય છે, જેના પર કોટદ્વાર એકમાત્ર રેલમથક છે; આશરે 145 કિમી. લંબાઈના સડકમાર્ગો ઉપયોગમાં લેવાય છે. પૌરીથી બસ મારફતે હૃષીકેશ અને બદરીનાથ રોડ પર આવેલા શ્રીનગર ગામ સુધી જવાય છે. પૌરી પહોંચવા રેલમાર્ગે કોટદ્વાર સુધી જવું પડે છે.

ગંગોત્રી મંદિર
મધ્ય હિમાલયના આ પ્રદેશમાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદરીનાથ જેવાં યાત્રાધામો આવેલાં છે. સમગ્ર ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રીઓ દર્શનાર્થે અહીં આવે છે. આ ઉપરાંત અહીંનાં અન્ય જોવાલાયક સ્થળોમાં પૌરી, કંડોલિયા, કિંકલેશ્વર, રાંસી ઉજાણીમથક, જ્વાલાદેવીનું મંદિર, અડયાની વગેરેનો સમાવેશ થાય છે. કંડોલિયા ટેકરીઓના ઉત્તર ઢોળાવ પર પૌરી નગર વસેલું છે. અહીંથી ઓક, દેવદાર અને પાઇનનાં વૃક્ષોથી ભરેલું રમણીય ર્દશ્ય તેમજ હિમાચ્છાદિત શિખરો દેખાય છે. પૌરીનગર પ્રાદેશિક પ્રવાસ અધિકારીનું તેમજ ગઢવાલ વિભાગના કમિશનરનું મુખ્યમથક છે. પૌરીનગર ગઢવાલ વિભાગના બધા જ ભાગો સાથે સંકળાયેલું છે.

યમુનોત્રી મંદિર
ગઢવાલનું લોકનૃત્ય, ત્યાંના લોકોની બોલી અને પોશાક નોંધપાત્ર છે. ગઢવાલની ચિત્રશૈલી ‘પહાડી કલમ’ તરીકે ઓળખાય છે. આ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો કે મિનિયેચર પેઇન્ટિંગ તરીકે જાણીતાં બનેલાં છે.
વસ્તી–લોકો : 2022 મુજબ આ બંને જિલ્લાઓ પૌરી ગઢવાલ, તેહરી ગઢવાલની વસ્તી અનુક્રમે 7,97,234 અને 6,74,969 છે. સંયુક્ત રીતે જોતાં, આ પૈકી ગ્રામીણ વસ્તી 88% અને શહેરી વસ્તી 12% જેટલી છે. અહીંની મુખ્ય ભાષાઓ હિન્દી અને ગઢવાલી છે. જિલ્લાઓમાં હિન્દુઓની વસ્તીનું પ્રમાણ વિશેષ છે, જ્યારે તેનાથી ઊતરતા ક્રમમાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધ વસ્તીનું પ્રમાણ આવે છે. અહીં શિક્ષિતોનું પ્રમાણ 65% જેટલું છે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરનું છે, શહેરી વિસ્તારોમાં થોડીક કૉલેજો તેમજ દવાખાનાં આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાઓને તાલુકા અને સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 7 નગરો અને 3,551 ગામડાં આવેલાં છે.
આ પ્રદેશમાં જુદી જુદી પહાડી જાતિઓના જધ, ભોટિયા, ગુજ્જર વગેરે લોકો વસે છે. વ્યવસાયમાં તેઓ ખેતી, પશુપાલન, જંગલોમાંથી લાકડાં ભેગાં કરવાનું, યાત્રીઓ સાથે મજૂર તરીકેનું કામ કરે તેમજ ભોમિયા તરીકેનું કામ કરે છે.
ઇતિહાસ : પ્રાચીન હિંદુ સાહિત્યમાં આ પ્રદેશના ઉલ્લેખો થયેલા છે. ઈ. સ. પૂ. 3જી સદીમાં મૌર્ય સમ્રાટોના આધિપત્ય હેઠળ આ પ્રદેશ હતો. મૌર્ય આધિપત્ય પછી કુષાણો આ પ્રદેશ પર સાર્વભૌમ સત્તા ભોગવતા હતા. ઈસુની 2જીથી 7મી સદી સુધીનો આ પ્રદેશનો ઇતિહાસ અપ્રાપ્ય છે. 8મીથી 12મી સદી સુધી ચમોલી જિલ્લામાં જોશીમઠમાં રહીને કટ્યુરી રાજાઓ ત્યાં શાસન કરતા હતા. 12મી સદીનાં છેલ્લાં વર્ષોથી આ પ્રદેશમાં પનવાર વંશની સત્તાનો ઉદય થયો. ઈ. સ. 1451થી 1488 વચ્ચેના સમયગાળામાં પાલવંશમાંથી સાહ વંશની સત્તા બદલાઈ. આ વંશના રાજાઓ કુમાઉં રાજ્યના રાજાઓના વારંવારના હુમલાનો ભોગ બન્યા. 1580થી 1630 દરમિયાન મહિપત સાહના શાસન દરમિયાન ગઢવાલનો પ્રદેશ સમૃદ્ધ થયો. ગઢવાલના રાજ્યને બહારના હુમલાનો ભય રહેતો હતો. હાફિઝ રહમત ખાને આ પ્રદેશ 1743-44માં કબજે કર્યો અને 3 લાખ રૂપિયા આપવાની શરતે ખાલી કર્યો. તેથી ગઢવાલ રાજ્યની આર્થિક સ્થિતિ નબળી થઈ. તેના પર શીખ, રાજપૂત વગેરેના હુમલા થવાથી રાજ્ય લગભગ દેવાદાર બન્યું. 19મી સદીની શરૂઆતથી ગઢવાલનું રાજ્ય કાઠમંડુનું માંડલિક બન્યું. ઈ. સ. 1803માં ગુરખાઓના હુમલા સામે ગઢવાલના રાજ્યે શરણાગતિ સ્વીકારી. ગુરખાઓના શાસન હેઠળ જાણે લશ્કરનું રાજ હોય એવી સ્થિતિ થઈ. 1815માં આ પ્રદેશ અંગ્રેજોના શાસન હેઠળ આવ્યો. 1947માં આ પ્રદેશને રાજકીય સ્વતંત્રતા મળી.
ગિરીશ ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ