ગઢવી, દાદુદાન (કવિ દાદ) (જ. 11 સપ્ટેમ્બર 1940, ઈશ્વરિયા (ગીર); અ. 26 એપ્રિલ 2021, ધૂના, પડધરી, રાજકોટ) : ગુજરાતી કવિ અને ગુજરાતના લોકગાયક. પિતાશ્રી પ્રતાપદાન ગઢવી જૂનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. કવિ દાદે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેઓ જૂનાગઢમાં નિવાસ કરતા હતા.

કવિ દાદની ખૂબ જ લોકપ્રિય રચનાઓમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો’, ‘કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું’, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ અને ‘હીરણ હલકાળી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…’ છે. તેમનું સંપૂર્ણ સર્જન ‘ટેરવાં’ ભાગ-1થી 4 અને ‘લચ્છનાયણ’(2015)માં સંગ્રહિત છે. તેમની રચનાઓમાં માટીની મહેક અને ગુજરાતની પરંપરાની ઝલક દેખાય છે. આ સિવાય તેમના નામે ‘ચિત્તહરણનું ગીત’, ‘શ્રીકૃષ્ણ છંદાવલિ’ અને ‘રામનામ બારાક્ષરી’ જેવા ગ્રંથો પણ છે. તેમનું ‘બંગ બાવની’ નામનું પુસ્તક કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું, જે તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે લખ્યું હતું. તેમણે એ પુસ્તકના વેચાણમાંથી થયેલો તમામ નફો બાંગ્લાદેશ શરણાર્થીઓના રાહત માટે આપી દીધો હતો. તેમણે પંદરેક ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખી આપ્યાં હતાં.

ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા ‘કાળજા કેરો કટકો મારો’થી પ્રભાવિત થઈને ગુજરાત રાજ્યમાં કન્યાનાં માતા-પિતાને મદદ કરવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ નામની યોજના શરૂ કરેલી.

કવિ દાદને કવિ કાગ ઍવૉર્ડ 2004, ગુજરાત ગૌરવ પુરસ્કાર, હેમુ ગઢવી ઍવોર્ડ તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. સાહિત્ય અને શિક્ષણમાં તેમના સુંદર યોગદાન માટે 2021માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સરકારી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પડધરી સાથે કવિ દાદનું નામાભિધાન થયેલું છે.

અશ્વિન આણદાણી