ગઢડા (સ્વામીના) : ભાવનગર જિલ્લાનું સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય તીર્થધામ તરીકે જાણીતું શહેર અને તે જ નામ ધરાવતો તાલુકો. ભૌગોલિક સ્થાન : 22o 25´ ઉ. અ. અને 70o 25´ પૂ. રે.. તાલુકાનો વિસ્તાર 898.5 ચોકિમી. અને વસ્તી 2,18,372 (2022) છે. સમગ્ર તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
તાલુકાની ઘેલો અને કાળુભાર નદીઓની ખીણમાંથી 1958-59 અને 1960-61માં 16 ટીંબામાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળો અડતાળા, લાબણકા, જૂનાવદર, રામપુરા, રાજપીપળા અને સમઢિયાળા નજીક આવેલાં છે. ગઢડા તાલુકાના રસનાળ ગામે અંત્ય હડપ્પીય કાળનું સ્થળ મળી આવ્યું છે. અવશેષોમાં માટીનાં પાત્રો, ઊભી દીવડી, બહિર્ગોળ બાજુવાળો તૂટેલો વાટકો, કાંઠલાવાળો ઘડો વગેરે છે. ઘેલોની ખીણમાં ચાર અને કાળુભારની ખીણમાં બે સ્થળોએ પ્રભાસ-રોજડી પ્રકારનાં ખરબચડી કાંગરીવાળાં મૃદ્-પાત્રો મળ્યાં છે. ઘેલો ખીણમાં ત્રણ સ્થળોએ ચળકતા લાલ રંગનાં મૃદ્-પાત્રો મળ્યાં છે. તામ્ર-પાષાણયુગનાં નીલ-લોહિત મૃદ્-પાત્રો 1971-1972માં મળ્યાં છે. આમ આ તાલુકાની પ્રાચીન સંસ્કૃતિ ઈ. સ. પૂ. 2000 વર્ષની ગણી શકાય.
ગઢડા શહેર ઘેલો નદીના કાંઠે 22o 25´ ઉ. અ. અને 70o 25´ પૂ. રે. ઉપર આવેલું છે. તે તાલુકામથક ભાવનગરથી 68 કિમી. વાયવ્યે આવેલું છે. વીરમગામ, સુરેન્દ્રનગર, ભાવનગર રેલવે-લાઇન ઉપરના નિંગાળા જંક્શનથી રેલવેનો એક ફાંટો ગઢડા સુધી જાય છે. રાજ્ય પરિવહન સેવા દ્વારા તે અમરેલી, અમદાવાદ, બોટાદ, ઢસા અને ભાવનગર સાથે જોડાયેલું છે. શહેરની વસ્તી આશરે 41,000 (2023) હતી. ગઢડા મૂળ ભડલીના ચુડાસમાઓને તાબે હતું. રા’કાને ભડલી ગોદડકા ખાચરોને સેવા બદલ ગરાસમાં આપ્યું હતું અને ભડલીની પડતી બાદ ખાચરોએ ગઢડા આજુબાજુનો પ્રદેશ જીતી પોતાની સત્તા જમાવી હતી. ચીતળની લડાઈમાં ભાવનગરના ઠાકોર વખતસિંહ વિરુદ્ધ ગઢડાના કાઠીઓએ લડાઈમાં ભાગ લીધો હતો. તેથી તેમણે ગઢડા ઉપર ચડાઈ કરી જીતી લીધું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ 1804માં અહીં તેમની ગાદી સ્થાપી હતી અને તે દાદા ખાચરના આશ્રયે 35 વરસ રહ્યા હતા. તેમનું મૃત્યુ અહીં 1829માં થયું હતું. સહજાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન જે વસ્તુઓ ઉપયોગમાં લીધી હતી તે સ્મૃતિચિહનો તરીકે ગોપીનાથદેવના મંદિરમાં સચવાઈ છે.
ગોપીનાથદેવનું ભવ્ય મંદિર 1829માં બંધાયું છે. તેની ઊંચી બેઠકવાળી બાંધણી, સુંદર શિલ્પકામ તથા વિશાળ ચોક જોનારને પ્રભાવિત કરે છે. અહીં એવું બીજું મંદિર નજીકમાં જ બંધાયું છે. ઘેલો નદી ઉપર શહેરથી 8 કિમી. દૂર ‘સહસ્રધારા’ સ્નાનઘાટ આવેલો છે, જેમાં સ્વામિનારાયણ પંથના યાત્રાળુઓ સ્નાન કરે છે.
ચંદન અને તુલસીના મણકાવાળી માળા, હાથવણાટનું કાપડ, ચાદર, લાકડાની નાની પેટીઓ, સાબુ, હાથબનાવટનો કાગળ તથા માટીનાં વાસણો વગેરેના ગૃહઉદ્યોગો અહીં ખીલ્યા છે.
ગઢડા તાલુકામથક હોવાથી વિવિધ ખાતાંની તાલુકા કક્ષાની કચેરીઓ, આરોગ્યકેન્દ્ર, હાઈસ્કૂલો, પ્રાથમિક શાળાઓ, બૅંકોની શાખાઓ, બીજ-ઉત્પાદન-કેન્દ્ર, કાંતણ-વણાટ-કેન્દ્ર વગેરે આવેલાં છે.
ગઢડાના પ્રશ્નોરા વૈદો આયુર્વેદના જ્ઞાતા તરીકે જાણીતા છે.
ભાદરવા સુદમાં જળઝીલણી એકાદશીને દિવસે અહીં મેળો ભરાય છે.
સ્વામિનારાયણ મંદિર : ગઢડામાં દાદા ખાચરની વિનંતીથી તેમની જગ્યામાં શ્રી હરિ(સહજાનંદ સ્વામી)એ વિ. સં. 1883માં સોનાના લેલા વડે સ્વહસ્તે ખાતમુહૂર્ત કરેલું. નારણજીભાઈ સુથારે ત્રણ શિખરવાળા મંદિરનો આલેખ તૈયાર કર્યો. રત્નો અને જેઠો નામના નિષ્ણાત શિલ્પીઓને સમાધિ લેવડાવી સૂચિત મંદિરના સમગ્ર રૂપદર્શન કરાવ્યાં. ગઢડાના સ્થાનિક પથ્થરથી મંદિરનું બાંધકામ થયું. રાધિકાજી અને ગોપીનાથજી એ નામસ્વરૂપની રાધાકૃષ્ણની મૂર્તિ માટે કાળો અને સફેદ આરસ પથ્થર ડુંગરપુરથી આણવામાં આવ્યા. શ્રીકૃષ્ણની ત્રિભંગ સ્વરૂપની મૂર્તિ તૈયાર થઈ. બે વર્ષે ત્રણ શિખરોવાળું બે માળનું ભવ્ય મંદિર તૈયાર થયેથી મધ્યગર્ભગૃહમાં રાધિકાયુક્ત શ્રી ગોપીનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી, પશ્ચિમ તરફના ગર્ભગૃહમાં ધર્મ, ભક્તિ અને વાસુદેવ નારાયણની મૂર્તિઓની તથા પૂર્વ તરફના ગર્ભગૃહમાં રેવતી, બળરામ, કૃષ્ણ અને સૂર્યનારાયણ એમ ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના કાયમી નિર્વાહ માટે દાદા ખાચર અને જીવા ખાચરાદિ ભક્તોએ પોતાના વાડી, ખેતર વગેરે અર્પણ કર્યાં. આ સમય દરમિયાન શ્રી શતાનંદ મુનિલિખિત ‘સત્સંગીજીવન’ ગ્રંથ સંપૂર્ણ તૈયાર થઈ જતાં શ્રીહરિએ પૂજા અને આરતી કરી ગ્રંથની વિમોચનવિધિ કરી. ત્યારબાદ ગ્રંથને મસ્તક પર ધારણ કરી વાજતે-ગાજતે ગ્રંથની શોભાયાત્રા કાઢી. 1885ના આસો સુદી બારસથી શરદપૂનમ સુધી આ ઉત્સવ ચાલ્યો.
પ્રવીણચંદ્ર પરીખ
શિવપ્રસાદ રાજગોર