ગઢચિરોલી (Gadchiroli) : મહારાષ્ટ્ર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 19o 57´ઉ. અ. અને 78o 40´ પૂ. રે.ની આજુબાજુનો 14,477 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નાગપુર વિભાગમાં આવેલો છે. તેની ઉત્તરે ભંડારા અને ગોંડા, પૂર્વ અને અગ્નિ તરફ છત્તીસગઢની સીમા, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ આંધ્રપ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ ચંદ્રપુર જિલ્લો આવેલા છે. જિલ્લામથક ગઢચિરોલી જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજંગલોઆબોહવા : આ જિલ્લામાં તિપાગઢ હારમાળા, સિરકોંડા હારમાળા, ગડુલગુટ્ટા ટેકરીઓ તથા સૂરજગઢની ટેકરીઓ આવેલી છે. અહીંની ટેકરીઓની ઊંચાઈ ઓછી છે; પરંતુ તે વર્ધા અને વેનગંગા નદીની સહાયક નદીઓ માટે જળવિભાજક બની રહેલી છે. અહીંનાં જંગલો મુખ્યત્વે સાગનાં વૃક્ષોથી બનેલાં છે. નૈર્ઋત્યના મોસમી પવનો અહીં વરસાદ લાવે છે. ગઢચિરોલી, સિરોન્ચા અને બ્રહ્મપુરી વિસ્તારમાં વધુ વરસાદ પડે છે. આ જિલ્લો દરિયાથી દૂર આવેલો હોઈ અહીં શિયાળા ઠંડા અને ઉનાળા ગરમ રહે છે.

જળપરિવાહ : ગોદાવરી, ઇન્દ્રાવતી, વર્ધા, વેનગંગા, પ્રાણહિતા અહીંની મુખ્ય નદીઓ છે. વેનગંગા નદી જિલ્લાની પશ્ચિમ સીમા તથા ઇન્દ્રાવતી નદી અગ્નિસીમા રચે છે, જ્યારે પ્રાણહિતા નૈર્ઋત્ય સીમા પર વહે છે.

ખેતીપશુપાલન : જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી કરે છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે. વેનગંગા નદીકાંઠાનો વિસ્તાર ગોરાડુ પ્રકારની કાળી જમીનોથી બનેલો હોઈ ત્યાં ડાંગરનું વાવેતર થાય છે. બાકીનો ઘણોખરો ભાગ ટેકરીઓવાળો હોવાથી ત્યાંની જમીનોમાં સિંચાઈ વિના ખેતી થઈ શકતી નથી; સિંચાઈ ઉપલબ્ધ થાય તો તેમાં શેરડીનો પાક લઈ શકાય છે.

ગઢચિરોલી જિલ્લો

જિલ્લામાં ગાયો, ભેંસો, બકરાંનો ઉછેર થાય છે. મરઘાં-બતકાંનું પાલન પણ થાય છે. જિલ્લામાં પશુદવાખાનાં કે ચિકિત્સાલયોની સુવિધા પૂરતી નથી.

ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં મોટા પાયાના ઉદ્યોગો વિકસ્યા નથી. અહીં માત્ર લાટીઓ, ડાંગર છડવાની મિલો, બીડી બનાવવાના એકમો, સાબુ બનાવટના, દોરડાં અને ટોપલીઓ બનાવવાના તથા ટસર-રેશમ વણાટના ગૃહઉદ્યોગો કાર્યરત છે.

જિલ્લામાંથી લાકડાં, વાંસની સાદડીઓની નિકાસ તથા ઘઉં, ચોખા, અન્ય ખાદ્યાન્ન, મસાલા, કાપડ, ખાંડ, ખાદ્યતેલ અને ધાતુઓની આયાત કરવામાં આવે છે. ગઢચિરોલી અને આલાપલ્લી ખાતે લાકડાનો વેપાર ચાલે છે.

પરિવહન : જિલ્લામાં સડકમાર્ગો કે રેલમાર્ગો વિકસેલા નથી. રાજ્ય ધોરી માર્ગ નં. 92 અને 64 ગઢચિરોલી અને સિરોન્ચા નગરોને અન્ય મથકો સાથે જોડે છે. ગઢચિરોલી તાલુકાના વાયવ્ય ભાગમાં આવેલો થોડા અંતર માટેનો રેલમાર્ગ ગોંદિયા સાથે સંકળાયેલો છે. નજીકના ચંદ્રપુર જિલ્લા ખાતે આવેલી હવાઈપટ્ટી સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવાય છે.

પ્રવાસન : ગઢચિરોલી તાલુકાનું માર્કંડ ગામ હિન્દુઓના યાત્રાધામ તરીકે જાણીતું છે. અહીં શિલ્પોવાળું માર્કંડેય ઋષિનું મંદિર આવેલું છે. આ જ તાલુકામાં આવેલું વૈરાગઢ ગામ અતિ પ્રાચીન હોવાનું કહેવાય છે, તે સંભવત: દ્વાપર યુગમાં સ્થપાયેલું હોવાનું મનાય છે. સિરોન્ચા તાલુકાનું સોમનુર ગામ ત્રણ નદીઓની ખીણમાં આવેલું હોવાથી રમણીય સ્થળ ગણાય છે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. જિલ્લામાં વાર-તહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

શિવ મંદિર : માર્કંડ, તા. ગઢચિરોલી

વસ્તીલોકો : 2021 મુજબ આ જિલ્લાની વસ્તી 11,48,099 જેટલી છે; તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90% અને 10% જેટલું છે. જિલ્લામાં મરાઠી અને હિન્દી ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓની વસ્તી વિશેષ છે, જ્યારે તેનાથી ઊતરતા ક્રમે બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને શીખોની વસ્તી છે. જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિભાગોમાં સાક્ષરતાનું પ્રમાણ અનુક્રમે 70% અને 40% મુજબનું છે. 70% ગામોમાં શિક્ષણ માટે શાળાઓની સગવડ છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ નજીકના નાગપુર અને ચંદ્રપુર ખાતે અભ્યાસ અર્થે જાય છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકાઓ અને  સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલા છે. જિલ્લામાં 4 નગરો તથા 1,671 ગામડાં આવેલાં છે.

1982માં આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. મહારાષ્ટ્રના પછાત જિલ્લાઓમાં તેની ગણના થાય છે. આ જિલ્લામાં નકસલવાદ મોટા પાયા પર વકર્યો હતો. સરકારે નકસલવાદની પ્રવૃત્તિ ઉપર ઘણું પ્રભુત્વ મેળવ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા