ગઝનવી આક્રમણો : ગઝનીના સુલતાન મહમૂદે ભારત પર કરેલાં આક્રમણો. ભારતને ઇસ્લામ(મુસ્લિમો)નો પ્રથમ સંપર્ક 712માં મોહમ્મદ બિન કાસિમે કરેલા સિંધવિજયથી થયો. ત્યાર બાદ આશરે 500 વર્ષ પછી (1206) મુસ્લિમ સત્તાની ભારતમાં સ્થાપના થઈ. તે દરમિયાન ભારત પર મુસ્લિમોનાં આક્રમણો થતાં રહ્યાં, જેમાં ગઝનવી આક્રમણોની સૌથી મહત્વની અસર થઈ. અફઘાનિસ્તાનના ગઝની પ્રદેશમાં અલપ્તગીન નામે તુર્ક નેતાએ 963માં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તેના જમાઈ સબક્તગીને આ રાજ્યનો સારો એવો વિસ્તાર કર્યો. સબક્તગીનનું 997માં અવસાન થતાં તેનો પુત્ર મહમૂદ વિશાળ ગઝની રાજ્યનો શાસક બન્યો.

મહમૂદ ગઝનવીએ 1001થી સને 1026 સુધીમાં ભારત પર 17 જેટલાં આક્રમણો કર્યાં. બહુમત ઇતિહાસકારોના અભિપ્રાય મુજબ મહમૂદ ગઝનવીનાં ભારત પરનાં આક્રમણોનો આશય સામ્રાજ્ય સ્થાપવાનો નહિ; પરંતુ ભારતની અઢળક ધનસંપત્તિ લૂંટવાનો, ઇસ્લામનો પ્રચાર કરવાનો તથા મૂર્તિનાશ કરવાનો હતો. ગઝનવીનાં આક્રમણો સમયે ભારતમાં નાનાંમોટાં અનેક રાજ્યો પરસ્પર લડતાં હતાં, તેથી ભારત મહમૂદનાં આક્રમણોનો સામનો કરી શક્યું નહિ, પરિણામે એ રાજ્યોનો પરાજય થયો અને તેમણે વિપુલ ધનસંપત્તિ ગુમાવી. મહમૂદનાં ભારત પરનાં 17 આક્રમણોમાં મુલતાન, લાહોર, પેશાવર, જ્ઞાનેશ્વર, થાણેશ્વર, મથુરા, કાલિંજર, કનોજ, ગ્વાલિયર તથા સોમનાથ પરનાં આક્રમણો નોંધપાત્ર કહેવાય. તેમાં સૌથી મહત્વનું આક્રમણ વિખ્યાત સોમનાથ મંદિર પરનું હતું (1026).

મહમૂદે લાહોર (પંજાબ) પર ત્રણ આક્રમણો (1001, 1008, 1017) કર્યાં, જેનો તેના હિંદુ શાસકો અનુક્રમે જયપાલ, આનંદપાલ તથા ત્રિલોચનપાલે અન્ય રાજાઓની સહાયથી સખત અને વીરતાભર્યો સામનો કર્યો; પરંતુ અંતે તેમનો પરાજય થયો અને મહમૂદે લાહોરનો વિપુલ ધનરાશિ લૂંટીને તેના પર કબજો કર્યો. મહમૂદે મુલતાન પર બે આક્રમણો (1005 અને 1011) કરીને તેનું અઢળક દ્રવ્ય લૂંટ્યું અને તેનાં ભવ્ય મંદિરોનો નાશ કર્યો. મહમૂદે જ્ઞાનેશ્વર (1012), થાણેશ્વર (1014), મથુરા તથા કનોજ (1018), કાલિંજર (1020) અને ગ્વાલિયર (1023) પર આક્રમણો કરીને ત્યાં ભયંકર વિનાશ વેર્યો તથા તેમનાં મંદિરો લૂંટીને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી.

મહમૂદનું સૌથી મહત્વનું અને અંતિમ આક્રમણ (1026) ભારતભરમાં પ્રસિદ્ધ સૌરાષ્ટ્રના સોમનાથ મંદિર પરનું હતું. આ આક્રમણ સમયે તેની સાથે તેની રાજસભાનો ફારસી અને સંસ્કૃતનો મહાન વિદ્વાન લેખક અલ્બિરૂની (મૂળ નામ અબુરિહાન) હતો. તેણે મહમૂદના સોમનાથ પરના આક્રમણનું પોતાના પુસ્તક ‘તહકીકે હિન્દ’માં વિસ્તૃત વર્ણન કરેલું છે તથા તેની લૂંટફાટ કરવાની અને વિનાશ વેરવાની નીતિની ટીકા પણ કરેલી છે. મહમૂદ વિશાળ સેના સાથે પંજાબ, મુલતાન તથા રજપૂતાના પાર કરીને તે સમયના ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ પહોંચ્યો. ગુજરાતનો સોલંકી રાજા ભીમદેવ તથા તેના પ્રજાજનો પાટણ છોડી જતાં મહમૂદે પાટણ લૂંટીને તેને ખેદાનમેદાન કર્યું. ત્યાંથી તે સોમનાથ પહોંચ્યો. સોમનાથના રક્ષણ માટે એકત્ર થયેલા રાજાઓ અને સામંતોએ તેમનાં લશ્કરો સાથે મહમૂદના લશ્કરનો વીરતાભર્યો સામનો કર્યો; પરંતુ ભારે ખૂનખાર લડાઈને અંતે છેવટે મહમૂદનો વિજય થયો.

મહમૂદે વિખ્યાત શિવલિંગના ટુકડા કર્યા અને મંદિરનાં સોનારૂપાનાં આભૂષણો, ઝવેરાત તથા અન્ય મૂલ્યવાન વસ્તુઓની લૂંટ કરીને અઢળક ધનસંપત્તિ લૂંટી. અનેક ઊંટો પર આ અમૂલ્ય ધનભંડાર લાદીને મહમૂદે કચ્છના રણના રસ્તે ગઝની પ્રતિ પ્રયાણ કર્યું. આ માર્ગ તેને માટે ભારે ખતરનાક પુરવાર થયો. રણમાં તેની સેના હેરાનપરેશાન થઈ. સોલંકી રાજા ભીમદેવ અને સિંધના જાટ લોકોએ મહમૂદની સેનાની ભારે ખુવારી કરી. તેનું લગભગ અર્ધા ઉપરાંતનું લશ્કર નાશ પામ્યું અને મહામુસીબતે બાકીના લશ્કર સાથે તે ગઝની પહોંચ્યો.

મહમૂદે ભારતનો વિપુલ ધનરાશિ પ્રાપ્ત કરવા તથા ઇસ્લામનો પ્રચાર કરવા કરેલાં આક્રમણો ભયંકર આંધી સમાન હતાં, એટલે ભારત પર તેનો કોઈ સ્થાયી તેમજ દૂરગામી પ્રભાવ પડેલો નથી, છતાં તેની કેટલીક અસરો નોંધપાત્ર ગણાય. મહમૂદનાં આક્રમણોએ ભારતના રાજાઓની રાજકીય તથા લશ્કરી નિર્બળતા ખુલ્લી પાડી. મહમૂદનાં આક્રમણોથી ભારતનાં ભવ્ય મંદિરો, મહાલયો, ઐતિહાસિક અને સમૃદ્ધ નગરો, કલાધામો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરેનો નાશ થયો. આથી ભારતની સંસ્કૃતિ તથા કલાવારસાને પારાવાર નુકસાન થયું. મહમૂદનાં આક્રમણોથી ભારતને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી. ભારતની અઢળક ધનસંપત્તિ – સોનું, ચાંદી, હીરા-મોતી, ઝવેરાત વગેરે – વિદેશમાં ઘસડાઈ ગઈ. મહમૂદનાં આક્રમણોએ પછીથી મુસ્લિમ આક્રમણખોરો માટે ભારતનો માર્ગ ખુલ્લો કર્યો. ભારત પરનાં ત્યાર બાદનાં મુસ્લિમ આક્રમણો આ માર્ગે જ થયાં અને ભારતમાં ઇસ્લામનો પ્રચાર વધ્યો.

રમણલાલ ક. ધારૈયા

શંભુપ્રસાદ દેસાઈ